લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી રહી છે. જે પરિવારમાં લગ્ન પ્રસંગ હોય એનો ઉત્સાહ જ અનેરો હોય છે. પરંપરાગત વિધિ દ્વારા લગ્ન પ્રસંગ ઉત્સાહભેર સંપન્ન થાય છે. પણ વરયાત્રા દ્વારા જે રસ્તા રોકો આંદોલન થાય છે એ અન્ય પ્રજા માટે સમસ્યાધારક છે. મંથર ગતિએ ચાલતી વરયાત્રા વાહનવ્યવહાર ઠપ કરી દે છે. હૃદયની ધડકન ગતિ કરી દે છે. એની ચમક દમક સભર લાઇટ આંખ આંજી દે છે. કિંમતી વસ્ત્ર-અલંકાર ધારણ કરેલી બહેનો જ્યારે રસ્તા પર નૃત્ય કરે ત્યારે લોક ટોળે વળી જોવા ઊભા રહે અને વાહન ચાલકોને પારાપાર મુશ્કેલીનો સામનો કરવો પડે. ભારેખમ છત્રી જે લાઇટ વડે સુશોભિત હોય છે એનો ભાર વાહન કરનાર શ્રમજીવી બહેનોની દયા આવે. ઠેર-ઠેર વાહનવ્યવહારની સમસ્યા સર્જાય છે.
આમ જનતા જે વરયાત્રા આગળથી પસાર થતી હોય છે એમને સ્વાનુભવ હશે જ. પારિવારીક પ્રસંગનો ઉત્સાહ હોય પણ એ અન્ય પ્રજાજન માટે સમસ્યા ઊભી કરે એ યોગ્ય કહેવાય? ફટાકડા અને કાગળની સભર થઇ જાય. કરશે સફાઇ કર્મચારી, આપણે શું? એમ વિચારી વરઘોડો આગળ પ્રસ્થાન કરી જાય. આ સમગ્ર સમસ્યા દર વર્ષે લગ્નવાળા દરમિયાન ઉપસ્થિત થાય જ છે. ફટાકડાની મફાઇ હોવા છતાં પણ એ ફોડવાનો આગ્રહ સેવાય. શું ડી.જે. ફટાકડા, નૃત્ય, કાગળની કતરણ વિ. વિના વરરાજા પરણી જ ન શકે. બીજા પરેશાન થાય એનો વિચાર તો કરો.
રાંદેર, સુરત- નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.