સામાન્ય રીતે વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થી . શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થી કેન્દ્ર સ્થાને છે. અને શિક્ષક અને વાલીની જો અહમ ભૂમિકા ન હોય તો શિક્ષણ નિષ્ફળ જાય છે . આજે શિક્ષણની વર્તમાન પરિસ્થિતિ માટે બધા જ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. ગઇકાલે જ શહેરની શાળાઓમાં શિક્ષક દિન ની ઉજવણી થઈ. રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મદિવસ જે વ્યવસાયે શિક્ષક હતા. ગાંધીજી એ શિક્ષણ માં સર્વાંગી કેળવણી પર ભાર મૂક્યો છે. કેટલીક શાળાઓમાં રમત ગમતના મેદાન પણ નથી.આજે શાળાઓમાં માત્ર માહિતી નું આદાન પ્રદાન થાય છે. પાઠ્યપુસ્તકિયું શિક્ષણ અપાય છે, માટે વિદ્યાર્થી પરીક્ષાર્થી બન્યો છે. આજનું શિક્ષણ માત્ર સાક્ષરતા તરફ દોરી જતું છે. જેમાં ગોખણપટ્ટી ને અવકાશ રહે છે. જો કે જીવનમાં શિક્ષણની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. તેથી જો શિક્ષક અપડેટ ન થાય તો કેમ ચાલે? શિક્ષક આજીવન વિદ્યાર્થી છે.
કોઈપણ જગ્યાએ શિક્ષણની ગુણવત્તા ઘટવામાં યોગ્ય મૂલ્યાંકન થયા વગર થયેલી શિક્ષકની ભરતી, વાલી જાગ્રત ન હોય-( માત્ર પોતે ભરેલી ફી નું વળતર મળે છે કે નહીં તે જોવામાં જ રસ હોય) વર્ગખંડમાં શીખવેલી બાબતના પુનરાવર્તન બાબતે બેદરકારી દાખવવામાં આવતી હોય અથવા તેને ટ્યુશન ને હવાલે કરી દેવામાં આવતો હોય, વિદ્યાર્થીને ભણતરમાં રસ ન પડતો હોય અથવા અમુક વિષય તેના મગજમાં ન ઉતરતો હોય – આ અને આવા ઘણા કારણોસર શિક્ષણ નિષ્ફળ જાય છે.
બીજું કે કેટલીક શાળાઓમાં માત્ર હોંશિયાર વિદ્યાર્થીઓ પર જ ફોકસ કરવામાં આવે છે અને તેમને માર્ગદર્શન આપીને આગળ વધારવાની કોશિશ હોય છે જેથી શાળા નામના પામી શકે. નબળા વિદ્યાર્થીઓની ઉપેક્ષા થતી હોય છે.. વિદ્યાર્થીઓને શાળાકીય શિક્ષણમાં અસંતોષ હોય તો ટ્યુશન પ્રથા ને પ્રોત્સાહન મળે છે. આજે કેટલી શાળાઓ અને તેના આચાર્યો અને શિક્ષકો વાલીઓ ને એવી ખાતરી આપી શકે કે અહીં શિક્ષણ લીધા પછી ટ્યુશન ની જરૂર નથી?
સૂરત – વૈશાલી શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.