Charchapatra

વેસ્ટ ઝોનની સમસ્યાઓ

વેસ્ટ ઝોન વિસ્તારમાં એસ.એમ.સી. ટ્રાફિકને લગતી અનેક સમસ્યાઓ છે. જેમ કે હેરીટેજ વોકનો રીવરફ્રંટ આજે ભંગારવાળાઓનું ગોડાઉન બની ગયો છે. દબાણોએ માઝા મૂકી છે. વેસ્ટ ઝોનમાં જયાં જયાં ઝૂંપડપટ્ટીઓ છે ત્યાં ફૂટપાથો ચાંઉ થઇ ગઇ છે.ફૂટપાથો ઉપર દુકાનો અને ગલ્લાઓ ગોઠવાઈ ગયા છે. રોટલાપીર દરગાહ પાસે તો ઝાડવાંઓની વચ્ચે પતરાંની કેબીનો લોકોએ ઊભી કરી દીધી છે. જેમાં ઇલેકટ્રીક સપ્લાઈ કોણે કોની મંજૂરીથી આપેલ છે? પાલનપુર રોડ પર હાલમાં નવા લાઈટપોલ નંખાયા છે જે જૂના લાઈટપોલોથી 3-4 ફૂટ બહાર નંખાયા છે કેમ કે જૂના લાઇટપોલ લોકોએ બહાર કાઢેલા. દુકાનોના ઓટલાઓમાં દબાવી લીધા છે.

અર્થાત્ દુકાનો 4-5 ફૂટ બહાર આવી ગઇ છે. છે કોઇ જોવાવાળું? આગળ મશાલ સર્કલ પાસે 5 થી 6 રસ્તા ભેગા થવાથી ધૂમ ટ્રાફિક રહે છે. આજુબાજુ દબાણોનો પાર નથી. અહીંયા સી.સી. કેમેરા કે ટ્રાફિક સિગ્નલ નથી. દરરોજ નાના મોટા અકસ્માતો થાય છે. અહીંના વોકવેની હાલત ખરાબ છે. મજૂરોએ ઝૂંપડાં બાંધ્યાં છે. ઝાડ છોડની કાળજી રખાતી નથી. લોકો ટુ વ્હીલરો લઇને ઘુસે છે. લોકો કૂતરાંઓને સંડાસ કરાવવા લાવે છે. ખૂણાઓમાં ગંદકીનો પાર નથી. વોકવેની બહાર પે એન્ડ યુઝ ટોઇલેટ તૈયાર છે પરંતુ મુકાયેલ નથી.
સુરત     – જીતેન્દ્ર પાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top