Comments

પ્રજાલક્ષી ચૂંટણીઢંઢેરો… અમારે આ જોઇએ છે…

વધુ બે રાજ્યોમાં ચૂંટણી જાહેર થઈ છે. ગુજરાતમાં પણ આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામવાનો છે. ખાસ તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી.મહારાષ્ટ્રમાં બહુપાંખિયો જંગ થવાનો છે. રાજકીય પક્ષો દેશની રાજનીતિમાં હમેશાં ધ્રુવીકરણ પર ભાર મૂકે છે. ધર્મ,જ્ઞાતિ, જાતિનાં સમીકરણો છેલ્લે તો નિર્ણાયક બને છે. ગુજરાત મોટે ભાગે દ્વિપક્ષીય રાજનીતિ માટે ટેવાયેલું છે એટલે કેજરીવાલ જેવું ફેક્ટર અહીં ઊભું થતું નથી.બંને મોટા પક્ષોએ ચૂંટણી માટે કમર કસી છે પણ આપણે એ બધામાં નથી પડવું. આપણે વાત કરવી છે આપણી સામાન્ય પ્રજાની જરૂરિયાતોની. ચૂંટણીમાં આહીં તો આપણી રોજિંદી ફરિયાદો માટે વોટ આપવાનો હોય. નગરનો મતલબ જ છે નળ,ગટર અને રસ્તા…મતલબ કે પાયાની સુવિધાઓ… આપણા શહેરની ગટર વ્યવસ્થા શું છે? રસ્તાની હાલત કેવી છે? પાણી આવે છે કે નહિ..સ્માર્ટ સીટીના વાયદામાં આ પાયાની જરૂરિયાતો ખોવાઈ ના જાય તે જોવું રહ્યું.

 ભારતના બંધારણ મુજબ સમવાય વ્યવસ્થામાં સત્તાની ત્રણ સ્તરે વહેંચણી થયેલી છે. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. બંધારણમાં આ ત્રણેય સત્તાઓએ કરવાનાં કામ અને તે માટે ઉઘરાવવાના વેરા વહેંચી આપવામાં આવ્યા છે. કાર્યક્ષમતાના નિયમ મુજબ જે સત્તા જે કામ સારી રીતે કરે તેને તે વહેંચવામાં આવ્યું છે એટલે આપણા રોજિંદા જીવનની બધી જ જરૂરિયાતો સ્થાનિક સંસ્થાઓને આપવામાં આવી છે. રસ્તા, પાણી ,ગટર ,જાહેર રસ્તાની વીજળી ,પ્રાથમિક શિક્ષણ જેવી અત્યંત મહત્ત્વની જરૂરિયાતો આ સ્થાનિક સંસ્થાઓએ આપવાની છે. ફરજ તરીકે આપણે પણ આ સમજવાનું છે કે આપણે વોટ આપીએ ત્યારે આ કામગીરી સારી રીતે જે કરે અથવા કરવાનું વચન આપે તેને આપણે વોટ આપવાનો છે.રાજકીય પક્ષો વચન આપવામાં પાછા પડતા નથી. બધા જ પક્ષો વિઝન ૨૦2૫ રજૂ કરી રહ્યા છે પણ ખરેખર તો આપણે પ્રજાએ આ પક્ષોને કહેવું જોઈએ કે ઊભા રહો, તમે અમને વચન ના આપો. અમારે તમારો ચૂંટણી ઢંઢેરો નથી સાંભળવો. અમે કહીએ તે તમે સાંભળો.

 આ ચૂંટણીમાં પછી એ મહારાષ્ટ્ર હોય, ઝારખંડ હોય, ભાવનગર હોય કે જામનગર, સુરત હોય કે અમદાવાદ, બધાને સરખી રીતે લાગુ પડતી કેટલીક બાબતો આહીં રજૂ કરીએ છીએ કે પ્રજા તરીકે તમે આ બાબતોની માગણી કરો. ૧ સૌ પ્રથમ તો આપણો મત એને જ મળે, જે પીવાનું ચોખ્ખું પાણી દિવસમાં એક વાર તો આપે જ. ૨ શહેરોનો બીજો મોટો પ્રશ્ન ટ્રાફિકનો છે.નવી સરકારો રસ્તા પહોળા કરે, નવા કરે અને અમદાવાદ કે સુરત જેવાં શહેરોમાં બીઆરટીએસનો પુનર્વિચાર કરે, એટલું જ નહિ, જે શહેરોમાં હજુ બીઆરટીએસ ચાલુ નથી થઇ ત્યાં આવી ભૂલ ના કરે. આપણે ત્યાં દિનપ્રતિદિન વાહનો વધતાં જાય છે. ગીચ રસ્તાઓમાં ઘરો તોડીને રસ્તા પહોળા કરવામાં આવ્યા ત્યારે આ બીઆરટીએસથી તે વધુ સાંકડા થયા છે.

૩ આપણું પ્રાથમિક શિક્ષણ સાવ ખાડે ગયું છે. ઉચ્ચ મધ્યમ વર્ગનાં બાળકો નગરપાલિકાની સ્કૂલમાં ભણવા જતાં જ નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ કરવા જેવું કામ હોય તો એ છે કે શિક્ષણ અને તે માટેની સ્કૂલો સુધારે. ૪ તમામ શહેરોમાં જાહેર રસ્તા પરનાં દબાણો વધી રહ્યાં છે. એક સર્વગ્રાહી નીતિ દ્વારા રાજ્ય સરકારને સાથે રાખીને આ તમામ દબાણો દૂર કરે એવી સરકાર આપણે જોઈએ. આ કામ અઘરું છે કારણ અહીં દરેક પક્ષના લાગતાવળગતા નેતાઓનાં જ જાહેર જમીનો પર દબાણો છે માટે જ તેમના વહીવટી તંત્ર પર દબાણો છે.

૫ હમણાંથી ખાનગીકરણ અને કોન્ટ્રાકટ આપવાનો સૌને રોગ લાગ્યો છે.સફાઈના કોન્ટ્રાકટ,વહીવટના કોન્ટ્રાકટ. આપણે આ કોન્ટ્રાકટ સીસ્ટમનો વિરોધ કરવાનો છે.બાગબગીચામાં ફી નો વિરોધ કરવાનો છે. એક બાજુ વેરા પણ ભરવાના અને બીજી બાજુ ફી પણ આપવાની તો આ સરકારો શું કરવાની?  દરેક પક્ષ પોતાનો વચન વેપાર ભલે કરે, આપણે સ્પષ્ટ રીતે આપણી માંગણીઓ મૂકવી જોઈએ. હવે પ્રજાએ નેતાઓને કહેવાનું છે કે અમારે આ બધું જોઈએ છે જે શાસકો આ આપશે તેને અમે મત આપીશું.

ભારતમાં હવે ચૂંટણી ખાસ તો વિધાનસભા કે નગર પંચાયતની ચૂંટણી આપણા રોજિંદા પ્રશ્ન માટે લડાય તે જરૂરી છે. આપણે જેને સત્તા આપીએ તેણે શાસન પણ કરવાનું છે અને તે શાસન ન કરે તો રોજિંદા જીવનમાં અંધાધૂંધી ફેલાય. અત્યારે તો રાજકીય પક્ષો સત્તા મળ્યા પછી શાસન અધિકારીઓ ઉપર છોડી દે છે અને થોડા સમય પછી નેતાઓ જ કહે છે કે અધિકારીઓ માનતા નથી. અલ્યા અધિકારીઓ માનતા નથી તે વાત વોટ લેવા આવ્યા ત્યારે ખબર નોતી? સૌ સાચવજો..ગુજરાત તો ખાસ સમજે…ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થાનિક મુદ્દા પર લડજો. બાકી દિવાળી આવે છે. જૂનો માલ રાખવો કે કાઢવો તે તમારા હાથમાં છે. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top