National

વાયનાડની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી સામે ભાજપ કોને મેદાનમાં ઉતારશે?, સ્મૃતિ ઈરાનીના નામની ચર્ચા

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં રાયબરેલી લોકસભા મતવિસ્તાર જાળવી રાખશે અને કેરળમાં તેમની વાયનાડ બેઠક ખાલી કરશે જ્યાંથી તેમનાં બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રથમ વખત ચૂંટણી લડશે તે મુજબની જાહેરાત સોમવારે સાંજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

કોંગ્રેસના ટોચના નેતાઓએ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને આ મુદ્દા પર ચર્ચા કર્યા પછી ખડગેએ આ અંગેની જાહેરાત કરી હતી. ખડગે અને રાહુલ ઉપરાંત કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના મહાસચિવ કે સી વેણુગોપાલ અને પ્રિયંકા ગાંધી વાડ્રા બેઠકમાં હાજર હતા.

જો પ્રિયંકા ગાંધી વાડ્રા જીતશે તો તેઓ સાંસદ તરીકે પ્રથમ વખત સંસદમાં પ્રવેશ કરશે. આ પણ પહેલીવાર હશે જ્યારે ગાંધી પરિવારના ત્રણેય સભ્યો: સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા એક સાથે સંસદમાં હશે.

  • રાહુલ વાયનાડ અને રાયબરેલી એમ બે લોકસભા સીટ પરથી ચૂંટણી જીત્યા હતા
  • હું વાયનાડના લોકોને રાહુલની ગેરહાજરીનો અનુભવ નહીં થવા દઈશ: પ્રિયંકા ગાંધી હવે પહેલી વાર ચૂંટણી લડશે
  • જો પ્રિયંકા ગાંધી વાડ્રા જીતશે તો પહેલીવાર ગાંધી પરિવારના ત્રણેય સભ્યો એક સાથે સંસદમાં હશે
  • રાહુલે કહ્યું : હું આવતો રહીશ, વાયનાડ પાસે હવે બે સાંસદો છે

જો કે, ભાજપે આ નિર્ણય માટે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તે સ્પષ્ટ રીતે વંશવાદી રાજકારણ છે. શાસક પક્ષના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, ‘તે સાબિત કરે છે કે કોંગ્રેસ પાર્ટી નથી પરંતુ એક પરિવારની કંપની છે.’
લોકસભા પરીણામો 4 જૂનના રોજ આવ્યા હતા તેના 14 દિવસની અંદર રાહુલ ગાંધીએ બંનેમાંથી એક બેઠક ખાલી કરવાની હતી.

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ‘તે વાયનાડના લોકોની સારી પ્રતિનિધિ બનવા મહેનતથી કાર્ય કરશે અને તેમને રાહુલની ગેરહાજરીનો અનુભવ થવા દેશે નહીં.’

‘પ્રિયંકા વાયનાડના લોકોની બહુ સારી પ્રતિનિધિ બનશે. તમારી પાસે હવે સંસદના બે સભ્યો હશે અને હું અહીં આવતો રહીશ’, એમ રાહુલે વાયનાડની બેઠક છોડવાની જાહેરાત કરતા કહ્યું હતું.

‘રાહુલ ગાંધીએ બે લોકસભા બેઠક જીતી હતી પણ કાયદા મુજબ તેમને એક બેઠક ખાલી કરવી પડશે. રાહુલ રાયબરેલીની બેઠક જાળવી રાખશે અને અમે નિર્ણય કર્યો છે કે પ્રિયંકા જી વાયનાડથી ચૂંટણી લડશે’, એમ ખડગેએ કહ્યું હતું.

વાયનાડમાં રાહુલ ગાંધી સામે હારેલા સીપીઆઈ નેતા એની રાજાએ રાયબરેલી બેઠક જાળવી રાખવાના તેમના નિર્ણયને આવકાર્યો હતો. જ્યારે પૂછવામાં આવ્યું કે શું પ્રિયંકાને ઈન્ડિયા ગઠબંધનના સામાન્ય ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તક છે, રાજાએ કહ્યું કે તે ગઠબંધનમાં લેવાયેલ સામૂહિક નિર્ણય હતો કે એલડીએફ અને યુડીએફ કેરળમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે અને કોઈપણ ફેરફાર ફક્ત ગઠબંધન અને તેના પક્ષો દ્વારા જ થઈ શકે છે.

શું ભાજપ વાયનાડથી સ્મૃતિ ઈરાની પર દાવ લગાવશે?
પ્રિયંકા ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા સહિત રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે કે આ બેઠક પરથી ભાજપ કોને ઉમેદવાર બનાવશે. એવી પણ ચર્ચા છે કે ભાજપ ગતિશીલ નેતા સ્મૃતિ ઈરાનીને વાયનાડ બેઠક પરથી ઉતારી શકે છે. સ્મૃતિ ઈરાની ભલે આ વખતે અમેઠીથી કેએલ શર્મા સામે લોકસભા ચૂંટણી હારી ગઈ હોય , પરંતુ 2019માં તેમણે કોંગ્રેસના ગઢ અમેઠીમાંથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા. આવી સ્થિતિમાં ભાજપ તેમને આ બેઠક પરથી મેદાનમાં ઉતારીને સ્પર્ધાને રસપ્રદ બનાવી શકે છે.

Most Popular

To Top