ધરમપુર: મોદી સરકાર ઘમંડી છે. તે તમારા અધિકારો છીનવી રહી છે. પાછલા 10 વર્ષથી મોદી સરકારે તમારી સાથે અન્યાય કર્યો છે. 10 વર્ષની ભાજપ સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે. હજી પણ આ સરકાર સત્તા પર આવશે તો તમારો વિકાસ નહીં થાય, એમ આજે ધરમપુરમાં પ્રચાર અર્થે આવેલા કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ સભાને સંબોધતા કહ્યું હતું.
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદથી દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ વખતે એનડીએ અને ઈન્ડિયા ગઠબંધનની સીધી ટક્કર થઈ રહી છે. વલસાડ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન દ્વારા અનંત પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ધરમપુરમાં આવ્યા છે. હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા પ્રિયંકા ગાંધી સુરત એરપોર્ટ પર ઉતર્યા હતા, ત્યાંથી બાય રોડ ધરમપુર પહોંચ્યા હતા. ધરમપુરમાં જાહેર સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરાં પ્રહાર કર્યાં હતાં.
પોતાના સંબોધનમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર ઘમંડી છે. મારા પરિવારમાંથી બે વડાપ્રધાન આવ્યા છે, અમે ઘમંડ કરતા નથી. પ્રિયંકાએ કહ્યું, હું ગેરન્ટી આપી કહું છું કે જો ફરી મોદી સરકાર સત્તામાં આવશે તો તમે જ્યાં છો ત્યાં જ રહી જશો. તમારી સ્થિતિમાં કોઈ ફરક પડશે નહીં. તમારો વિકાસ થશે નહીં. કારણ કે મોદી સરકાર પાસે તમારા માટે કશું જ નથી. મોદીજી મોટી મોટી વાતો કરે છે. પરંતુ દેશના ગરીબ માટે સરકાર પાસે કંઈ નથી. આ સરકાર અંબાણી-અદાણી જેવા કરોડપતિઓની છે.
મોંઘવારી અંગે બોલતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, દેશના ખેડૂતને 10 હજાર માટે આપઘાત કરવો પડે છે. બીજી તરફ મોદીજીએ તેમના ઉદ્યોગપતિ મિત્રોનું 16 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે. દેશની બધી સંપત્તિ શું ઉદ્યોગપતિઓને જ આપી દેવાની છે.
યુવાનો માટે કોંગ્રેસ 5 હજાર કરોડનું ફંડ બનાવશે
પ્રિયંકા ગાંધીએ જાહેરસભામાં જાહેરાત કરી હતી કે કોંગ્રેસ સત્તામાં આવશે તો યુવાનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે 5 હજાર કરોડનું ફંડ બનાવાશે. ગ્રેજ્યુએટ યુવાનોને નોકરી આપવામાં આવશે. ખાલી સરકારી નોકરીઓ ભરવામાં આવશે.