Entertainment

પ્રિયા રાજવંશ પ્રેમ માટે જીવી ને પ્રેમને કારણે જ મરી

પ્રિયા રાજવંશ શું સાવ ખરાબ એકટ્રેસ હતી? શું દિગ્દર્શક ચેતન આનંદ તેને પોતાની ફિલ્મોમાં હંમેશા એટલે જ હીરોઈન બનાવતા હતા કે તેને તેઓ ચાહતા હતા? શું કોઈ અભિનેત્રી એક જ દિગ્દર્શકની ફિલ્મો પૂરતી મર્યાદિત રહી હોય તો તેનો વાંક ગણાય? હકીકત તો એ છે કે પ્રિયા રાજવંશ સ્વયં જ બીજાની ફિલ્મો માટે તૈયાર નહોતા. આ એક વ્યક્તિગત અભિગમની વાત છે. તેઓ ચેતન આનંદને વફાદાર હતા અને એટલું જ તેમના માટે પૂરતું હતું. ‘હકીકત’થી માંડી ‘હીરરાંઝા,’ ‘હસ્તે જખ્મ’ ફિલ્મમાં તેણે જે કામ કર્યું. તે ઉત્તમ હતું. રાજેન્દ્રકુમાર જેવા નબળા એક્ટરને લોકોએ નબળા તરીકે નહોતા ઓળખાવ્યા, તેમની દરેક ફિલ્મો સિલ્વર જ્યુબિલી થતી. સફળતાએ રાજેન્દ્રકુમારની મર્યાદા ઢાંકી દીધી હતી. પ્રિયા રાજવંશની ‘હકીકત’, ‘હીરરાંઝા’, ‘હંસ્તે જખ્મ’ ખૂબ સફળ ફિલ્મો હતી અને ‘હીરરાંઝા’, ‘હસ્તે જખ્મ’માં તો તેની ભૂમિકા કેન્દ્રમાં હતી. પ્રિયા રાજવંશને આઘાતક રીતે મૃત્યુ આવ્યું અને તેને હવે 25 વર્ષ થવાનાં. તેનો વાંક એક જ હતો કે તે ચેતન આનંદના પ્રેમમાં રહ્યા. ચેતન આનંદ ઉમા આનંદને પરણેલા હતા અને પ્રિયા સાથે પ્રેમમાં પડ્યા. ઉમા આનંદ છૂટા થયા અને ઈબ્રાહીમ અલ્કાઝી સાથે લગ્ન વિના ઘણા વર્ષ રહ્યા. ઉમા આનંદ અત્યંત તેજસ્વી હતા અને ચેનત આનંદ જેવા બૌદ્ધિકના ખરા અર્થમાં વૈચારિક સાથી પણ હતા. પરંતુ પ્રેમ તો પ્રેમ છે. પ્રિય રાજવંશ પણ કાંઇ કમ તો નહોતા. 30 ડિસેમ્બર 1936માં જન્મેલા પ્રિયાનાં પિતા સુંદર સિંહ એક સરકારી અધિકારી હતા. પ્રિયાનું સ્કૂલીંગ અને ગ્રેજ્યુએશન શિમલામાં થયેલું અને પછી લંડનના રોયલ એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટસમાં અભિનયનું શિક્ષણ લીધું હતું. ભારત આવી મોડલિંગ કર્યું અને ચેતન આનંદની નજર પડી. તે વખતે તેઓ ‘હકીકત’ બનાવતા હતા અને તેમાં તેમને તક આપી. પ્રિયાથી ચેતન સાહેબ 15 વર્ષ મોટા હતા, પણ બેઉ વચ્ચે પ્રેમના સંબંધ બંધાયા. જેમ નરગીસ રાજકપૂરની ફિલ્મોનાં ગાયિકા હતા અને પ્રેમ થયો, જેમ વહીદા રહેમાન ગુરુદત્તની ફિલ્મોના નાયિકા હતા અને પ્રેમ થયો તેમ પ્રિયા અને ચેતન આનંદ વચ્ચે થયો. આ ત્રણે કિસ્સામાં પ્રેમ છે અને લગ્ન નથી. પ્રિયા રાજવંશ જીવનભરના સાથી બનીને ચેતન આનંદ સાથે રહ્યા. તેમણે બાળકો પણ પેદા ન કર્યા. ચેતન આનંદને તો કેતન અને વિવેક નામે બે દિકરા હતા જ. આ બંને દિકરાને પ્રિયા રાજવંશ માટે માન ન જ હોય અને તેમાં બન્યું એવું કે ચેતન આનંદે જ્યારે વસિયત બનાવી ત્યારે તેમાં પ્રિયાને પણ એટલો જ ભાગ આપ્યો જેટલો બે દિકરાને આપ્યો હતો. ચેતન આનંદ હતા ત્યાં સુધી તો પ્રિયાને કોઇ કાંઇ કહી શકે તેમ ન હતું પણ ચેતન સા’બ જતાં જ તે એકલા પડી ગયા. ચેતન આનંદનાં જ બંગલામાં રહ્યા પણ ઉપેક્ષાના અનુભવ સાથે એકલા રહ્યા. 27 માર્ચ, 2000ના દિવસે એ બંગલામાંથી તેમનો મૃતદેહ મળ્યો. પોલીસ તપાસમાં ખબર પડી કે તે સ્વભાવિક મૃત્યુ નહોતું બલ્કે હત્યા હતી. હત્યાના આરોપ હેઠળ ચેતન સાહેબના બન્ને દિકરા ઉપરાંત બંગલાના બન્ને નોકરોની ધરપકડ થઇ. પ્રિયા રાજવંશની ડાયરીમાં એવી વિગત હતી કે ચેનત આનંદના મૃત્યુ પછી તેના બન્ને દિકરા વસિયત બાબતે દબાણ કરતા હતા. જો કે પોલીસને પૂરતા પૂરાવા ન મળતાં જેને આરોપી ગણેલા તે છૂટી ગયા પણ રહસ્ય તો આજે પણ છે કે પ્રિયાની હત્યા કોણે કરી? આ પ્રશ્નને વધુ આગળ ન લઇ જાવ તો પણ ઉત્તર તો બધા સમજે છે.
પ્રિયા રાજવંશના નામે ‘હકીકત’, ‘હીરરાંઝા’, ‘હસ્તે જખ્મ’ ઉપરાંત ‘હિન્દુસ્તાન કી કસમ’, ‘સાહેબ બહાદૂર’, ‘કુદરત’ અને ‘હાથોં કી લકીરે’ જેવી ફિલ્મો પણ છે. શિમલામાં હતી ત્યારે ગેઇટી થિયેટરનાં નાટકોમાં કામ કરેલું તે જૂદું. પ્રિયાની પ્રથમ ફિલ્મનો હીરો ધર્મેન્દ્ર છે અને ‘હીરરાંઝા’, ‘હિન્દુસ્તાન કી કસમ’ ઉપરાંત ‘કુદરત’માં રાજકુમાર છે. ‘હસ્તે જખ્મ’માં નવીન નિશ્ચલ હીરો હતા. ‘સાહેબ બહાદૂર’માં તે દેવઆનંદ સાથે આવી હતી. એ ફિલ્મનાં નિર્માતા દેવઆનંદ અને દિગ્દર્શક ચેતન આનંદ હતા. દેવ સાહેબનું એવું કે ચેતન આનંદના અંગત જીવનને પ્રોફેશનલ જીવનમાં સેળભેળ નહોતા કરતા. એ ત્રણે ભાઈઓ બસ એવા જ હતા.
એકબીજાને વૈચારિક અવકાશ અને સ્વતંત્રતા આપનારાં. પ્રિયા રાજવંશની છેલ્લી ફિલ્મ ‘હાથોં કી લકીરે’ માં સંજીવકુમાર, ઝિન્નત અમાન, જેકી શ્રોફ વગેરે હતા. પ્રિયા રાજવંશ કોઈ ગ્રેટ હીરોઈન નહોતી પણ ‘હકીકત’, ‘હીરરાંઝા’ અને ‘હસ્તે જખ્મ’ ફિલ્મો જરૂર ખાસ હતી એટલે તેની સાથે તેની યાદ હંમેશ રહેશે. પ્રિયા રાજવંશ ચેતન આનંદના મૃત્યુ પછી લંડન રહેતા પોતાને બે ભાઈ પાસે પણ જઇ શક્યા હોત પણ ચેતન આનંદ સાથે જીવાયું તે ઘર છોડવું નહોતું અને એ જ ઘરમાં તેમણે સાવ જૂદા સંજોગોમાં મરવું પડ્યુ.•

Most Popular

To Top