Columns

ન્યૂક્લિઅર ક્ષેત્રે ખાનગીકરણ : જોખમ કેટલું?

ન્યૂક્લિઅર એટલે કે પરમાણુ ક્ષેત્રનું ખાનગીકરણ. આમ તો આ આશ્ચર્યજનક સમાચાર છે અને તે વિશે સૌને ખ્યાલ આવે તે રીતે સમાચાર આવવા જોઈએ. પરંતુ કોઈ કારણસર ન્યૂક્લિઅર ક્ષેત્રમાં ખાનગીકરણ થઈ રહ્યું છે – તેની નોંધ મીડિયાએ લેવી જોઈએ એ રીતે ન લીધી. ન્યૂક્લિઅર ઉર્જાની દુનિયાભરમાં બોલબાલા છે. અમેરિકા, મહદંશે યુરોપના દેશો, પૂર્વીય એશિયામાં ન્યૂક્લિઅર ઉર્જાની ખપત વધુ પ્રમાણમાં છે. વિશ્વના નકશામાં હાલમાં જોઈએ તો કુલ 31 દેશો એવા છે જે ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ્સથી ઉર્જા ઉત્પન્ન કરે છે. ફ્રાન્સ તો ખપત થતી વીજળીની 65 ટકા માત્ર ન્યૂક્લિઅર પાવરમાંથી જનરેટ કરે છે. હવે જેમ ન્યૂક્લિઅર ઉર્જાની તરફેણ કરનારા દેશો છે – એ પ્રમાણે તેનાથી અંતર જાળવાનારા પણ દેશોની સંખ્યા સારાં પ્રમાણમાં છે. જેમ કે, ઇટાલીએ પોતાના દેશમાં ન્યૂક્લિઅર ઉર્જાને અજમાવીને પૂર્ણ રીતે વિદાય આપી દીધી છે. યુરોપના લિથુનિઆ નામના દેશે પણ ઇટાલીની જેમ ન્યૂક્લિઅર ઉર્જાને સુરક્ષિત ગણી નથી. જર્મની ફ્રાન્સના માર્ગે જવાની તૈયારી કરી રહ્યું છે. ઉપરાંત ઑસ્ટ્રિયા અને ફિલિપિન્સ જેવા દેશોએ ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણ કરી દીધા છે – પરંતુ હજુ તેના ઉપયોગની વાત આ દેશોમાં દૂર લાગી રહી છે. આ રીતે પૂરા દુનિયાના વપરાતી વીજળીમાં ન્યૂક્લિઅર ઉર્જાના હિસ્સાનો ક્યાસ કાઢીએ તો તે દસ ટકા જેટલો નીકળે છે. હવે આપણા દેશની વાત. ભારતમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે પ્રમાણે જોઈએ વીજળીની માંગ સતત વધી રહી છે. હાલમાં આપણા દેશમાં ન્યૂક્લિઅર ઉર્જા વીજળીની ખપતમાં કોલસા, હાઇડ્રો, સૂર્ય અને હવા પછીના ક્રમે આવે છે. ભારતમાં 25 ન્યૂક્લિઅર રિએક્ટર છે અને 7 ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ છે. આનાથી દેશમાં વપરાશમાં આવતી ત્રણ ટકા વીજળી ઉત્પન્ન થાય છે. ન્યૂક્લિઅર રિએક્ટર અને પાવર પ્લાન્ટ બંનેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. પરંતુ ન્યૂક્લિઅર રિએક્ટરમાં સીધી વીજળી જનરેટ થવાના બદલે પહેલાં તેનાથી ગરમી રિલિઝ થાય છે – પછી વીજળી ઉત્પન્ન કરવાની પ્રક્રિયા થાય છે.
2010માં જ જ્યારે ‘UPA’[યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ]ની સરકાર હતી ત્યારે જ એવું આયોજન કર્યું હતું કે 2032 સુધી 63 ગીગાવૉટ વીજળી ઉત્પન્ન થાય તે પ્રમાણે પાવર પ્લાન્ટ નિર્માણ કરવા. પરંતુ 2011માં ભૂકંપના કારણે જાપાનના ફુકુશિમામાં ન્યૂક્લિઅર અકસ્માત થયો, તે પછી ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટનો વિરોધ વિશ્વ સહિત ભારતમાં પણ થવા માંડ્યો. મહારાષ્ટ્રના જૈતપુર, તમિલનાડુના કુન્ડાકુલમ અને બંગાળના હરિપુરમાં પણ પાવર પ્લાન્ટ સામે અવાજ ઊઠ્યો અને આજે તે ખોરંભે છે. 2005થી ભારત ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટની પોતાની ક્ષમતા સતત વધારી રહ્યું છે. હવે નેક્સ્ટ સ્ટેજ પર લઈ જવા અર્થે તેમાં ખાનગીકરણ લાવવા માટે આ શિયાળા સત્રમાં બિલ લાવવામાં આવશે. બિલનું નામ છે : ‘એટોમિક એનર્જી એક્ટ-1962’. ન્યૂક્લિઅર ઉર્જામાં ભારતનું ટારગેટ 2047માં 100 ગીગાવૉટ એનર્જી ઉત્પન્ન કરવાનું છે. મતલબ કે વ્યાપક પ્રમાણમાં દેશની વીજળીની ખપત માટે ન્યૂક્લિઅર પાવર પર શિફ્ટ કરવાનું છે.
ભારતમાં ન્યૂક્લિઅર દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવાનો વિચાર નવો નથી. તે માટે સરકાર દ્વારા અને વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રયોગ હાથ ધરવામાં આવ્યા હતા. અને તે માટે મુંબઈના ટ્રોમ્બે ખાતે 1955માં નાનકડું થર્મલ રિએક્ટર નિર્માણ કરવામાં આવ્યું હતું. અને આવાં કોમર્શિયલ ન્યૂક્લિઅર પાવર નિર્માણ કરવાની માંગણી સંસદમાં 1955માં જ થઈ ચૂકી હતી. ઑગસ્ટ-1957માં ‘ગુજરાત ચેમ્બર્સ ઑફ કૉમર્સ’ દ્વારા અમદાવાદમાં ન્યૂક્લિઅર પાવર સ્ટેશન માટેનો પ્રસ્તાવ મૂકાયો હતો. તે પછી ન્યૂક્લિઅર ઉર્જાના અનેક પડાવ દેશમાં આવ્યા અને હવે તેનું ખાનગીકરણ થાય તે માટે સરકાર બિલ લાવી રહી છે.
આ બિલ લાવવાનું એક અગત્યનું કારણ દેશની વીજળીની ખપત રૉકેટ ગતિએ વધી રહી છે. હવે તેની સામે હાઇડ્રો કે કોલસા આધારીત વીજળીમાં પર્યાવરણનું નુકસાનની વધુ ભીતિ છે અને સોલર, હવાથી ઉત્પન્ન થતી રિન્યૂએબલ ઉર્જાને જોડીએ તોય દેશની વીજળીની ખપત સામે પહોંચી વળવું મુશ્કેલ છે. આ સ્થિતિમાં ન્યૂક્લિઅર ઉર્જા સિવાય કોઈ આરો રહેતો નથી. આપણે જે દિશા અને ગતિએ વિકાસ કરવા ઇચ્છીએ છે તેમાં ન્યૂક્લિઅર ઉર્જા હાથવગો ઉપાય છે. તદ્ઉપરાંત ન્યૂક્લિઅર ઉર્જા પ્રમાણમાં ઓછું પ્રદૂષણ કરે છે. પરંતુ અત્યાર આપણા દેશમાં ન્યૂક્લિઅર ઉર્જા ઉત્પન્ન કરવાનું માત્ર ને માત્ર કેન્દ્ર સરકારના હસ્તક હતું. ખાનગી તો નહીં જ પણ રાજ્યોના હાથમાંય ન્યૂક્લિઅર ઉર્જા અંગે નિર્ણય લેવાની સત્તા ક્યારેય નહોતી. અત્યાર સુધી ન્યૂક્લિઅર ઉર્જા સંબંધિત નિયમો ‘ધ એટોમિક એનર્જી એક્ટ ઑફ 1962’ અંતર્ગત આવતા હતા. અને નિયમોથી માત્ર બે સરકારી કંપની દ્વારા ન્યૂક્લિઅર રિએક્ટરનું સંચાલન થાય છે. એક છે ‘ન્યૂક્લિઅર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા’[NPCIL] અને બીજી છે ‘ભાવિની’. ન્યૂક્લિઅરના ક્ષેત્રમાં સરકાર હતી તેથી તેનું નિયમન યોગ્ય રીતે થતું રહ્યું, ન્યૂક્લિઅર ઉર્જામાંથી નફો કમાવી લેવાની દાનત સરકારની ક્યારેય રહી નથી. પરંતુ હવે જો ખાનગીકરણ થાય અને પ્રાઇવેટ કંપનીઓ તેમાં આવે તો તેમનો સર્વોપરી ઉદ્દેશ નફાનો રહેવાનો. સરકાર કેટલું પણ નિરીક્ષણ રાખે તેમ છતાં તેમાં ઘાલમેલ ન થાય તેની કોઈ ગેરન્ટી ન આપી શકાય. અત્યાર સુધી જ્યાં-જ્યાં ખાનગીકરણ આવ્યું છે ત્યાં દાટ વળ્યો છે. આપણા દેશમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય તેના તાદૃશ્ય ઉદાહરણ છે.
ઉપરાંત, રશિયા અને જાપાન જેવા ટેક્નોલોજીથી અતિ સજ્જ દેશોમાં પણ પરમાણુ પાવર પ્લાન્ટમાં અકસ્માત થયા છે. રશિયામાં ચર્નોબિલમાં થયેલા અકસ્માતને યાદ કરીને તો આજેય પરમાણુ ઉર્જાને વિદાય આપવાની વાત થાય છે. ઇતિહાસનો સૌથી ભયાનક આ અકસ્માતમાં લાખો લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. ચર્નોબિલમાં પરમાણુ અકસ્માતની અસરથી તે સ્થળના આસપાસની ત્રીસ કિલોમીટરની જગ્યા કાયમ માટે બંધ કરી દેવામાં આવી. તે ઝોનમાં રેડિએશની અસર આજે પણ થાય છે. જોકે હવે વધુ સુરક્ષિત ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ નિર્માણ કરવાના અને તેનાથી વેસ્ટથી પણ પર્યાવરણને નુકસાન થતું ન હોવાના દાવા થાય છે. પરંતુ તેમ છતાં પરમાણુના કિસ્સામાં અકસ્માતનો ભય કાયમ રહે છે.
વિશ્વમાં ન્યૂક્લિઅરનો ડર કાયમ બન્યો રહેશે તેનું એક કારણ તેનાથી જ્યારે નુકસાન થાય છે ત્યારે તેના નુકસાનીનો અંદાજો પણ લગાવી શકાતો નથી. બીજું કે ભારત જેવા દેશમાં જ્યારે અવારનવાર સરકાર અને ખાનગી કંપનીઓની મિલિભગતના અનેક ઉદાહરણ આપણી સમક્ષ આવે છે ત્યારે તે ન્યૂક્લિઅરને સુરક્ષિત ગણી લેવાનું કોઈનેય મુનાસિબ ન લાગે. ન્યૂક્લિઅરના જમા સામે તેના જોખમી પાસાં એટલાં બધા છે કે આજેય દુનિયાભરમાં ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ વિરોધમાં જોરશોરથી આંદોલન થાય છે. આ આંદોલનમાં એવું વારંવાર કહેવામાં આવે છે કે ન્યૂક્લિઅર સુરક્ષાની સો ટકા ગેરન્ટી કોઈ આપતું નથી – તો પછી તેનો ઉપયોગ વ્યાપક સ્તરે થાય તે માટે કેમ પ્રયાસ થાય છે? બીજું કે ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ માટે યુરેનિયમનું ખનન પણ જંગી પ્રમાણમાં પ્રદૂષણ કરે છે. સુરક્ષાની વાત મૂકાય છે ત્યારે ન્યૂક્લિઅર ઉર્જા તરફની કોઈ દલીલ ટકતી નથી.
મૂળે વાત વિકાસની ફલાંગ ભરવામાં જે કેટલાંક અતિજોખમી પગલાં લેવાના થાય તેમાં એક ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. સુવિધા અને ચમકદમકની દોડમાં વિકાસની દોડતી ગાડીમાં ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટ જેવાં ઇંધણ જરૂરી થઈ જાય છે. અને તે મુદ્દે રાજકારણીઓ પણ કેવી રીતે પલટી મારે છે તે પણ જોવા જેવું છે. 2005ના અરસામાં જ્યારે ભારત-અમેરિકાની સંધિ ન્યૂક્લિઅર ક્ષેત્રને લઈને થઈ રહી હતી ત્યારે તેનો વિરોધ ભાજપ દ્વારા પણ કરવામાં આવ્યો હતો.
કૉંગ્રેસ સાથે ‘UPA’ સરકારનો હિસ્સો ડાબેરી પક્ષે તો સરકારનો ટેકો પાછો ખેંચી લીધો હતો. અન્ય વિરોધ પક્ષોએ પણ તે વખતે ઉહાપોહ મચાવ્યો હતો. પરંતુ આજે કેન્દ્રમાં ભાજપની ‘NDA’ સરકાર ન્યૂક્લિઅર અંગે મહત્ત્વનો નિર્ણય લેવા જઈ રહી છે – સુધ્ધા તે વિશે કોઈ કૉંગ્રેસી નેતા બોલતું દેખાતું નથી. એટલું જ નહીં તે વિશે મીડિયા પણ જોરશોરથી ચર્ચા થઈ રહી નથી.
આવું થાય ત્યારે સમજવું કે નાગરિક તરીકે આપણે સજાગ રહેવામાં કાચા પડી રહ્યા છે – અને તેનો લાભ રાજનેતાઓ ઉઠાવી રહ્યા છે.

Most Popular

To Top