Charchapatra

ખાનગી ક્ષેત્રે આરક્ષણ

હમણાં થોડા દિવસ પર વાંચવા મળ્યું કે હરિયાણામાં રાજ્ય સરકારે એ રાજ્યનાં મૂળ વતનીઓ માટે  ખાનગી કંપનીઓ, ખાનગી ટ્રસ્ટો, સોસાયટી અને ભાગીદારી પેઢી સહિતના ક્ષેત્રે નોકરીમાં ૭૫% આરક્ષણ રાખવાનો કાયદો પસાર કર્યો જેની સામે કોર્ટમાં દાખલ કરવામાં આવેલ કેસની સુનાવણી શરૂ થવાની શક્યતા છે. આંધ્રપ્રદેશ અને ઝારખંડે પણ એમની વિધાનસભામાં ખાનગી ક્ષેત્રે આરક્ષણનો કાયદો પસાર કરેલ છે અને પંજાબ રાજ્ય પણ આ બાબતે આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. હરિયાણા અને અન્ય રાજ્ય સરકારોએ રાજ્યના મૂળ વતનીઓ માટે લાગુ પાડવા ધારેલ આરક્ષણની નીતિ ઉપરછલ્લી દૃષ્ટિએ ઘણી સારી અને જરૂરી લાગે, પરંતુ વ્યક્તિના મૂળ વતનના આધારે જો આરક્ષણની નીતિ ઘડવામાં આવે તો અન્ય રાજ્યોના નોકરી વાંછુકોના દેશમાં ગમે ત્યાં નોકરી મેળવવાના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સમાન બની રહે.

બીજું, જે તે ક્ષેત્રે અલગ–અલગ ક્ષેત્રના માણસોની જરૂરિયાત હોય એ ક્ષેત્રે પસંદગીના ધોરણમાં પણ મર્યાદા આવવાની શક્યતાને નકારી ન શકાય. દરેક રાજ્યમાં નોકરીની શક્યતાઓ અને તકોનો વિચાર કરીએ તો જે તે રાજ્યની ભૌગોલિક  પરિસ્થિતિ, અન્ય પરિબળો અને જે તે ક્ષેત્રના વિકાસની શક્યતાઓને આધારે થતા આર્થિક વિકાસના આધારે જ રોજગારીની તકો ઊભી થાય છે. દરેક ક્ષેત્રમાં નોકરી અંગેની જરૂરિયાતો પણ અલગ અલગ હોય છે, જેના આધારે નોકરીવાંછુકો માટેની માંગ ઊભી થાય છે. આ અંગે કોર્ટનો નિર્ણય આખરી રહેશે પરંતુ અહીં સવાલ એ પેદા થાય છે કે રાજ્યોને આવો કાયદો પસાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઇ? શું આ રાજકીય પાર્ટીઓનો ચૂંટણીલક્ષી મુદ્દો જ છે કે પછી વધતી જતી બેકારીમાં રાજ્યના શિક્ષિત બેકારોને રીઝવવાનો પ્રયાસ છે? કારણ કોઇ પણ હોય, પરંતુ એ હકીકત નકારી ન શકાય કે દેશમાં એક તરફ અબજપતિઓની સંખ્યા વર્ષોવર્ષ વધતી જાય છે,  જેની સામે દરેક રાજ્યમાં બેકારોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે એ સંજોગોમાં રાજ્યોમાં સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી રોજગારીની તકો ઊભી ન થાય તો (સત્તાધારી પક્ષોને) આવા આરક્ષણલક્ષી કાયદા કરવાની જરૂરિયાત ઊભી થતી જ રહેશે.  
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top