બોલિવૂડમાં અને રાજકારણમાં મોટા પાયે વ્યભિચાર ચાલે છે, તેવી વાતો ઘણી વખત સાંભળવા મળતી હતી, પણ હવે તેના નક્કર પુરાવા બહાર આવ્યા છે. ખાનગી ડિટેક્ટીવ તાન્યા પુરીએ બોલિવૂડ અભિનેત્રીના ગુપ્ત બેવડા જીવન સાથે સંકળાયેલા એક ચોંકાવનારા કિસ્સાનો ખુલાસો કર્યો છે. ફિલ્મ ઉદ્યોગને હચમચાવી નાખનારા એક ખુલાસામાં તાન્યા પુરીએ દાવો કર્યો છે કે બોલિવૂડની એક પ્રખ્યાત અભિનેત્રી ગુપ્ત રીતે બેવડી જિંદગી જીવી રહી હતી.
જાહેરમાં પોતાની આદરણીય અને સુંદર છબી માટે જાણીતી આ અભિનેત્રી સ્પોટલાઇટથી દૂર એક સંપૂર્ણપણે અલગ જીવન જીવતી હતી, જેના વિશે તેના જીવનસાથીને પણ ખબર નહોતી. આ કેસ ત્યારે શરૂ થયો જ્યારે અભિનેત્રીનો પતિ, જે ફિલ્મ ઉદ્યોગની બહારનો એક ઉદ્યોગપતિ હતો, તેણે તેની ડિટેક્ટીવ એજન્સીનો સંપર્ક કર્યો. તેની પત્નીની વારંવારની મુસાફરી અને અસંગત વર્તન પર શંકા જતા તે જાણવા માંગતો હતો કે ખરેખર શું ચાલી રહ્યું છે. જ્યારે અમે તેણીને ટ્રેક કરવાનું શરૂ કર્યું, ત્યારે અમને એવા કિસ્સાઓ દેખાયા, જે તેણી જે કહી રહી હતી તેની સાથે મેળ ખાતા ન હતા. તેની ટીમે ટૂંક સમયમાં જ ચોંકાવનારી વિગતો શોધી કાઢી જેણે વાર્તા સંપૂર્ણપણે બદલી નાખી.
બોલિવૂડની જાણીતી અભિનેત્રી એસ્કોર્ટ તરીકે કામ કરતી હતી, ખાનગી કાર્યક્રમો માટે વિવિધ શહેરોમાં પ્રવાસ કરતી હતી અને જાહેરમાં પોતાની સેલિબ્રિટી તરીકેની છબી જાળવી રાખતી હતી. રસપ્રદ વાત એ છે કે, સત્ય જાણ્યા છતાં અભિનેત્રીના પતિએ સંબંધનો અંત લાવવાના બદલે તેણે પત્ની સાથે ખાનગીમાં ઝઘડો કર્યો હતો. તે માણસનો નિર્ણય નાણાંકીય નિર્ભરતાથી પ્રભાવિત હતો, કારણ કે તેની ગુપ્ત પ્રવૃત્તિઓમાંથી થતી આવક તેમની વૈભવી જીવનશૈલીને ટકાવી રાખવામાં મદદ કરતી હતી અને તેમના સંયુક્ત વ્યવસાયિક સાહસોને પણ ટેકો આપતી હતી. તાન્યા પુરીએ બોલિવૂડની જાણીતી અભિનેત્રીનું નામ લેવાનું ટાળ્યું છે, પરંતુ તેનાં વિસ્ફોટક નિવેદનોએ ઓનલાઈન વ્યાપક ઉત્સુકતા જગાવી છે. ઘણા લોકો અનુમાન લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે રહસ્યમય સ્ટાર કોણ હોઈ શકે છે. બહુ ઓછી બોલિવૂડની અભિનેત્રીઓ ઉદ્યોગપતિઓ સાથે પરણી હોવાથી આ કલ્પના કરવી બહુ અઘરી નથી.
આ અભિનેત્રી થોડા સમયથી ફિલ્મ ઉદ્યોગમાં છે, પરંતુ તે સતત કામ કરતી નહોતી. આ અભિનેત્રીની સારી જાહેર છબી હોવા છતાં તે પૈસા માટે ખાનગી મુલાકાતોમાં સામેલ થતી હતી. આ અભિનેત્રી પડદા પાછળ ઘણા લોકો સાથે સંકળાયેલી છે, જ્યારે તેના જીવનસાથી સાથે એક ચહેરો જાળવી રાખે છે. આ અભિનેત્રી વિવિધ દેશોમાં પૈસા માટે ખાસ કાર્યક્રમો કરે છે. તેના ગ્રાહકો પાસેથી ફક્ત વાત કરવા માટે જ નહીં, પણ શારીરિક સંબંધો માટે પણ પૈસા વસૂલવામાં આવે છે.
તેના દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવેલા કરારોમાં ખાસ સંબંધનું વર્ણન કરવામાં આવ્યું હોય છે, પરંતુ તેમાં વાસ્તવિકતામાં જાતીય સેવાઓનો સમાવેશ થાય છે. આ અભિનેત્રી દર મહિને સરેરાશ ૧૦ લોકોને મળે છે. તેના વન-નાઇટ સ્ટેન્ડના ચાર્જમાં ઘણો ફરક પડે છે. ગ્રાહક અને સેવાઓના આધારે, આ અભિનેત્રી પ્રતિ રાત્રિ ૫ લાખ રૂપિયાથી લઈને ૨૦ લાખ રૂપિયાનો ચાર્જ વસૂલ કરે છે. પડદા પાછળનાં વ્યભિચાર છતાં તે એક સેલિબ્રિટી પ્રોફાઇલ જાળવી રાખે છે, જેમાં એન્ડોર્સમેન્ટ અને રિબન કાપવાના સમારોહનો સમાવેશ થાય છે.
ખાનગી ડિટેક્ટીવ તાન્યા પુરીએ એક એવા કિસ્સા વિશે વાત કરી જેમાં એક પ્રખ્યાત અભિનેત્રીની સગાઈ રદ કરવામાં આવી હતી, કારણ કે તેની જાહેર છબી તેના વાસ્તવિક જીવનથી ઘણી અલગ લાગતી હતી. અભિનેત્રી કે સંડોવાયેલા અન્ય કોઈનું નામ લીધા વિના તાન્યા પુરીએ ખુલાસો કર્યો કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેની વાસ્તવિકતા તેની પીઆર ટીમની મદદથી સોશિયલ મીડિયા પર જે વૈભવી જીવનશૈલી બતાવતી હતી તેનાથી તદ્દન અલગ હતી.
સ્ટારના મંગેતરના પરિવારે યુવાન અભિનેત્રીની પૃષ્ઠભૂમિ અને તેની નાણાંકીય પૃષ્ઠભૂમિ ચકાસવા માટે ખાનગી ડિટેક્ટીવ તાન્યા પુરીને રાખ્યાં હતાં. મોટી કાર અને રિયલ એસ્ટેટથી ભરેલી તેની અંદાજિત વૈભવી જીવનશૈલી નકલી નીકળી, જેના કારણે સગાઈ રદ કરવામાં આવી હતી. તે સમયે અભિનેત્રી ખૂબ જ લોકપ્રિય હતી અને તે ફિલ્મોમાં ઘણાં બધાં આઇટમ ગીતો કરતી હતી.
લોકપ્રિય ખાનગી ડિટેક્ટીવ તાન્યા પુરીએ તેના તાજેતરના ઇન્ટરવ્યુથી સનસનાટી મચાવી છે. તેણીએ ઘણા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ વિશે લગ્નેત્તર સંબંધો સહિત અનેક ઊંડાં રહસ્યો ખોલ્યાં છે. તેણીએ એક ટીવી અભિનેતા વિશે વાત કરી, જે તેની પત્ની અને બાળકોને બીજા શહેરમાં છોડીને મુંબઈમાં એક અભિનેત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતો હતો. તાન્યા પુરીએ અભિનેતાનું નામ જાહેર કર્યું ન હતું, પરંતુ તેણીએ કહ્યું હતું કે તેણે બીજાં શહેરમાં તેના પરિવારને ગુપ્ત રાખ્યો હતો. જ્યારે અભિનેત્રીને આ વાતની જાણ થઈ, ત્યારે તેણીએ તરત જ તેને છોડી દીધો હતો, કારણ કે તેણીને લાગ્યું કે ઘણું બધું જોખમમાં છે. સિદ્ધાર્થ કન્નન સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં તાન્યા પુરીએ એક લોકપ્રિય ટીવી અભિનેતાની વાર્તા સંભળાવી હતી.
તાન્યા પુરીએ સમજાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી બ્લેકમેલિંગ ચાલી રહી છે. એક બોલિવૂડ અભિનેતાને પણ બ્લેકમેલ કરવામાં આવ્યો હતો, જે ખરેખર ગે હતો. એક મહિલા અભિનેતાને બ્લેકમેલ કરી રહી હતી અને તેની પાસેથી પૈસા માંગી રહી હતી. તેણીએ જ આ કેસ ઉકેલ્યો હતો. અભિનેતા એક ક્લબમાં એક છોકરી સાથે વન-નાઈટ સ્ટેન્ડમાં જોડાયો અને છોકરીએ તે વન-નાઈટ સ્ટેન્ડનો પુરાવો લીધો હતો અને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું, કારણ કે તેણીને લાગતું હતું કે તે ગે છે અને તેને તેનામાં રસ નથી.
તેથી તેણીએ તેને પૈસા માટે બ્લેકમેલ કર્યો અને કહ્યું કે જો તું મને આટલા પૈસા નહીં આપે તો હું આ સત્ય દુનિયા સમક્ષ ઉજાગર કરીશ. તે વ્યક્તિ ગભરાઈ ગયો અને તેની ટીમે અમારો સંપર્ક કર્યો હતો. તેઓ છોકરી વિશે વધુ જાણવા માંગતા હતા અને તેણીએ આવું કેમ કર્યું. આખરે, તેઓ વાટાઘાટો કરવા સંમત થયા હતા અને કોઈ પુરાવા જાહેર થયા નહીં. આખરે તેમની વચ્ચે સમાધાન થયું હતું. છોકરીને કોઈ પૈસા ચૂકવવામાં આવ્યા ન હતા કારણ કે તેની વિરુદ્ધ કેટલાક પુરાવા હતા, અને તેનાથી અભિનેતાને મદદ મળી હતી.
બોલિવૂડમાં સંબંધો ખીલતા અને નિષ્ફળ જતા હોવાની વાતો આપણે વારંવાર સાંભળીએ છીએ. ઘણા સ્ટાર કપલ્સના સંબંધો કોઈ ત્રીજા વ્યક્તિના કારણે તૂટી ગયા છે અને એવા કિસ્સાઓ બન્યા છે કે પતિ-પત્ની વચ્ચે ‘તે’ નામની દિવાલ ઊભી થઈ ગઈ છે. ઘણા મોટા સ્ટાર્સ એવા પણ છે જેમના લગ્ન બહારના સંબંધો રહ્યા છે, પરંતુ તેઓ કોઈક રીતે મીડિયા સુધી પહોંચ્યા વિના તેમના લગ્ન બચાવવામાં સફળ રહ્યા.
હવે ખુલાસો થયો છે કે એક સુપરસ્ટાર અભિનેતાનો લગ્નેત્તર સંબંધ હતો. અભિનેતાના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા. જ્યારે અભિનેતાની પત્નીને શંકા ગઈ, ત્યારે તેણે ડિટેક્ટીવનો સંપર્ક કર્યો અને તેના અફેરનો ખુલાસો થયો હતો. અભિનેત્રી તેના પતિની છેતરપિંડીને અવગણી રહી હતી. તેણીને લાગ્યું કે કદાચ ભાવનાત્મક છેતરપિંડી શારીરિક છેતરપિંડી કરતાં પણ ખરાબ હતી. જ્યારે બાળકોને સત્ય જાણવા મળ્યું ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ અને સત્ય બહાર આવ્યું. તેની પત્ની આ વાત જાણે છે અને તેમના બાળકો પણ જાણે છે. તેમનાં બે મોટાં બાળકો ઇન્ડસ્ટ્રીમાં છે.
બાળકો તેમના પિતાના કામથી સારી રીતે વાકેફ છે, પરંતુ કેમેરાની સામે તેઓ એક સંપૂર્ણ દંપતી છે. પત્ની ઉચ્ચ શિક્ષિત છે અને તેઓ કેમેરાની સામે એકબીજા સાથે ખૂબ જ સારો વ્યવહાર કરે છે, પરંતુ પડદા પાછળ અભિનેતાના ઘણી સ્ત્રીઓ સાથે અફેર રહ્યા છે. જોકે તાન્યાએ તે અભિનેતા અને તેની પત્નીનું નામ ક્યાંય લીધું ન હતું કે નામ જાહેર કર્યું ન હતું, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ સતત તેની મજાક ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ જાણે છે કે તે સ્ટાર કપલ કોણ છે અને તે અભિનેતા કોણ છે. જો તાન્યા પુરી જેવા ખાનગી ડિટેક્ટિવો આગળ આવે અને બોલિવૂડના સિતારાઓના વ્યભિચારની ખાનગી વાતો બહાર પાડે તો નવી પેઢી તેમની ઘેલછામાંથી બહાર આવી જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.