Comments

પ્રાયવસી…કે પંચાત! આપણને શેમાં રસ છે?

લોકશાહીના પાયાનાં મૂલ્યોમાં સ્વતંત્રતા સ્વીકારવામાં આવી છે અને સ્વતંત્રતાનો નાગરિક હક્ક એટલે વ્યક્તિસ્વાતંત્ર્ય. વ્યક્તિસ્વાતંત્ર્યમાં માલિકીપણાનો ભોગવટો સમાયેલો છે અને માલિકીપણાની સ્વતંત્રતા એટલે જાહેર કરવાની સ્વતંત્રતા  તથા છૂપાવવાની સ્વતંત્રતા.

‘પ્રાયવસી’ એટલે કે વ્યક્તિગત બાબતો, વ્યક્તિ સ્વાતંત્રતાનો હક્ક! એવી અંગત અને વ્યક્તિગત બાબતો જે જાહેર  કરવી કે ન કરવી તે વ્યક્તિનો પોતાનો હક્ક છે એનો નિર્ણય વ્યક્તિએ કરવાનો છે!

ભારતમાં વ્યક્તિસ્વાતંત્ર્ય અને વ્યક્તિની અંગતતાનો બહુ આદર થયો નથી. સહિષ્ણુતાનો સામાજિક મુદો પણ આ  સાથે જોડાયેલો જ છે! દરેકને પોતાનો વ્યક્તિગત મત રાખવાનો, રજૂ કરવાનો હક્ક છે! આ વાત આપણા સમાજજીવનમાં બહુ સ્વીકાર્ય નથી. પણ અત્યારે ‘પ્રાયવસી’ના નામે જે ચર્ચાઓ ચાલી છે તે આર્થિક જગતની અને વિકસતાં  બજારોમાં આપણી માહિતીઓ કેટલી ‘સેફ’ છે તે અંગેની છે! આપણે ભારતીયો આપણી ભૌતિક સંપદા માટે  વ્યક્તિગત રીતે જેટલા જાગૃત અને આક્રમક છીએ તેટલા આપણી ભૌતિક અને વૈચારિક સંપદા માટે કે સામુહિક  સંપદા માટે જાગૃત નથી! એનું એક કારણ એ પણ છે કે માહિતી પ્રસારના ક્ષેત્રે જે ક્રાંતિ થઈ છે તેના સહજ-સામાન્ય  અનુભવને હજુ થોડાં વર્ષો જ થયાં છે! હજુ તો આપણે મોબાઈલ, સ્માર્ટ ટી.વી., ઈન્ટરનેટ જેવાં સાધનોના  અહોભાવમાંથી જ બહાર નથી આવ્યા. એમાંય સોશિયલ નેટવર્ક અને મોબાઈલ એપ્સે આપણી આંખો આંજી નાખી છે.  આ મોબાઈલ એપ્સના વપરાશનો આનંદ એ હદે છવાયો છે કે હજુ આ એમ્યુજમેન્ટ પાર્કની સાઈડ્સનાં જોખમો આપણે  જોયાં જ નથી!

સોસાયટી કે પોળમાં આપણા આંગણામાં કોઈ કચરો ફેંકે, પાણી ઢોળે. ધાબા પર ચડીને કૂદકા મારે કે રાત્રે ધરાર પથારી  પાથરીને સૂઈ જાય તો આપણે આ તમામ સામે ‘‘માલિકી હક્કના દાવે’’ ઝગડવા માંડીએ છીએ! આપણી પેન, આપણું  ટુવ્હિલર કે ખુરશી-ટેબલ જેવી વસ્તુઓ કોઈ વાપરવા માંગે તો આપણે સશર્ત આપીએ છીએ અને પાછી મેળવવામાં  પણ કાળજી રાખીએ છીએ. પણ જેટલી જાગૃતિ આપણા ઘરની નાનામાં નાની વસ્તુ કોઈ માગવા આવે ત્યારે આપણે તે  શા માટે લઈ જાય છે! ક્યારે પાછી આપશે? વગેરેમાં રાખીએ છીએ તેટલી કાળજી આપણાં મોબાઈલ નંબર કોઈ માંગે  ત્યારે રાખતા નથી. જરા વિચારો, આપણે મોબાઈલ નંબરને આપણા આધારકાર્ડ સાથે લિંક કર્યો છે. આપણા મોબાઈલ  નંબરને બેંક ખાતા સાથે લિંક કર્યો છે. આપણા મોબાઈલથી મેઈલ એડ્રેસ ખોલ્યું છે અને એ જ મેલ એડ્રેસથી ફેસબુક જેવી  અનેક સોશિયલ સાઈટ લીંક છે. મતલબ કે આપણા મોબાઈલ નંબર સાથે બધું જ જોડાયેલું છે! હવે ‘ઈન્ટરનેટ’ શબ્દ  ધ્યાનથી વાંચો. અને સમજો. તેનું સરળ ગુજરાતી થાય, એકબીજા સાથે સંકળાયલું જાળું. મોબાઈલ કે કોમ્પ્યુટરમાં  આપણે પાસવર્ડથી કે અન્ય કોઈ રીતે જે તાળું મારીએ છીએ તે તો આપણી સાઈડે મારેલું તાળું છે. આપણાં મોબાઈલ કે  કોમ્પ્યુટરથી આ સાઈટમાં પ્રવેશવા માટે આ તાળું ખોલવું પડે. પણ પાછળની બાજુએ તો આ બાબત ખુલ્લી જ છે. આવા  જગત સાથે જોડાયેલી છે સમય મળે તો કોઈ નેટર્વકના નિષ્ણાતોને પૂછજો. આ ‘નેટ’ એટલે કે જાળું વાયરોનું છે! હવામાં કશું નથી! અમેરિકાથી દરિયામાં વાયરના દરોડા દ્વારા ભારતમાં નેટ પહોંચ્યું છે. પછી દોરડા દ્વારા રાજ્યોમાં અને  પછી ઘર કે કોમ્પ્યુટર સુધી પહોંચ્યું છે. માત્ર મોબાઈલ કંપનીઓ કે નેટર્વક પ્રોવાઈડરો આ વાયરમાંથી સિગ્નલ મેળવી  તેમના ટાવર દ્વારા તમારા સુધી ક્યારેક વાયરલેસ સેવા પહોંચાડે છે. તેનો મતલબ એ નથી કે બધું જ વાયરલેસ છે! બધું  જ એકબીજા સાથે જોડાયેલું છે. વળી આ બધું જ ખાનગી કંપનીઓના હાથમા છે. અધૂરામાં પૂરું ડીજીટલ ટેક્નોલોજીના  રવાડે ચડેલી સરકારો હોંશે- હોંશે બધું જ ડીજીટલ કરી રહી છે. બારકોડના આધારે લેસર ટેક્નોલોજીથી ચાલનારા આ  આખા નેટવર્કમાં છૂપું ‘પ્રાયવસી’ પણ છે. હવે સરકાર જ તે ખતમ કરી રહી છે. સરકારી નોકરીમાં મોબાઈલ એપ્સથી  હાજરી રાજ્ય કક્ષાનું સરકારી નોકરિયાતોનું પોર્ટલ જ્યાં તમામ માહિતી માંગવામાં આવે છે. હાઈવે પર ટોલ કલેકશનની  ફાસ્ટ ટેગ, હોટલોમાં આધાર કાર્ડ દ્વારા જ એની.. અને હવે નેટ બેન્કીંગ.. કેશલેશ ટ્રાન્ઝેક્શન તથા એ.ટી.એમ. નો  ઉપયોગ. કદી શાંતિથી  વિચાર્યું છે કે હવે છૂપું કશું જ નથી. આપણી ફોનમાં કરેલી વાતો ટેપ છે! આપણે મોબાઈલમાં  કરેલા મેસેજો કોઈ પણ વાંચે છે! ગાડી લઈને આખા દેશમાં ફરો.. ફાસ્ટ ટેગ દ્વારા તમારું આખું પરિભ્રમણ નોંધાઈ ચૂક્યું  છે. એક જ ક્લિક દ્વારા તમે કઈ કઈ હોટલમાં રોકાયા, ક્યાં ક્યાં ખર્ચ કર્યા! બધું જ જાણી શકાય છે! કારણ આપણે  મોબાઈલ સાથે જોડાયાં છીએ.મોબાઈલ બધા સાથે જોડાયેલો છે.

મોબાઈલમાં જ્યારે પણ કોઈ પણ એપ્સ ડાઉનલોડ કરશો તો તરત પ્રશ્ન આવશે કે શું તમે ફોટા એક્સેસ કરવાની  મંજૂરી આપો છો? વિડિયો, ઓડિયો એક્સેસ કરવાની મંજૂરી આપો છો! તમે હા ન પાડો તો એપ ચાલતી જ નથી અને  હા, પાડો તો તમે જ બધી વાતની મંજૂરી આપો છો! તો વિચારો માત્ર વોટ્સેપ નહીં! સંસ્થા,સરકાર, મિત્રો, સૌ તમારી  માહિતી માંગી રહ્યા છે. મિઠાઈની દુકાને મિઠાઈવાળો બિલ બનાવતાં પૂછે છે સાહેબ મોબાઈલ નંબર બોલો! પીઝા લેવા  જઈએ તો પીઝાવાળો કહે છે મોબાઈલ નંબર આપો. શો રૂમમાં કપડાં ખરીદો, ઈલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદો.. તરત  મોબાઈલ નંબર માંગે છે. તમે કદી ના પાડો છો? કદી વિચારો છો કે આ ખરીદીમાં મોબાઈલ નંબરની શી જરૂર?  મોબાઈલ નંબર ન હોય તેને વસ્તુનું વેચાણ ન થાય?- ના, એવું નથી, પણ આપણે વિચારતા જ નથી કારણ ‘પ્રાઈવસી’ નો કોન્સેપ્ટ જ આપણે ત્યાં વિકસ્યો નથી! બીજાની પંચાત જ આપણું પ્રાથમિક મનોરંજન છે! અને પેલો શેર છે ને ‘‘  કોઈએ જ્યાં અમસ્તા પૂછ્યું કેમ છો? અને અમે તો કહાની સુનાવી દીધી!’’ કહેવા માટે હરખપદુડા લોકો મૂંગા રહેવાની  કીંમત ન સમજે.

            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top