SURAT

નાગરિકની પ્રાઈવસીનો ભંગ થાય એવી વિગતો પોલીસ માંગી શકે નહીં : હાઇકોર્ટ

સુરત : કારખાના, દુકાનોમાં કામ કરતા કારીગરોની વિગતો માંગવાની સાથે વેપારીઓ, દુકાનદારો પાસે પાનકાર્ડ અને દુકાનોની વિગતો માંગવા સામે ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) મનાઈ હુકમ ફરમાવ્યો છે. ખટોદરા બેઠી ચાલનાં રહેવાસી અને જાગૃત નાગરિક શૈલેષ ચીમનલાલ પંચાલે હાઇકોર્ટમાં વકીલ મારફત પિટિશન દાખલ કરી શહેર પોલીસ (Police) કમિશનરે જે જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા જાહેરનામાથી ઉપરવટ જઈ નાગરિકની પ્રાઈવસીનો ભંગ થાય એવી વિગતો માંગવામાં આવી છે.

વેપારીઓ પાસે માલિકીને લગતી વિગતો આપવાનું દબાણ કરાયુ હતું. અને આવું કરીને કાયદાની કલમોનો ભંગ કરાઈ રહ્યો હતો. સલાબતપુરા પોલીસ દ્વારા મંગાતી વિગતો શહેર પોલીસ કમિશનરના જાહેરનામાથી વિપરીત છે અને તે રદ થવી જોઈએ એવી દાદ માંગવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટિસ આર.એમ.છાયાએ બન્ને પક્ષોની દલીલો સાંભળી પોલીસને આવી કોઈ પણ વિગતો માંગવા માટે સને–2016 માં જ મનાઈ હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ફરીથી પોલીસ અધીકારીઓએ આ પ્રકારનું નવુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે સામે ટેક્સટાઈલ વેપારીઓનો સખત વાંધો હોવાથી આ જાહેરનામું બહાર પાડવા સામે સ્ટે ઓર્ડર હોવાથી તા.11/2/2023 ના રોજ શૈલેષ ચીમનલાલ પંચાલે પોલીસ કમિશનરને અરજી આપી હતી.

અરજીમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટના હુકમ સામે કોઈપણ જાહેરનામું બહાર પાડવાનો અધિકાર નહીં હોવાથી આ જાહેરનામું પરત ખેચવુ જોઈએ. વેપારીઓને ત્રાસ આપવાની પોલીસની હરકતો સામે હાઈકોર્ટે બ્રેક લગાવી બિનજરૂરી વિગતો માંગવા સામે પોલીસને સને-2016 માં જ મનાઈ હુકમ ફરમાવી દીધો છે. એનો અમલ કરવા આદેશ આપ્યો છે. સુરતમાં રોજગારી મેળવવાની આડમાં ઘૂસી આવતા પરપ્રાંતિય ગુનેગારો પર લગામ કસવા માટે બિલ્ડરો, કારખાનેદારો પાસે આવા પરપ્રાંતિય કારીગરોની વિગતો આપવા માટે પોલીસ દ્વારા અવારનવાર જાહેરનામાં બહાર પડાતા હોય છે. 2007 માં તે સમયના પોલીસ કમિશનર આરએમએસ. બારે જાહેરનામું બહાર પાડ્યું હતું. સુરતમાં થયેલા ગુનાઓમાં આરોપીઓની વિગતોમાં ગુજરાત બહારથી આવતા કારીગરો મોટી સંખ્યામાં સંડોવાયા હોવાનું જણાતા તેમણે બિલ્ડરો, ટેક્સટાઈલ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા ખાસ કરીને પ્રાઈવેટ સેક્ટરના માલિકો, મેનેજમેન્ટને આવા કારીગરોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનોમાં મોકલવા જણાવાયું હતું.

આ જાહેરનામું ખાસ કરીને પરપ્રાંતિય કારીગરો માટે હતું અને તેનો હેતુ વ્યાજબી હતો. તે પછી પણ આ પ્રકારના જાહેરનામા બહાર પડતા હતા. પણ થોડા સમય અગાઉ સુરતના પોલીસ કમિશનરે પણ આવું જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં ઉદ્યોગકારો, વેપારીઓ, દુકાનદારો પાસે આવા કારીગરો, કર્મચારીઓની વિગતો આપવાની હતી. પણ તે સાથે સુરતના જ રહીશો, કર્મચારીઓની વિગતો માંગવાનું અને તે અંગેના ફોર્મ પોલીસ સ્ટેશનોમાં જમા કરાવવા જણાવાયું હતું. આ વિગતો સુધી તો ઠીક હતું. પણ આ જાહેરનામાની ઉપરવટ જઈ સલાબતપુરા પોલીસ દ્વારા વેપારીઓ પાસે અંગત હોય એવી પણ વિગતો માંગવામાં આવતાં વેપારીઓમાં રોષ ફેલાયો હતો.

વેપારીઓના કહેવા મુજબ તેમની પાસે અંગત માહિતી, પાનકાર્ડની વિગતો પણ માંગવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ વિગતો ખાનગી હોય છે અને તે સાર્વજનિક થાય તો તેનો દુરુપયોગ થાય એવી સંભાવના હોઈ, સુરતમાં ખટોદરા ખાતે બેઠી કોલોનીમાં રહેતા અને ખાનગી વ્યવસાય કરતા શૈલેશ પંચાલે હાઈકોર્ટમાં પિટિશન કરી આવી વિગતો માંગવાની હરકતને પડકારી હતી. કોર્ટે પોલીસને મનાઈ હુકમનો અમલ કરવા આદેશ આપ્યો છે.

Most Popular

To Top