Charchapatra

પ્રાઇવસી એક્ટ વિષયક અંગતતાનો અધિકાર

આજથી લગભગ સાડા  ચાર દાયકાથી પણ પહેલાં લંડનના  અખબાર The Guardian માં સમાચાર આવ્યા હતા કે અદાલતમાંથી એક મહત્ત્વનો દાવો જીતીને બહાર આવેલા એક વકીલનો એક પત્રકારે ફોટો પાડતાં તે વકીલે પોતાના અંગરક્ષકની  મદદથી એ પત્રકારનો કેમેરો ઝૂંટવી  લઇ તેની સામે દાવો માંડ્યો હતો કે મારી પરવાનગી વગર મારા ફોટા કેમ પાડે છે?! સેલિબ્રિટીઓ પહેલાં  જાહેર બનવા માટે ફાંફાં  મારે છે અને પછી લોકોથી બચવા માટે પણ ફાંફાં મારે છે. સેલિબ્રિટીઓની અંગત પળો ઝડપી લેવા માટે કેમેરા લઇ પાપારાઝીઓ જીવનું જોખમ ખેડતા હોય છે અને આવા એક બનાવમાં બ્રિટિશ કુળવધૂ લેડી ડાયેનાનો જીવ ગયો હતો. વિરોધીઓના ભય વગર જીવતો કોઈ શાસક હજી થયો નથી.

જેમ શાસક ગભરુ તેમ તે નાગરિકોની વધુ ને વધુ માહિતી એકત્ર કરે. સંયુક્ત રાષ્ટ્રસંઘ માનવીની અંગતતાનો અધિકાર હોવા વિશે વાત તો કરે છે પણ તે અસ્પષ્ટ છે! અમેરિકા ૧૯૭૪ ના પ્રાઇવસી એક્ટ હેઠળ નાગરિકની અંગતતાની રક્ષાની  બાંહેધરી આપે છે અને તદનુસાર નાગરિકને સરકારી કામકાજ માટે જરૂરી માહિતી માંગવામાં મર્યાદા રાખવામાં આવી છે. આમ છતાં ત્યાં શંકાસ્પદ નાગરિકોની ધરમૂળથી માહિતી સી. આઈ.  એ. મેળવી લે છે, પણ ત્યાંના સરકારી વહીવટમાં પારદર્શકતા હોય છે. ભારતમાં સરકાર એક પછી એક નવાં ઓળખપત્રો અને જુદા જુદા ખાતાઓ સાથે સાંકળીને નાગરિકને બંધનકર્તા બનાવી દે છે જ્યારે સરકારની વહીવટી પારદર્શિતા માટે ઘડાયેલ Right to Information કાયદા હેઠળ માહિતી આપવાના બદલે જુદાં જુદાં બહાનાં કાઢે છે. અહીં નાગરિકની  અંગતતાનો અધિકાર તદ્દન અજાણી બાબત છે. કહેવાતા તજજ્ઞ વકીલો આ બાબતમાં આગેવાની લે તે લોકશાહીની રક્ષાનું મહત્ત્વનું કદમ છે.
સુરત     – સુનીલ રા.બર્મન-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top