વિશ્વ જેટલું રશિયા – યુક્રેન યુદ્ધની ચિંતા કરી રહેલ છે, તેટલી બલ્કે તેનાથી વિશેષ વિશ્વને સતત દુ:ખમાં ડૂબાડતા ગ્લોબલ વોર્મિંગ, કલાયમેટ ચેન્જ અને પ્રદૂષણ ક્ષેત્ર ત્રણેય બાબતે ચિંતા કરીને તેના ઇલાજો સત્વરે અપનાવવાની પહેલ કરવી એ જ વધુ જરૂરી બને છે. ગ્લોબલ વોર્મિંગના પરિણામો ઋતુચક્રમાં અનિયમિતતા, વાવાઝોડું, પૂર, લાવા, ભૂકંપ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી આપત્તિઓ વધી રહી છે. ધરતી પર સતત તાપમાન વધી રહેલ છે, જેનો અનુભવ આજે આપણને થઇ રહ્યો છે. સતત પ્રદૂષણનું પ્રમાણ વધી રહેલ છે, પાણીના સ્તોત્ર, પ્રદુષિત થઇ રહ્યા છે અને સ્તોત્ર ઘટતા ગયા છે. વૃક્ષોનું નિકંદન થઇ રહેલ છે અને ઠેર ઠેર વિકાસની લ્હાયમાં ક્રોંકિટના જંગલો ઉભા થઇ રહ્યા છે.
એરિઝોના યુનિવર્સિટીના સંશોધકોના એક અહેવાલ અન્વયે છેલ્લાં 150 વર્ષમાં જેટલું ગ્લોબલ વોર્મિંગ વધ્યું છે, એટલું છેલ્લાં 24,000 વર્ષમાં પણ વધ્યું નથી. માનવજાત ખૂબ જ જોખમી તબકકામાં પહોંચી ચૂકેલ છે. 2 ચેતવણીનો સમય પણ વીતી ચૂકયો છે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે વિશ્વના જંગલોમાં આગની ઘટનાઓ વધતી રહેલ છે. ‘ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા’ના ડેટા પ્રમાણે દેશમાં વર્ષ 2021માં જંગલમાં અચાનક આગની 6201 દુર્ઘટનાઓ બનેલ હતી. UNO દ્વારા એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવેલી છે કે વિશ્વના મોટા ભાગના દેશોની સરકારોની જંગલોની મોટી આગ(દાવાનળ)ને કારણે થતાં મોત અને વેરાતા વિનાશ માટે સામનો કરવાની પૂરતી તૈયારી જ નથી.
દેશમાં દર વર્ષે 22મી એપ્રિલના રોજ ‘વિશ્વ ધરતી દિન’ ઉજવવામાં આવે છે. જેમાં ધરતી પરના માનવ જાતના અત્યાચારોની ચિંતા કરવામાં આવે છે, જેનાથી પૃથ્વી આજે ત્રાહિમામ પોકારી ગયેલ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં પૃથ્વીને માતાના સન્માનથી નવાજવામાં આવેલ છે અને તેની ચિંતા કરવામાં આવે છે. ભગવાન શ્રીરામે લક્ષ્મણને જણાવેલ હતું કે ‘જનની જન્મ ભૂમિશ્વ સ્વર્ગાદપિ ગરિયસી’ અર્થાત માતા અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે. ભારતીય સંસ્કૃતિમાં મનુષ્ય રાત્રે સૂઇને ઉઠયા બાદ પૃથ્વી(ધરતી)ને પહેલા પગે લાગે છે, જે પૃથ્વીની અગત્યાતા બતાવે છે. આ વિચારને વિશ્વે અપનાવવાની જરૂર છે.
સુરત – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.