Sports

ક્રિકેટર પૃથ્વી શો વિરુદ્ધ FIR દાખલ, સપના ગિલે લગાવ્યા આ આરોપ

સેલ્ફી (Selfie) વિવાદમાં મંગળવારે ભારતીય ક્રિકેટર (Cricketer) પૃથ્વી શો (Prithvi Shaw) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. સોશિયલ મીડિયા સ્ટાર સપના ગિલના (Sapna Gill) વકીલ અલી કાશિફ દેશમુખે આ માહિતી આપી છે. પૃથ્વી ઉપરાંત આશિષ સુરેન્દ્ર યાદવ, બ્રિજેશ અને અન્યો સામે સપના ગિલ સાથે છેડતી કરવા બદલ તેમજ અન્ય મામલે ફોજદારી દાખલ કરવામાં આવી છે. આ પહેલાં સોશિયલ મીડિયા (Social Media) ઈન્ફ્લુએન્સર સપના ગિલ જેની ક્રિકેટર પૃથ્વી શો સાથે મારામારી અને રૂપિયાની માગણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી તેને સોમવારે જામીન મળી ગયા હતા.

સપના ગિલના વકીલ અલી કાશિફ દેશમુખે કહ્યું કે પૃથ્વી શો અને અન્ય વિરુદ્ધ કલમ 34, 120B, 144, 146, 148, 149, 323, 324, 351, 354 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સેલ્ફી વિવાદ કેસમાં સપના ગિલને સોમવારે જામીન મળી ગયા હતા. ગિલની સાથે અન્ય ત્રણને પણ જામીન આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મુંબઈમાં પૃથ્વી શો સાથે સેલ્ફી લેવાને લઈને વિવાદ થયો હતો. આ દરમિયાન સપના ગિલની પૃથ્વી શો સાથે બોલાચાલી અને હાથાપાઈ થઈ હતી. તેમજ તેમની કાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

બીજી તરફ જામીન મળતાં જ સપનાએ પૃથ્વી અને તેના મિત્રો વિરુદ્ધ મુંબઈમાં કેસ ફાઇલ કરાવ્યો છે. સપનાએ પૃથ્વી સામે હથિયાર વડે હુમલો અને ગુનાહિત ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. સપનાએ કહ્યું હતું કે ઘટના દરમિયાન જ્યારે તે તેના મિત્રને બચાવવા ગઈ ત્યારે પૃથ્વીએ તેને બદ ઈરાદે સ્પર્શ કર્યો હતો. આ મામલામાં આશિષે સપના પર 50 હજાર રૂપિયાની માંગણી માટે ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈ સપનાએ કહ્યું કે 50 હજાર મારા માટે કોઈ મોટી વાત નથી. એક દિવસમાં 2 રીલ બનાવીને હું આટલા રૂપિયા કમાઈ લઈશ.

ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી
આ કેસ બાદ મુંબઈ પોલીસે સપના ગિલ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. આ પછી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ માટેની પોલીસની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ ગિલ તેના મિત્ર શોભિત ઠાકુર અને અન્ય બે રુદ્ર સોલંકી અને સાહિલ સિંહને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા.

જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને અન્ય આરોપીઓએ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી હતી. સોમવારે અંધેરી કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે દલીલો સાંભળ્યા બાદ તમામને જામીન આપ્યા હતા. ગિલે એડવોકેટ કાશિફ અલી ખાન મારફત દાખલ કરેલી અરજીમાં દાવો કર્યો છે કે તેમની વિરુદ્ધ FIR સંપૂર્ણપણે ખોટા અને બનાવટી આરોપો પર નોંધવામાં આવી છે.

Most Popular

To Top