પાકિસ્તાનમાં લોકશાહી પ્રક્રિયાથી ચૂંટાયેલા વડા પ્રધાનનું સરેરાશ રાજકીય આયુષ્ય સાડા ત્રણ વર્ષનું હોય છે. કોઈ પાકિસ્તાની વડા પ્રધાને તેમની પાંચ વર્ષની મુદત પૂરી કરી હોય તેવું લગભગ બન્યું નથી. પાકિસ્તાનના મોટા ભાગના વડા પ્રધાનોને ગેરબંધારણીય અને ગેરસંસદીય રીતે હટાવવામાં આવ્યા હતા. બે વડા પ્રધાનોને સુપ્રિમ કોર્ટ દ્વારા હટાવવામાં આવ્યા હતા, પણ કોઈ વડા પ્રધાન સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા દૂર થાય તેવું પહેલી વખત બની રહ્યું છે. વર્તમાન વડા પ્રધાન ઇમરાન ખાન ૨૦૧૮ માં સત્તા પર આવ્યા હતા. પાકિસ્તાનની ૩૭૨ સભ્યોની સંસદમાં તેમની પાસે માત્ર ૧૫૫ બેઠકો હતી તો પણ નાના પક્ષોનો ટેકો લઈને લશ્કરની મીઠી નજર હેઠળ તેઓ વડા પ્રધાન બન્યા હતા.
હવે લશ્કર ઇમરાન ખાનથી નારાજ થઈ ગયું છે અને કેટલાક સાથી પક્ષો પણ તેમનાથી વિરુદ્ધ થઈ ગયા છે. ઇમરાન ખાન તા. ૨૫ માર્ચના રોજ સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરી રહ્યા છે. આ મતદાનમાં તેમની હાર નક્કી જણાતાં તેમણે આખો મામલો સુપ્રિમ કોર્ટમાં અને પછી પ્રજાની કોર્ટમાં લઈ જવાનો સંકલ્પ કર્યો છે. જો સંસદમાં અને કોર્ટમાં હારી જાય તો પણ ઇમરાન ખાને તા. ૨૭ ના વિરાટ રેલીનું આયોજન કર્યું છે. પાકિસ્તાનનું લશ્કર બહારથી તટસ્થ હોવાનો દેખાવ કરી રહ્યું છે, પણ તે અંદરખાને ઇમરાન ખાનની વિદાય ચાહી રહ્યું છે. તેનું કારણ એ છે કે લશ્કરી વડા જનરલ બાજવા અને વડા પ્રધાન વચ્ચે આઈએસઆઈના વડાની નિમણૂક બાબતમાં વિવાદ થયો હતો. હવે જનરલ બાજવાની પહેલી ટર્મ પૂરી થાય છે ત્યારે ઇમરાન ખાન તેમને બીજી મુદત આપવા તૈયાર નથી.
વિપક્ષોના અવિશ્વાસના પ્રસ્તાવ પાછળ જનરલ બાજવાનો દોરીસંચાર છે. ઇમરાન ખાન છેલ્લી ઘડીએ લશ્કર સાથે સમાધાન કરે તો કદાચ બચી જશે. જો તેમાં નિષ્ફળતા મળે તો વિપક્ષી નેતા શહેબાઝ શરીફ વડા પ્રધાનની ગાદી પર બિરાજમાન થશે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલો ઇમરાન ખાન લડવૈયો છે. આજથી બરાબર ૩૦ વર્ષ પહેલાં ઇમરાન ખાને પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. ત્યારે પણ પાકિસ્તાન વર્લ્ડ કપ જીતે તેવી સંભાવના બહુ પાંખી હતી. પાકિસ્તાને પ્રારંભિક મેચોમાં નબળો દેખાવ કર્યો હતો. તેમ છતાં જબરદસ્ત ફાઇટિંગ સ્પિરીટનું પ્રદર્શન કરીને ઇમરાન ખાને વર્લ્ડ કપ જીત્યો હતો. ઇમરાન ખાન તા. ૨૫ માર્ચના કોઈ ચમત્કાર કરી શકે તો જ બચી જશે.
પાકિસ્તાનના લશ્કરે પણ ઇમરાનને ટેકો આપ્યો હતો, કારણ કે લશ્કર પણ પરંપરાગત રાજકીય પક્ષોથી કંટાળી ગયું હતું અને નવા લોહીને તક આપવા માગતું હતું. ઇમરાન ખાન સામે પાકિસ્તાનના બે મુખ્ય વિપક્ષો પાકિસ્તાન મુસ્લિમ લિગ (પીએમએલ) અને પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પીપીપી) દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે, જેને પાકિસ્તાન ડેમોક્રેટિક એલાયન્સ (પીડીએમ) નું નામ આપવામાં આવ્યું છે. ઇમરાન ખાન પર આરોપ છે કે તેમણે જે આર્થિક સુધારાઓનું વચન આપ્યું હતું તેનું પાલન કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે. ઇમરાન ખાનના ચાર વર્ષના શાસનમાં ફુગાવો ૧૦ થી ૧૨ ટકાના દરે વધી રહ્યો છે, પણ વિકાસ ૩.૫ ટકા આસપાસ સ્થગિત થઈ ગયો છે. મોંઘવારી વધી રહી છે, પણ બેકારી પણ વધી રહી છે. ઇમરાન ખાને દસ લાખ નવી રોજગારી ઊભી કરવાનું વચન પણ પાળ્યું નથી. બેકારીને કારણે યુવાનોમાં હતાશાનું વાતાવરણ પેદા થયું છે. ઇમરાન ખાનની સરકાર આર્થિક મોરચે નિષ્ફળ જતાં તેણે ચાર વાર તો નાણાં પ્રધાનો બદલ્યા હતા.
ઇમરાન ખાન સામે જે વિપક્ષોએ મોરચો માંડ્યો છે તેમની પાસે સંસદમાં ૧૬૨ બેઠકો છે. ઇમરાન ખાનને ઘરભેગો કરવા તેમને ૧૦ બેઠકોની જરૂર છે. ઇમરાન ખાનના પક્ષના ૧૪ સભ્યો દ્વારા વિપક્ષોને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. તેઓ વિશ્વાસના મત દરમિયાન સરકારની વિરુદ્ધમાં મતદાન કરે તો ઇમરાન ખાનની સરકારનું પતન થઈ જાય તેમ છે. ઇમરાન ખાને જાહેર કર્યું છે કે ૧૪ સભ્યોને શાસક પક્ષની વિરુદ્ધમાં મતદાન કરવાનો અધિકાર જ નથી. તેમણે આ મામલે સુપ્રિમ કોર્ટની સલાહ માગી છે. જો સુપ્રિમ કોર્ટ વિપક્ષની તરફેણ કરે તો ઇમરાન ખાન લોકોના ટેકાથી વડા પ્રધાનપદને વળગી રહેવા માગે છે. તે માટે તેમણે ઇસ્લામાબાદમાં રેલી બોલાવી છે. તેમાં દસ લાખ લોકોના ભેગા થવાની સંભાવના છે. જો રેલીમાં તોફાનો થશે તો લશ્કરના હાથમાં સુકાન આવશે. કોઈ વિપક્ષી નેતાને વડા પ્રધાન બનાવવાને બદલે લશ્કર જ સત્તાનાં સૂત્રો સંભાળી લે તેવું પણ બની શકે છે. પાકિસ્તાનની જનતાને લશ્કરી રાજ ચૂંટાયેલી સરકાર કરતાં વધુ માફક આવે છે.
ઇમરાન ખાનની તહેરિકે ઇસ્લામની લઘુમતી સરકાર ચાર વર્ષ ટકી ગઈ તેમાં લશ્કરનો ટેકો મુખ્ય કારણ હતું. આ ચાર વર્ષ દરમિયાન ઇમરાન ખાને સંસદની કે સુપ્રિમ કોર્ટની પરવા જ કરી નહોતી. ઇમરાન ખાનને લશ્કરનો ટેકો હોવાથી વિપક્ષો પણ શાંતિથી બેઠા હતા. ઇમરાન ખાન અને લશ્કર વચ્ચેના મતભેદો પહેલી વખત ગુપ્તચર સંસ્થાના વડાની પસંદગી વખતે બહાર આવ્યા હતા. ત્યાર બાદ ઇમરાન ખાને જનરલ બાજવાના ઉત્તરાધિકારીની ખોજ શરૂ કરી ત્યારે લશ્કરી વડા ભડક્યા હતા. તેમણે આઈએસઆઈના વડા લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમને મળીને ઇમરાન ખાનની વિદાયનો તખતો ગોઠવી કાઢ્યો હતો. લશ્કરના ટોચના ચાર જનરલો ભેગા થયા હતા અને તેમણે ઇમરાન ખાનને ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશનની બેઠક પછી રાજીનામું આપવાનું જણાવી દીધું હતું. ઇમરાન ખાને ભૂતપૂર્વ લશ્કરી વડા રાહીલ શરીફને વચ્ચે નાખ્યા હતા. તેમણે લશ્કરના જનરલોને સમજાવવાના પ્રયત્નો કર્યા, પણ તેઓ નિષ્ફળ ગયા હતા. ત્યાર બાદ લશ્કરે વિપક્ષોને ઇશારો કરતાં તેમણે સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
પાકિસ્તાની સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ પહેલાં વિપક્ષો અને ઇમરાન ખાન વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. ઇમરાન ખાને જાહેર સભામાં પીપીપીના નેતા બિલાવલ ભૂતો જરદારીને ઉંદર તરીકે સંબોધન કર્યું હતું. બિલાવલે વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે ખરો ઉંદર તો ઇમરાન છે, જે અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરતાં ગભરાય છે. ઇમરાને વિપક્ષી નેતા ફઝલુ રહેમાનની સરખામણી ડિઝલ સાથે કરી હતી. વિપક્ષો કહે છે કે ડિઝલના ભાવો વધી રહ્યા છે. ઇમરાન ખાને પોતાના પક્ષના અસંતુષ્ટ સભ્યોને ચેતવણી આપી છે કે જો તમે પક્ષપલટો કરશો તો તમારાં સંતાનોને પરણવા પણ કોઈ તૈયાર નહીં થાય. લશ્કરે ઇમરાનને ચેતવણી આપી છે કે તેમણે વિપક્ષી નેતાઓ બાબતમાં અપશબ્દો કાઢવા નહીં. ઇમરાન ખાન તેની પણ અવગણના કરી રહ્યા છે. ઇમરાન ખાનની હાલત નાજુક થઈ ગઈ તેનું કારણ એ છે કે તેમણે અમેરિકાનો ટેકો ગુમાવ્યો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર આવી ગઇ તે પછી અમેરિકાને હવે ઇમરાનની ઝાઝી જરૂર રહી નથી. ઇમરાન ખાન રશિયાના ટેકા માટે પુતિનને મોસ્કો જઈને મળી આવ્યા, પણ યુક્રેનમાં ભેરવાઈ ગયેલા પુતિનને ઇમરાન ખાન માટે સમય નથી. બીજી બાજુ ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હોવાના વાવડ છે. આ પરિસ્થિતિમાં ઇમરાન ખાનને હટાવીને લશ્કર જ સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લઈ લે, તેવું પણ બની શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે