World

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના થાઇલેન્ડ પ્રવાસે, વિશ્વની સૌથી યુવા વડાપ્રધાનને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે ગુરુવારે બે દિવસની મુલાકાતે થાઇલેન્ડ પહોંચ્યા છે. અહીં તેમણે થાઇલેન્ડના પીએમ પાઈતોંગ્તાઈ શિનવાત્રા સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. સૌ પ્રથમ પીએમ મોદીએ 28 માર્ચે આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તેઓએ ભારત અને થાઇલેન્ડ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો પર ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું કે આપણા સદીઓ જૂના સંબંધો આપણા ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો સાથે જોડાયેલા છે. બૌદ્ધ ધર્મના પ્રસારે આપણા લોકોને એકસાથે લાવ્યા છે. રામાયણની વાર્તાઓ થાઈ લોકોના જીવનનો એક અભિન્ન ભાગ છે. અગાઉ થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોંચ્યા બાદ પીએમ મોદી એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોને મળ્યા. આ પછી થાઈ રામાયણનું મંચન જોયું. અહીં રામાયણને રામાકેન કહેવામાં આવે છે.

પીએમ મોદીએ બાદમાં થાઈલેન્ડના પીએમ પાઈતોંગ્તાઈ શિનવાત્રા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તે વિશ્વના સૌથી યુવા વડા પ્રધાન છે. તેઓ ફક્ત 38 વર્ષના છે. આ દરમિયાન બંને દેશોના અધિકારીઓએ વેપાર સંબંધો પર ચર્ચા કરી હતી.

પીએમ મોદીએ કહ્યું કે પીએમ શિનવાત્રાએ મને ત્રિપિટક ભેટમાં આપ્યું છે. ‘બુદ્ધની ભૂમિ’ ભારત વતી, મેં તેને આદરપૂર્વક સ્વીકાર્યું. ગયા વર્ષે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો ભારતથી થાઇલેન્ડ મોકલવામાં આવ્યા હતા. મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે 1960માં ગુજરાતના અરવલ્લીમાં મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પણ થાઇલેન્ડ મોકલવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને આપણા ઇન્ડો પેસિફિક વિઝનમાં થાઇલેન્ડનું વિશેષ યોગદાન છે. આજે આપણે આપણા સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાનો નિર્ણય લીધો છે. સુરક્ષા એજન્સીઓ વચ્ચે વ્યૂહાત્મક સંવાદ સ્થાપિત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમના ભારતીય પીડિતોને ભારત પાછા મોકલવામાં મળેલા સહકાર બદલ થાઇલેન્ડ સરકારનો આભાર. અમારી એજન્સી માનવ તસ્કરી અને ગેરકાયદેસર સ્થળાંતર સામે સંયુક્ત રીતે કામ કરશે. ઉત્તર પૂર્વીય રાજ્યો અને થાઇલેન્ડ વચ્ચે પ્રવાસન, સંસ્કૃતિ, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે.

બંને દેશો વચ્ચે વેપારને પ્રોત્સાહન
પીએમ મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે MSME, હેન્ડલૂમ અને હસ્તકલામાં સહયોગ માટે એક કરાર થયો છે. નવીનીકરણીય ઉર્જા, ડિજિટલ ટેકનોલોજી, ઈ-વાહનો, રોબોટિક્સ, અવકાશ, બાયોટેકનોલોજી અને સ્ટાર્ટ-અપ્સમાં સહયોગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે ફિનટેક કનેક્ટિવિટી વધારવા માટે કામ કરવામાં આવશે. ભારતે થાઈ પ્રવાસીઓ માટે ઈ-વિઝા આપવાનું શરૂ કર્યું છે.

Most Popular

To Top