National

વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા નારાજ, IOAના પ્રમુખને આપી આ સૂચના

નવી દિલ્હીઃ માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના લીધે ભારતીય પહેલવાન વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થઈ છે. તે ફાઈનલ મેચ નહીં રમી શકે. ભારતનું ગોલ્ડ જીતવાનું સપનું તો ચક્નાચૂર થયું જ છે પરંતુ વિનેશ ડિસ્ક્વોલિફાઈ થઈ હોવાના લીધે સિલ્વર પણ નહીં મળે. બે મેચ જીતી હોવા છતાં વિનેશ ફોગાટને ખાલી હાથ ભારત પાછું ફરવું પડશે.

વિનેશ ડિસ્ક્વોલિફાઈ થઈ હોવાના સમાચાર ભારતમાં વાયુવેગે ફેલાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનેશ ફોગાટને આશ્વસન આપતી પોસ્ટ એક્સ પર લખી છે. આ સાથે જ વડાપ્રધાને આઈઓએને આ મામલે સખ્ત વિરોધ નોંધાવવાનું સૂચન કર્યું છે.

વડાપ્રધાન મોદીએ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના પ્રમુખ પીટી ઉષા સાથે વાત કરીને આ સમગ્ર મામલે માહિતી માંગી છે. પીએમ મોદીએ આ સ્થિતિમાં તમામ વિકલ્પો પર વિચાર કરવા કહ્યું છે. આ સાથે પીએમ મોદીએ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવાને લઈને પેરિસ ઓલિમ્પિક કમિટી સમક્ષ વિરોધ નોંધાવવાની સૂચના પીટી ઉષાને આપી છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિનેશની ગેરલાયકાત ઠર્યા બાદ એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં વિનેશની રમતના વખાણ કરવા સાથે મેડલ ચૂકી જવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો.

તમે ચેમ્પિયનોના ચેમ્પિયન છો, વડાપ્રધાને પોસ્ટ લખી
વડાપ્રધાન મોદીએ એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે વિનેશ, તમે ચેમ્પિયનોના ચેમ્પિયન છે. તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા સ્ત્રોત છો. આજના આઘાતથી દુઃખ થયું છે. હું ઈચ્છું છું કે હું શબ્દોમાં વ્યક્ત કરી શકું કે હું અત્યારે કેટલો નિરાશ છું. પણ હું જાણું છું કે તમે ફરી પરત ફરશો. પડકારોનો હિંમતપૂર્વક સામનો કરવો એ તમારા સ્વભાવમાં છે. મજબૂત પાછા આવો. અમે બધા તમારી સાથે છીએ.

100 ગ્રામ વજન વધુ હોવાના લીધે વિનેશ ડિસ્ક્વોલિફાઈ થઈ
ભારતીય ઓલિમ્પિક સંઘે કહ્યું કે તે ખેદજનક છે કે ભારતીય ટીમ વિનેશ ફોગાટને મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરે છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધી ગયું હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે.

તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટ 50 કિગ્રા રેસલિંગમાં અયોગ્ય ઠરી છે. જ્યારે વિનેશનું વજન થોડું વધી ગયું હોવાનું જાણવા મળ્યું તો તેણે તેને ઘટાડવાનો પણ પ્રયાસ કર્યો. આજે (7મી ઓગસ્ટ) ગોલ્ડ મેડલ સ્પર્ધા યોજાવાની હોવાથી તે નિર્ધારિત ધોરણ કરતાં વધુ હોવાનું જણાયું હતું. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા બાદ તેને કહેવામાં આવ્યું હતું કે તેનું વજન 50 કિલોગ્રામની મર્યાદા સાથે મેળ ખાતું નથી

Most Popular

To Top