સુરત: આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત શહેરમાં આગમન થશે. લિમ્બાયત નિલગીરી ગ્રાઉન્ડ ખાતે તેમની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ભવ્ય રોડ શો પણ યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ અને સેલ્વાસથી હેલિકોપ્ટરમાં પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલિપેડ ખાતે આવશે. ત્યાંથી અંદાજે ત્રણ કિમી સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગિરિ ગ્રાઉન્ડ પહોંચવાના છે. આ રોડ શો માટે 30 સ્ટેજ ઊભાં કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે, જેમાં અંદાજે 1 લાખ લોકો ઊમટે એવી શક્યતા છે. શુક્રવારની સાંજથી લઈ શનિવારની સવાર સુધીમાં, એટલે કે નવસારી જવા નીકળે ત્યાં સુધીમાં 28 કિમીના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે. મોદીનુ સુરતમાં રાત્રી રોકાણ છે અને હાલમાં પ્રદેશ ભાજપ પ્રમુખની વરણીની કલાકો ગણાઇ રહી છે ત્યારે સુરત રાત્રી રોકાણ દરમિયાન થનારી રાજકીય ચર્ચાએ પણ ઉત્કંઠા જગાવી છે.
આ મુલાકાત માટે 8000 પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા, રોડ શોને લઈ ટ્રાફિક મેનેજમેન્ટ માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત રૂટ, નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી સભાની તૈયારીઓ તથા શહેરમાં કરવામાં આવેલા પેઇન્ટિંગ અને 30 સ્ટેજ બનાવવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે.મોદીના રોડ શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઇડર, લાઈટોથી માંડી તમામ સ્તરે બ્યૂટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. એ પૂર્વે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ વડાપ્રધાનના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાનના સ્વાગત માટે રોડ શો માટે તૈયાર કરાયેલાં 30થી વધુ સ્ટેજ પર દેશનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવશે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન સહિતનાં રાજ્યોની લોકસંસ્કૃતિ, નૃત્ય, વેશભૂષા અને સાંસ્કૃતિક પરંપરાઓ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. લિંબાયત વિસ્તાર મિની ભારત તરીકે ઓળખાય છે, કારણ કે અહીં દેશનાં 26 રાજ્યમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે, જાહેર કાર્યક્રમ પૂરો થયા બાદ PM મોદી 11 કિમીનું અંતર કાપી અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે, જ્યાં રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન તેઓ સુરતના ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે મુલાકાત કરી શકે છે. આ મુલાકાતમાં શહેરના ઉદ્યોગ અને વિકાસ પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરી શકે છે. ત્યાર બાદ 14 કિમીનું અંતર કાપી સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે.
દીવાલો પર આકર્ષક પેઇન્ટિંગ, 250 થી વધુ કલાકારોએ શહેરને જીવંત કેનવાસ બનાવ્યું
વડાપ્રધાનને આવકારવા માટે, શહેરની દીવાલો, બ્રિજ અને પાઇપલાઇન પર યુનિક પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. માત્ર શહેરી સુંદરતા માટે નહીં, પણ સ્વચ્છતા, ટ્રાફિક અવેરનેસ, પર્યાવરણ સુરક્ષા અને સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. 24 કલાક પેઇન્ટિંગનું કામ ચાલી રહ્યું છે અને લગભગ 3 કરોડના ખર્ચે શહેરને એક જીવંત કેનવાસમાં બદલવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી વડાપ્રધાનના આગમન પર શહેરમાં વિશાળ હોર્ડિંગ્સ અને બેનર્સ મૂકવામાં આવતાં, પરંતુ આ વખતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે – કલાકૃતિ દ્વારા PM મોદીના આગમનનું ભવ્ય સ્વાગત. આ માટે શહેરની દીવાલો, બ્રિજ, પાઇપલાઇન અને ખાડી બ્રિજ જેવા વિસ્તારોને કેનવાસ બનાવી દેવાયાં છે.શહેરની વિવિધ જગ્યાઓએ 250થી વધુ પેઇન્ટર્સ વિવિધ થીમ પર પેઇન્ટિંગનું કામ કરી રહ્યા છે. આ પેઇન્ટિંગની વિશેષતા એ છે કે કોઈપણ સમય કામ અટકતું નથી. સતત 24 કલાક આર્ટવર્કનું કાર્ય ચાલી રહ્યું છે.
