World

સુરતમાં તૈયાર થયેલો 7.5 કેરેટનો આ ગ્રીન ડાયમંડ PM નરેન્દ્ર મોદીએ બિડેન દંપતિને ભેંટમાં આપ્યો

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકા પ્રવાસના બીજા તબક્કામાં બુધવારે તા. 21 જૂનના રોજ વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને એકબીજાને ઘણી ભેટ પણ આપી હતી. પીએમ મોદીએ મિસિસ બિડેનને ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો હતો. ગૌરવની વાત એ છે કે આ લેબગ્રોન ડાયમંડ સુરતમાં બન્યો છે. હજુ એક દિવસ પહેલાં વિશ્વ યોગ દિવસે 1.53 લાખ સુરતીઓએ એક સાથે યોગા કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે તો બીજા દિવસે સુરતના ઈચ્છાપોરની ગ્રીન લેબ ફેક્ટરીમાં બનેલા લેબગ્રોન ડાયમંડને વડાપ્રધાને અમેરિકાના રાષ્ટ્રપતિની પત્નીને ભેંટમાં આપતા સુરતનું નામ હવે અમેરિકામાં પણ ગુંજતું થયું છે.

અમેરિકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી હતી. બિડેન અને તેમની પત્ની જીલ બિડેને વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બિડેને પીએમ મોદી માટે ખાનગી ડિનરનું આયોજન કર્યું છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન તરફથી પીએમ મોદીને ઘણી ભેટ આપવામાં આવી હતી. તો સામા પક્ષે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિડેન દંપતિને વિશેષ ભેંટો આપી હતી.

જીલને PMની ખાસ ભેટ
આ સિવાય પીએમ મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડી ડૉ. જીલ બિડેનને પણ ખાસ ભેટ આપી હતી. પીએમ વતી જીલ બિડેનને લેબમાં તૈયાર થયેલો 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ ભેંટમાં આપવામાં આવ્યો હતો. આ હીરા પૃથ્વીના પેટાળમાંથી શોધી કાઢવામાંઆવેલા કુદરતી હીરા જેવા જ રાસાયણિક અને ઓપ્ટિકલ ગુણધર્મો ધરાવે છે. હીરા પણ પર્યાવરણને અનુકૂળ છે, તે વિશ્વને બતાવવા માટે પીએમ મોદીએ લેબગ્રોન ગ્રીન ડાયમંડ મિસિસ બિડેનને ભેંટમાં આપ્યો હતો. કારણ કે તેના ઉત્પાદનમાં સૌર અને પવન ઉર્જા જેવા પર્યાવરણીય વૈવિધ્યસભર સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગ્રીન ડાયમંડને અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોકસાઇ સાથે કાપવામાં આવે છે.

ડાયમંડ મેકિંગમાં બે મહિના લાગ્યા
અમેરિકાના પ્રવાસ દરમિયાન બિડેન દંપતીને લેબગ્રોન ડાયમંડ આપવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરાયું હોય ઘણા સમય પહેલાં ડાયમંડનો ઓર્ડર સુરતની ગ્રીન લેબ ડાયમંડ ફેક્ટરીના માલિકોને મળ્યો હતો. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા હોય અમૃતોત્સવના ભાગરૂપે સરકાર તરફથી 7.5 કેરેટના ડાયમંડના મેકિંગનો ઓર્ડર મળ્યો હતો.

ઈચ્છાપોર ખાતે આવેલી ગ્રીન લેબ લેબગ્રોન ડાયમંડ ફેક્ટરીમાં 109 રત્નકલાકારોએ બે મહિનાની મહેનતના અંતે આ વિશિષ્ટ રાઉન્ડ કટનો 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ બનાવ્યો છે. આ ડાયમંડ ટાઈપ ટુ-એ ક્વોલિટીનો છે. તે કેમિકલ અને ઓપ્ટીકલી નેચરલ ડાયમંડ જેટલો જ શુદ્ધ છે. આઈજીઆઈ દ્વારા સર્ટિફાઈડ આ ડાયમંડ 4 C’s કટ, કલર, કેરેટ એન્ડ ક્લેરિટી ધરાવે છે. તે સોલાર અને વિન્ડ પાવર જેવા ઈકો એનર્જીથી ઉત્પાદિત કરાયો છે. યુનેસ્કોના એન્વાયરમેન્ટલ સસ્ટેનિબિલિટના તમામ પરિણામો પર તે ખરું ઉતરે છે. સંપૂર્ણ પણે મેક ઈન્ડિયા આ ડાયમંડ આત્મનિર્ભર ભારતની સ્ટોરી વૈશ્વિક સ્તરે રજૂ કરે છે. વળી, આ ડાયમંડ સંપૂર્ણપણે ઈકો ફ્રેન્ડલી પદ્ધતિથી તૈયાર થયો હોય તેને ગ્રીન ડાયમંડ કહેવામાં આવે છે.

લેબગ્રોન ડાયમંડ એ આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ
લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહી છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરતી અનેક ફેક્ટરીઓ છે. આ ઈન્ડસ્ટ્રી હાલમાં સુરતમાં 5 લાખ લોકોને રોજગારી આપતી થઈ છે. સંપૂર્ણપણે આત્મનિર્ભર ભારતના કન્સેપ્ટને સાર્થક કરતી આ ઈન્ડસ્ટ્રીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપ્યું છે.

પીએમ દ્વારા બિડેનને આ ભેટ આપવામાં આવી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના અલગ અલગ પ્રાંતની વિશિષ્ટ ચીજવસ્તુઓ, વાનગીઓ બિડેન દંપતિને ભેંટ સ્વરૂપે આપવામાં આવી હતી, જેમાં પંજાબમાં ઘી, મહારાષ્ટ્રના ગોળ જેવી વિશેષ વસ્તુઓ સામેલ છે. વળી તે વસ્તુઓના દાન પાછળનું પણ મહત્ત્વ છે. જેમ કે પંજાબનું ઘી અજ્યદાન (ઘીનું દાન) માટે આપવામાં આવે છે . મહારાષ્ટ્રમાં તૈયાર કરેલ ગોળ આપવામાં આવે છે જેનો ઉપયોગ ગુડદાન (ગોળનું દાન ) માટે થાય છે.

ઉત્તરાખંડના લાંબા અનાજના ચોખા, જે ધાનદાન (અનાજનું દાન) માટે આપવામાં આવે છે. રાજસ્થાનમાં હસ્તકલા, આ 24K શુદ્ધ અને હોલમાર્કેડ સોનાનો સિક્કો, જે સુવર્ણ દાન માટે આપવામાં આવે છે . ગુજરાતમાં તૈયાર કરેલું મીઠું (મીઠું દાન), જે મીઠાના દાન માટે આપવામાં આવે છે. એક બોક્સમાં 99.5% શુદ્ધ અને હોલમાર્કવાળો ચાંદીનો સિક્કો પણ છે જે રાજસ્થાનના કારીગરો દ્વારા સૌંદર્યલક્ષી રીતે તૈયાર કરવામાં આવ્યો છે અને તેને રૌપ્યદાન ( ચાંદીનું દાન) તરીકે આપવામાં આવે છે. તમિલનાડુના તિલ ( તલના બીજનું દાન) આપવામાં આવે છે જેમાં તિલદાન હેઠળ સફેદ તલ આપવામાં આવે છે. મૈસૂર, કર્ણાટકમાંથી મેળવેલ ચંદનનો સુગંધિત ટુકડો ભૂદાન (જમીનનું દાન) માટે આપવામાં આવ્યો હતો જે ભૂદાન માટે જમીન પર ચઢાવવામાં આવે છે.

પશ્ચિમ બંગાળના કુશળ કારીગરો દ્વારા હાથથી બનાવેલું ચાંદીનું નાળિયેર જે ગૌદાન (ગાયનું દાન, ગૌદાન) માટે ગાયની જગ્યાએ આપવામાં આવે છે. બોક્સમાં ભગવાન ગણેશની મૂર્તિ અને દીવો છે. જે ભગવાન વિઘ્નોનો નાશ કરનાર માનવામાં આવે છે અને કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા તમામ દેવતાઓમાં સૌથી પહેલા તેમની પૂજા કરવામાં આવે છે. ગણેશની આ ચાંદીની મૂર્તિ અને ચાંદીના દીવાને કોલકાતાના પાંચમી પેઢીના ચાંદીના કારીગરોના પરિવાર દ્વારા હસ્તકળા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં બનેલી તાંબાની પ્લેટ, જેને તમરા-પત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પર એક શ્લોક લખાયેલો છે. પ્રાચીન સમયમાં, તાંબાની પ્લેટનો વ્યાપકપણે લેખન અને રેકોર્ડ રાખવાના માધ્યમ તરીકે ઉપયોગ થતો હતો.

Most Popular

To Top