National

વડા પ્રધાન મોદીએ ફ્રાન્સના પ્રમુખ મેક્રોન સાથે ફોન પર વાત કરી

નવી દિલ્હી, તા. 6 (PTI): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે નવી દિલ્હીના સમર્થનથી માહિતગાર કર્યા હતા. આ સાથે બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક સંબંધોનું ‘સકારાત્મક’ મૂલ્યાંકન કર્યું હતું. મેક્રોન સાથે ફોન પર વાતચીત બાદ મોદીએ કહ્યું હતું કે, નવી દિલ્હી અને પેરિસ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. યુક્રેન સંઘર્ષનો વહેલામાં વહેલી તકે અંત લાવવા માટે ચાલુ પ્રયાસો પર બંને નેતાઓએ ચર્ચા કરી હતી, જેમાં વડા પ્રધાને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે ભારતના આહ્વાનને પુનરાવર્તિત કર્યું હતું. ગયા મહિને વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તેમના યુક્રેનિયન સમકક્ષ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથેની વાતચીત દરમિયાન મેક્રોન હાજર રહેલા યુરોપિયન નેતાઓમાં હતા. મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું, ‘’રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. અમે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી અને સકારાત્મક મૂલ્યાંકન કર્યું.’’

પીએમ મોદીએ કહ્યું, ‘’યુક્રેનમાં સંઘર્ષનો વહેલાસર અંત લાવવાના પ્રયાસો સહિત આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવતી રહેશે.’’ જોકે, મોદી-મેક્રોન વાતચીત દરમિયાન વોશિંગ્ટનની ટેરિફ નીતિનાં પરિણામો પર ચર્ચા થઈ કે નહીં તે જાણી શકાયું નથી. એક ભારતીય રીડઆઉટ અનુસાર, મોદીએ ફેબ્રુઆરીમાં ભારત દ્વારા આયોજિત થનારા એઆઈ ઇમ્પેક્ટ સમિટ માટે આમંત્રણ સ્વીકારવા બદલ મેક્રોનનો આભાર માન્યો હતો અને કહ્યું કે, તેઓ ફ્રેન્ચ રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા આતુર છે.

Most Popular

To Top