SURAT

વડાપ્રધાન મોદી આજે સુરતમાં, આ વિસ્તારોમાં વાહનવ્યવહાર પર પ્રતિબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા. 7 માર્ચના રોજ સુરતની મુલાકાતે છે. પોલીસ અને વહીવટી તંત્ર બે દિવસ અગાઉથી જ કામે લાગી ગયું છે. વડાપ્રધાન સાંજે લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધશે, ત્યાર બાદ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે તા. 8 માર્ચે નવસારીના કાર્યક્રમ માટે જવા રવાના થશે. નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન આજે શુક્રવારે બપોરના 1:30 વાગ્યે સુરતના એરપોર્ટ પહોંચશે. ત્યાંથી સેલવાસ જવા રવાના થશે. સાંજે પરવટ પાટિયા હેલિપેડ પર આવશે. 4:30 વાગ્યે પર્વત પાટીયાથી નીલગીરી ગ્રાઉન્ડ સુધી રોડ શૉ કર્યા બાદ 5 વાગ્યે લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં સભાને સંબોધિત કરશે અને સાંજે 6:30 વાગ્યે વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસ માટે રવાના થશે. જ્યાં તેમણે રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે 8 માર્ચે સુરત એરપોર્ટથી નવસારીના કાર્યક્રમમાં જવા માટે રવાના થશે.

આ રસ્તાઓ પર પ્રતિબંધ
વડાપ્રધાન મોદીના પ્રવાસના પગલે આજે શહેરના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં નીલગીરી સર્કલથી ઉધના રેલવે સ્ટેશન તરફ – નીલગીરી સર્કલ – અંડરગ્રાઉન્ડ – રનતચોકથી ઉધના રેલવે ઓવરબ્રિજ – ઉધના રોડ નં.0 – મીરર હોટલ – ઉધના રોડ નં.3 – જીઈબી ઓફિસ પાસેના ચાર રસ્તા સુધીનો રોડ એક માર્ગીય રહેશે. જ્યારે ઉધના રોડ નં.0 પરનો ગોલાઘંટી ગરનાળાનો બંને તરફનો રસ્તો બંધ રહેશે. તેમજ મિડાસ સ્કવેર ચાર રસ્તાથી સાંસ્કૃતિક એસી માર્કેટ ત્રણ રસ્તા તરફનો રોડ બંધ રહેશે.

વૈકલ્પિક રૂટ

  • ઉધના રેલવે સ્ટેશનથી વાહનો નીલગીરી સર્કલ – ઉધના રોડ નં.0, 3, 6 થઈ ડિંડોલી રોડ – ભીમનગર ગરનાળુ – ઉધના પોલીસ સ્ટેશન – ભરવાડનગર જંક્શન – નીલગીરી સર્કલ – સાંઈ પોઈન્ટ ડિંડોલી તરફ…
  • ઉધના રેલવે ઈસ્ટયાર્ડ – ભીમનગર ગરનાળુ – ભરવાડનગર ચાર રસ્તા – રતનચોક – રેલવે ઓવર બ્રિજ – રેલવે ઈસ્ટયાર્ડ તરફ
  • મહારાણા પ્રતાપ ચાર રસ્તાથી મિડાસ સ્ક્વેરથી સાંસ્કૃતિક એસી માર્કેટ – કંગારુ સર્કલ – નવા સુડા રોડ – ભરત લકતરીયા કેન્સર હોસ્પિટલ તરફ

30 રૂટ પર બસ નહીં દોડે
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન સુરતના વડાપ્રધાનના રૂટ પર પાલિકાની સિટી અને બીઆરટીએસ બસના 30 રૂટ પર બસ નહી દોડાવવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં વડાપ્રધાનની મુલાકાત દરમિયાન આ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોએ ખાનગી વાહન કે રીક્ષાનો સહારો લેવો પડશે.

જ્યારે સુરતમાં વડાપ્રધાનની મુલાકાતમાં લાભાર્થીઓને લાવવા માટે ગુજરાતના અનેક વિસ્તારમાંથી 1500 જેટલી બસની સુવિધા ઉભી કરવામાં આવી છે અને તેની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. આ અંગે લોકોમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે તે દરમિયાન સુરત પાલિકાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂટ પરથી સિટી અને બીઆરટીએસ બસ દિવસ દરમિયાન નહીં દોડાવાવનો નિર્ણય કર્યો છે.

Most Popular

To Top