નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધથી (Russia-Ukraine War) લઈને વિવિધ મુદ્દાઓ પર વિશ્વભરમાં ઉથલપાથલ મચી ગઇ છે. તેમજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) મંગળવારે રાત્રે બ્રિટિશ પીએમ ઋષિ સુનક (British PM Rishi Sunak) સાથે વાત કરી હતી. તેમજ બંને નેતાઓએ ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (FTA)ના વહેલા નિષ્કર્ષ માટે મંત્રણા કરી હતી. આ સાથે જ બંને નેતાઓએ અન્ય ઘણા મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરી હતી.
પીએમ મોદીએ તેમના એક્સ હેન્ડલ ઉપર ગઇકાલે બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથેની તેમની વાતચીતની માહિતી શેર કરી છે. પીએમ મોદીએ કહ્યું કે તેમની “યુકેના પીએમ ઋષિ સુનક સાથે સારી વાતચીત થઈ છે. અમે દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરારના વહેલા નિષ્કર્ષ માટે કામ કરવા માટે અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.”
ઋષિ સુનકે કહ્યું…
બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઋષિ સુનક અને પીએમ મોદી એક ઐતિહાસિક અને ખૂબ મોટી સમજૂતી ઉપર ચર્ચા કરી તે ડીલને ફાઇનલ કરે તેવી સંભાવના છે. જેનાથી બંને દેશોને ફાયદો થશે. જાહેર કરાયેલા નિવેદન અનુસાર, બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર FTA માટેના મહત્વના મુદ્દાઓ તેમજ તેની મહત્વતા ઉપર ચર્ચા કરી છે. જે હાલમાં પ્રતિ વર્ષ આશરે £36 બિલિયન છે. તેમજ FTA થી ભવિષ્યમાં આ આંકડા વધવાની સંભાવના છે.
આ મુદ્દાઓની પણ ચર્ચા:
પીએમ મોદી અને ઋષિ સુનકે 2030 ફ્રેમવર્ક હેઠળ વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, ઉભરતી તકનીકો અને અન્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. નિવેદન અનુસાર, બંને નેતાઓએ પરસ્પર હિતના સ્થાનિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
ભારત-યુકે મુક્ત વેપાર કરાર: FTA
બ્રિટનના વેપાર અને વાણિજ્ય સચિવ કેમી બેડેનોચે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ભારત સાથે વાટાઘાટો કરવામાં આવી રહેલી વેપાર ડીલ લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ થઈ શકે છે. મુક્ત વેપાર કરાર હાલમાં 14મા રાઉન્ડની વાટાઘાટોમાં છે. જાન્યુઆરી 2022 થી ભારત અને યુકે તેમની વર્તમાન GBP 36- બિલિયનની દ્વિપક્ષીય વેપાર ભાગીદારીને નોંધપાત્ર રીતે વધારવાના ઉદ્દેશ્ય સાથે મુક્ત વેપાર કરાર (FTA) માટે વાટાઘાટો કરી રહ્યા છે. વાટાઘાટોનો 13મો રાઉન્ડ 15 ડિસેમ્બર 2023ના રોજ પૂરો થયો હતો.