Dakshin Gujarat

દક્ષિણ ગુજરાતની આ શાળામાં વિદ્યાર્થીઓને અપાયેલા ચોખામાં પ્લાસ્ટિકના ચોખા નીકળ્યાનો આક્ષેપ

વાંસદા: વાંસદાની પ્રાથમિક શાળામાં (Primary School) વિદ્યાર્થીઓને અપાયેલા ચોખામાં ચોખા જેવા આકારના પ્લાસ્ટિકના ચોખા નીકળ્યા હોવાનો વાલીઓએ (Parents) આક્ષેપ કર્યો હતો. વાંસદાના ખંભાલીયાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને (Student) મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકાર દ્વારા અપાયેલા ચોખા, ચોખા જેવા જ આકારમાં પ્લાસ્ટિકના ચોખા (Plastic Rice) નીકળ્યા હોવાનો વાલીઓનો આક્ષેપ કરતો એક વીડિયો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ચોખા વાલીઓએ ઘરે જઈ સાફ કરાતા તેમાંથી પ્લાસ્ટિકના ચોખા હોવાની શંકા વ્યક્ત કરતા વાલીઓ ચોંકી ઉઠયા હતા. ત્યારબાદ આ ચોખાના સેમ્પલ વાંસદા મામલદારને બતાવવામાં આવતા તેઓએ પુરવઠા વિભાગને આ ચોખા ક્યાંથી આવ્યા અને કેવા પ્રકારના છે તે બાબતે તપાસ કરવાનું જણાવ્યું હતુ.

  • વાંસદાની શાળામાં વિદ્યાર્થીઓને અપાયેલા ચોખામાં ચોખા જેવા આકારના પ્લાસ્ટિકના ચોખા નીકળ્યાનો વાલીઓનો આક્ષેપ
  • બાળકોને કુપોષણથી બચવા અપાતા મધ્યાહન ભોજનના નામે બાળકોના સ્વાસ્થ્ય સાથે તથા ચેડાં

શાળાઓમાં અપાતું મધ્યાહન ભોજન ગરીબોના બાળકોને કુપોષણથી બચાવે છે, પરંતુ શું આ મધ્યાહન ભોજનના નામે હવે આદિવાસી વિસ્તારોના બાળકો સાથે ચેડાં થઈ રહ્યા છે ? જેવા સવાલો ઉઠ્યા હતા. મધ્યાહન ભોજન અંતર્ગત વિતરણ કરાયેલા આ ચોખાને પગલે સમગ્ર ઘટનાને ધ્યાન રાખી જવાબદાર અધિકારીઓ દ્વારા આ ગંભીરતાને સમજી જરૂરી તપાસ કરે એ ખૂબજ જરૂરી બન્યું છે.

તપાસના આદેશ આપી દેવાયા છે
ખંભાલિયામાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલ શંકાસ્પદ પ્લાસ્ટિકના ચોખાના સેમ્પલ મામલતદારને બતાવતા તેઓએ તાત્કાલિક પુરવઠા વિભાગના અધિકારીઓને બોલાવી ચોખા ક્યાંથી આવ્યા છે અને કઈ પ્રકારના છે તે બાબતે તપાસના આદેશ આપી શંકાસ્પદ ચોખા બાબતે યોગ્ય તપાસની ખાતરી આપી હતી. – મામલતદાર, વાંસદા

સરકાર યોગ્ય તપાસ કરે તે જરૂરી
અમારા બાળકોને સરકાર દ્વારા આપવામાં આવેલા ચોખા ઘરે લઇ ગયા બાદ સાફ કરતાં તેમાં પ્લાસ્ટિકના ચોખા પણ હોવાની અમને શંકા છે, જો આ ચોખામાં પ્લાસ્ટિકના ચોખા હોય તો અમારા બાળકો અને અમારા આરોગ્ય જોખમાય તેમ છે જે બાબતે સરકાર યોગ્ય તપાસ કરે તે ખૂબ જ જરૂરી છે. સંદિપ પટેલ, વાલી

ઉચ્ચતરીય તપાસ થવી જોઈએ
વાંસદાના ગામોના વાલીઓની ફરિયાદ મુજબ વિદ્યાર્થીઓને આપેલા ચોખામાં કંઈક ભેળસેળ જણાઈ આવે છે. આ ભેળસેળ કરેલા ચોખા બીજા ચોખા કરતા અલગ લાગી આવે છે. એટલે પૂરવઠા યોજના હેઠળ આપવામાં આવેલા ચોખામાં પ્લાસ્ટિક ચોખા હોવાનું લાગી રહ્યું છે. જે તપાસનો વિષય છે, જો આ ચોખા આરોગ્યને નુકશાનકારક હોય તો આની ઉચ્ચતરીય તપાસ થવી જોઈએ. જેથી ગરીબ આદિવાસી વિસ્તારના બાળકોના આરોગ્ય સાથે ચેડા ન થાય. – ધારાસભ્ય, અનંત પટેલ

અધિકારીઓ તપાસ કરે એ જરૂરી છે
શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ચોખા આપવામાં આવે છે. જે ચોખામાં ફોર્ટીફાઈડ ચોખા ઉમેરવામાં આવે છે, આ ફોર્ટીફાઈડ ચોખામા વિટામિન ડી૩, બી-૧૨ અને આર્યન તેમજ વિટામિન એ હોય છે. જેથી આ ચોખા સામાન્ય ચોખા કરતા અલગ હોય છે. જે બાબતે લોકોને જાગૃત કરવાની જરૂર છે. જેને માટે અમે વાલીઓ સાથે મિટિંગ કરી એમને જાગૃત કરીશુ. જોકે આ બાબતે અધિકારીઓ તપાસ કરે એ પણ જરૂરી છે. ફાલ્ગુનીબેન, આચાર્ય, ખંભાલિયા

Most Popular

To Top