અંકલેશ્વર, ભરૂચ: હાલમાં જ ભાજપમાં (BJP) ઘર વાપસી કરનાર પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયાએ (Khumansinh vansia) પણ ગુજરાતમાંથી (Gujarat) દારૂબંધી (Prohibition) હટાવી લેવા અંગે નિવેદન કર્યું હતું. વર્ષોથી ગાંધીના (Gandhi) ગુજરાતના નામે રાજ્યમાં દારૂબંધી લાગુ છે. જો કે, સૌથી વધુ દારૂનું વેચાણ અને પીવાય પણ ગુજરાતમાં જ છે. દારૂબંધીને લઈ વખતોવખત અનેક સંગઠનો, સંસ્થા, નેતાઓ દ્વારા દારૂબંધી હટાવી લેવા કે પછી કડક અમલવારીના નિવેદનો સામે આવ્યાં છે.
- ઝઘડિયા MLA છોટુ વસાવાની BTP પાર્ટીનાં મહિલા આગેવાન સરલા વસાવાનો આક્રોશ
- ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિનાં પૂર્વ ચેરમેન સરલા વસાવાએ કલેક્ટરને આવેદનપત્ર આપી કહ્યું
ભરૂચ જિલ્લામાંથી દારૂબંધી હટાવી લેવા વધુ એક નિવેદન સામે આવ્યું છે. સવિતાબાઈ ફુલે પ્રગતિ મહિલા સેનાના નેજા હેઠળ ઝઘડિયા MLA છોટુ વસાવાનાં પત્ની અને BTPનાં મહિલા આગેવાન અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સરલા વસાવાએ ક્યાં તો ગુજરાતમાં કડક દારૂબંધીનો અમલ સરકાર કરાવે અથવા દારૂની છૂટ આપી દે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
ગુજરાતમાં દારૂબંધીની ચર્ચા ઋતુચક્ર જેવી છે. દર થોડા મહિને વર્ષે નશાબંધીમાં કંઈક હલચલ થાય અને સૌ સભાનાવસ્થામાં ચર્ચા માંડે. સભાનાવસ્થામાં ચર્ચા ચાલે કે ભાન ગુમાવવાની ઈચ્છા કોઈને હોય તો રોકવાવાળી સરકાર કોણ? અર્થાત્ કોઈને મદ્યપાન કરવું હોય તો તેની મરજીની વાત છે. શા માટે પ્રતિબંધ? શા માટે નશાબંધી? આ વખતે એવો મુદ્દો આવ્યો છે કે બંધ દરવાજા પાછળ, ઘરમાં બેસીને પોતાની મરજી પ્રમાણે ખાણીપીણીમાં સરકાર કેવી રીતે દખલ કરી શકે જેવા પ્રશ્નનો સામે આવતા રહ્યા છે.
ગુજરાત દેશમાં સૌથી સુખી, શાંત અને સમૃદ્ધ છે? ટોપ ફાઇવમાં છે. પણ મહારાષ્ટ્ર, તમિલનાડુ જેવાં રાજ્યો આગળ છે. હરિયાણા અને પંજાબમાં પણ સમૃદ્ધિ વધારે છે. થોડા વર્ષ અગાઉ બિહારે પણ દારૂબંધી લાગુ કરવાનો નિર્ણય કર્યો-થયું શું? બિહારની એક સમસ્યા વધી. દારૂબંધીના ગેરકાયદે વેપારને રોકવામાં પોલીસ ધંધે લાગી અને દેશી નબળો દારૂ વધારે પીવાતો થયો. તેના કારણે લઠ્ઠાકાંડ પણ વધ્યા છે. ટૂંકમાં દારૂબંધી બહુ તાર્કિક લાગતી નથી. દુનિયાના સુખી, શાંત અને સમૃદ્ધ ગણાતા પ્રદેશોમાં પણ નશાબંધી નથી.
ગુજરાતમાં શા માટે દારૂબંધી રાખવામાં આવી છે? જે બાબતે હાલમાં જ ભાજપમાં જોડાયેલા પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયાએ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે ફરી એક વખત દારૂબંધી હટાવવાના કાયદાના સમર્થનમાં BTPનાં મહિલા આગેવાન અને શિક્ષણ સમિતિનાં પૂર્વ ચેરમેન સરલા વસાવા દ્વારા પણ નિવેદન આપી સરકારને દારૂબંધીનો કાયદો હટાવવા માટે ટકોર કરવામાં આવી છે.
સવિતાબાઈ ફુલે મહિલા પ્રગતિ સેનાના નેજા હેઠળ સરલા વસાવાએ આવેદન પાઠવ્યા બાદ કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે ક્યાં, રાજ્યમાં ક્યાં દારૂની છૂટ આપો અથવા દારૂબંધી કાયદાનો કડક અમલ સરકાર કરાવે. હાલ ગુજરાતનાં ગામડાંમાં થર્ડ કલાસ દારૂ મળી રહ્યો છે. જેમાં કેમિકલ નંખાતું હોવાથી યુવાનો નાની વયે મૃત્યુ પામી રહ્યા છે અને યુવતીઓ નાની વયે વિધવા અને નિરાધાર બની રહી છે. જો ગુજરાત સરકાર દારૂબંધીનો કડક અમલ ન કરાવી શકતી હોય તો પછી દારૂની છૂટ આપી દેવી જોઈએ. જેથી કરી ગુજરાતમાં સારો દારૂ મળે અને લોકો બચે.