એક વૃદ્ધ ફળવાળો, રસ્તાની એક બાજુ પર નાનકડો મંડપ બાંધી તરબૂચ વેચી રહ્યો હતો. તેણે મોટું બોર્ડ લગાવ્યું હતું કે એક તરબુચના ૨૫ રૂપિયા અને ૮૦ રૂપિયાના ૩ તરબુચ. એક યુવાન તેની પાસે આવ્યો અને પહેલાં એક તરબૂચ લીધું,૨૫ રૂપિયા આપ્યા.બીજું તરબૂચ લીધું ૨૫ રૂપિયા આપ્યા.ત્રીજું તરબૂચ લીધું અને બીજા ૨૫ રૂપિયા આપ્યા.ફળવાળાએ તેને ત્રણ તરબૂચ આપ્યા અને પૈસા લીધા.યુવાન મજાક કરતાં બોલ્યો, ‘કાકા, હવે તમારી ઉંમર થઇ ગઈ છે. ધંધો છોકરાઓને સોંપી આરામ કરો;તમને ધંધો કરતા જ નથી આવડતો લાગતો.મેં તમારી પાસેથી ૭૫ રૂપિયામાં ત્રણ તરબૂચ ખરીદ્યા અને પાંચ રૂપિયાનો મારો ફાયદો કરી લીધો.આ બોર્ડમાં તમે લખ્યું છે –‘એક તરબુચના ૨૫ રૂપિયા અને ૮૦ રૂપિયાના ૩ તરબુચ’ તમારું નુકસાન થયું અને મને ફાયદો.’
યુવાન હસતો હસતો તરબૂચ લઈને ગયો.કાકા હવે હસ્યા અને મનોમન બોલ્યા, ‘બધા આવે છે એક તરબૂચ લેવા અને પછી બોર્ડ વાંચી મનોમન ગણતરી કરી એક સાથે ત્રણ તરબૂચ લઇ જાય છે અને પાછા એમ વિચારે છે કે મને ધંધો કરતાં નથી આવડતું. અહીં મોટે ભાગે બધા એક તરબૂચ લેવાના ઈરાદાથી આવે છે, પણ આ બોર્ડ વાંચી મનમાં ગણતરી કરે છે અને ત્રણ તરબૂચ સાથે ખરીદી લઈને ૫ રૂપિયા બચાવી લીધાનો આભાસી આનંદ લે છે પણ વાસ્તવમાં ૨૫ રૂપિયાની જગ્યાએ મને ૭૫ રૂપિયાનો વકરો કરાવી જાય છે.મારો વધુ વેપાર સાચે થાય છે પણ તેમની કોઈ બચત થતી નથી. વાસ્તવમાં વધુ પૈસા વપરાઈ જાય છે.આ માનવમનની પરિસ્થિતિ છે.આટલાં વર્ષોના અનુભવથી મને સમજાઈ જ ગયું છે કે દરેક માણસ સ્વાર્થી છે.
લોભ અને લાલચ દરેકની અંદર છે અને જ્યાં જરાક પણ ફાયદો દેખાય, લોભી અને લાલચી મનુષ્ય અંધ બની જાય છે તેને માત્ર અને માત્ર પોતાના ફાયદામાં જ રસ હોય છે અને જરાક જેટલો ફાયદો દેખાય તો તે વિવેકબુદ્ધિ ખોઈને કંઈ પણ કરવા તૈયાર થઇ જાય છે અને હંમેશા પોતાનો ફાયદો શોધતા સ્વાર્થી અને લોભી મનુષ્યો પોતાને બીજા કરતાં વધુ હોંશિયાર સમજે છે, પણ વાસ્તવમાં સાવ નજીવા ફાયદા માટે તેઓ જરૂર કરતાં વધારે ખર્ચો કરી નાખે છે.’ આ હાસ્ય વ્યંગ પ્રસંગ મુખ પર એક સ્મિત તો આપે છે અને સાચે વિચાર કરતાં કરી મૂકે છે કે આપણે બધા જ આ લોભ લાલચના વિષચક્રમાં ફસાયેલાં છીએ.જીવનના દરેક ડગલે ને પગલે આ લોભ લાલચ અને સ્વાર્થથી સદા ચેતતા રહેવું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.