Editorial

ગર્ભાધાન અટકાવવાની જવાબદારી પણ સ્ત્રીની: ભારતીય પુરુષોની વાહિયાત માનસિકતા

વર્ષ ૧૯પ૨માં ભારતે કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ કર્યો. આ પ્રકારનો કાર્યક્રમ શરૂ કરનાર વિકાસશીલ દેશોમાં તે પ્રથમ દેશ બન્યો. દેશની વધતી જતી વસ્તીને અંકુશમાં રાખવા ઉપરાંત લોકોનું, કુટુંબોનું જીવનધોરણ સુધારવાનો અને બાળકોને બહેતર સુવિધાઓ મળી શકે તેવો પણ આ કાર્યક્રમનો હેતુ હતો. સમય જતા આ કુટુંબ નિયોજન કાર્યક્રમનું સ્વરૂપ બદલાતું પણ ગયું. કુટુંબ નિયોજનને બદલે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ નામ અમલી બન્યું. અમે બે, અમારા બે સૂત્ર ખૂબ પ્રચલિત બન્યું હતું. આ કાર્યક્રમ હેઠળ કુટુંબ મર્યાદિત રાખવા ખાસ કરીને ગરીબ વર્ગ માટે અનેક પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા. પુરુષ નસબંધી અને સ્ત્રી વંધ્યીકરણના ઓપરેશનો માટે નાણાકીય પ્રોત્સાહનો પણ જાહેર કરવામાં આવ્યા હતા.

અને આ બાબતમાં નોંધપાત્ર વાત એ છે કે સરકારી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો વગેરેમાંથી મળતા આંકડાઓ લાંબા સમયથી એ સૂચવતા આવ્યા છે કે કુટુંબ નિયોજન માટે પુરુષ નસબંધી કરતા સ્ત્રી વંધ્યીકરણ ઓપરેશનો જ ઘણા વધારે પ્રમાણમાં થતા રહ્યા છે. કારણ સ્પષ્ટ છે, કુટુંબ નિયોજન માટેની જવાબદારી પણ પુરુષો સ્ત્રીઓ પર ઢોળી દે છે. અમે શા માટે ઓપરેશન કરાવીએ? આ ઓપરેશનો તો સ્ત્રીઓએ જ કરાવવું પડે, તેવી ભારતીય પુરુષોની માનસિકતા રહી છે અને અફસોસની વાત એ છે કે આટલા વર્ષો પછી પણ પુરુષોની માનસિકતા બહુ બદલાઇ નથી. હજી પણ મોટા પ્રમાણમાં પુરુષો એમ જ માને છે કે ગર્ભ ધારણ અટકાવવાનું કામ પણ સ્ત્રીઓનું જ છે. અનિચ્છનીય ગર્ભધારણ અટકાવવા માટે સ્ત્રીઓએ જ જવાબદારી લેવી જોઇએ એવુ ઘણા ભારતીય પુરુષો આજે પણ માનતા હોવાનું હાલના એક સર્વેક્ષણ અહેવાલ પરથી જાણવા મળે છે. એટલું જ નહીં પત્નીઓ પર શંકા કરતા રહેવાની જૂની વિકૃતીઓ આજે પણ નોંધપાત્ર પ્રમાણમાં ચાલુ છે.

ભારતના ૩૫.૧ ટકા જેટલા પુરુષો માને છે કે ગર્ભનિરોધ એ સ્ત્રીઓનું કાર્ય છે એમ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(એનએફએચએસ)નો એક અહેવાલ જણાવે છે. ૧૯.૬ ટકા પુરુષો માને છે કે જે મહિલાઓ ગર્ભ નિરોધકોનો ઉપયોગ કરે છે તેઓ અનેક પુરુષો સાથે સંબંધો ધરાવનારી બની જઇ શકે છે. એમ પણ આ અહેવાલ જણાવે છે. સમજી શકાય છે કે ગર્ભાધાન અટકાવવાનું કામ અમારું નથી એવી જૂની માનસિકતા હજી પણ ઘણા પુરુષોમાં ચાલુ છે તો કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવાથી સ્ત્રી શિથીલ ચારિત્ર્યની બની જશે એવી જે માન્યતા હતી તે હજી પણ નોંધપાત્ર પ્રમાણમાં પુરુષોમાં પ્રવર્તે છે. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા બાદ સ્ત્રી બેધડક રીતે અન્ય પુરુષો સાથે સંબંધો બાંધશે કારણ કે તેને ગર્ભ રહી જવાનો ડર રહેશે નહીં એવી જે માન્યતા અગાઉ પ્રવર્તતી હતી તે આજે પણ ઠીક ઠીક પ્રમાણમાં પુરુષોમાં પ્રવર્તી રહી છે તે આ સર્વેક્ષણના તારણો પરથી સમજી શકાય઼ છે.

એનએફએચએસ-પ સર્વેક્ષણ દેશના ૨૮ રાજ્યો અને આઠ સંઘપ્રદેશોના ૭૦૭ જિલ્લાઓના ૬.૩૭ લાખ જેટલા ઘરોને નમૂના તરીકે લઇને કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં ૭૨૪૧૧પ મહિલાઓ અને ૧૦૧૮૩૯ પુરુષોને આવરી લેવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રીય અહેવાલ દેશના સામાજીક-આર્થિક તથા અન્ય પશ્ચાદભૂની સ્થિતિ અંગેની માહિતી પણ પૂરી પાડે છે જે નીતિ ઘડતર માટે અને અસરકારક રીતે કાર્યક્રમ અમલીકરણમાં પણ ઉપયોગી બની શકે છે. જે રાજ્યો અને સંઘપ્રદેશોમાં સર્વે કરવામાં આવ્યો હતો તેમાં ચંદીગઢમાં સૌથી વધુ ૬૯ ટકા પુરુષો એમ માને છે કે ગર્ભધારણ અટકાવવાનું કામ મહિલાઓનું છે અને તે બાબતે પુરુષોએ ચિંતા કરવી જોઇએ નહીં જ્યારે કેરળમાં જેમના પર સર્વે કરવામાં આવ્યો હતો તેમાંથી ૪૪.૧ ટકા એમ માનતા હતા કે જે મહિલાઓ ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરે છે તેઓ બહુપુરુષગામી બની જઇ શકે છે.

છેલ્લા કેટલાક દાયકાઓમાં આર્થિક અને જાહેર પ્રવૃતિઓમાં સ્ત્રીઓની ભાગીદારી ઘણી વધી છે. મોટા પ્રમાણમાં મહિલાઓ નોકરીઓ, વ્યવસાયોમાં શામેલ થઇ છે પરંતુ જૂનવાણી પુરુષવાદી માન્યતાઓ હજી પણ મોટા પ્રમાણમાં પ્રવર્તી રહી છે. અને આ જૂનવાણી માન્યતાઓને ઘણા સ્થળોએ સ્ત્રીઓનો જ એક વર્ગ પણ પ્રોત્સાહન આપતો રહ્યો છે. સ્ત્રી ભલે નોકરી કરતી હોય પણ રાંધવાનું, બાળકોને સાચવવાનું કામ અને ઘરકામ તો તેણે જ કરવું પડે તેવી માન્યતાને કારણે ઘણા કુટુંબોમાં નોકરીયાત મહિલાઓની હાલત ખૂબ કફોડી બની જાય છે. ઘરના કાર્યો કરવાની બાબતમાં આપણા દેશમાં ઘણા પુરુષો નોકરી કરતી પોતાની પત્નીની જરાયે મદદ કરતા નથી તે જ રીતે ગર્ભાધાન અટકાવવાની જવાબદારી પણ તેઓ પત્ની પર છોડી દે છે. પુરુષોની માનસિકતા બદલાય નહીં ત્યાં સુધી સ્ત્રીઓની સાચી સ્વતંત્રતા શક્ય નથી. લાગે છે કે પુરુષોની માનસિકતા બદલવા માટે પણ સરકારે કોઇ ખાસ કાર્યક્રમ અમલી બનાવવો પડશે.

Most Popular

To Top