National

કિશનવાડી ચાર રસ્તાથી સુપર બેકરી સુધીના દબાણો હટાવાયા

વડોદરા: વડોદરા શહેરના કિશનવાડી ચાર રસ્તાથી સુપર બેકરી તરફના માર્ગ ઉપર આડેધડ પાર્ક કરેલા વાહનો તથા લારીગલ્લા સહિતના દબાણો દૂર કરી તથા સ્વચ્છતા જાળવવા પાલિકાના અધિકારીઓએ પગપાળા ફેરણી કરી લોકોને સમજ આપી હતી.આમ વડોદરા શહેરમાં રસ્તા ઉપરના અવરોધ દૂર કરી સ્વચ્છતા જાળવવા પાલિકાએ નવતર અભિગમ હાથધર્યો છે.

વડોદરા શહેરમાં રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ અને ઠેરઠેર લારીગલ્લાના દબાણો તેમજ ગંદકી દૂર કરવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં ફેરણી કરી નવો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે.જેના ભાગરૂપે કિશનવાડી ચાર રસ્તાથી સુપર બેકરી તરફ જવાના માર્ગ ઉપર રસ્તામાં નડતરરૂપ લારીગલ્લાનાં દબાણો અને વાહનો સ્થાનિક રહીશોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ અને અધિકારીઓએ સમજાવી દૂર કરવામાં આવ્યા હતા.

તદઉપરાંત આ વિસ્તારમાં કચરાના નવા સ્પોટ ઉદભવતા અટકાવવા ઝુંબેશ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.આગામી દિવસોમાં પણ વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં આ પ્રકારની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ દરમિયાન કોર્પોરેશન દંડાત્મક કાર્યવાહી પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં હજી પણ કેટલીક બેદરકારી વ્યક્તિઓ મુખ્ય માર્ગો પર કચરાના ઢગલા કરીને જતી રહે છે.

તો વળી કેટલાક લોકો આડેધડ પોતાના વાહનો પાર્ક કરી અન્ય રાહદારી તથા વાહનચાલકો માટે જોખમ ઉભું કરતા હોય છે.તો બીજી તરફ એરફોર્સ સર્કલથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા સુધી રાત્રીના સમયે મુખ્ય માર્ગો ઉપર પશુઓનો જમાવડો દૂર કરવાની પણ માંગણી ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાલિકાએ આળશ મરોડી છે જોકે આ નિતિ વિશ્વામિત્રી નદી કિનારે થયેલા દબાણો પર વાપરે તો પાલિકાની આ કામગીરી ખરા અર્થમાં પ્રશંસાને પાત્ર બને તેમ કહી શકાય.

Most Popular

To Top