Vadodara

વાઘોડિયા રોડ પર પાલિકાની ગ્રીનબેલ્ટની જગ્યા પર દબાણ

વડોદરા: વડોદરા શહેરમાં કેટલાક ભૂમાફિઆઓ દ્વારા કોર્પોરેશનની જગ્યાઓ પર દબાણ કરવાના બનાવો બહાર આવી રહ્યાં છે. થોડાક દિવસો પહેલાં વિવાદાસ્પદ અને ચર્ચામાં રહેલા વ્હાઇટ હાઉસના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને હવે વાઘોડિયારોડ પર જ વ્હાઇટ હાઉસવાળી જગ્યાથી 800 મીટરના અંતરે જ પાલિકાની ગ્રીનબેલ્ટની જગ્યા પર વધુ એક દબાણની વિગતો સપાટી પર આવી છે. ત્યારે આ સમગ્ર મામલે કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દ્વારા સરકારી જમીન પર દબાણના આક્ષેપો સાથે આ સંદર્ભે લેન્ડગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે તેમણે વાઘોડિયારોડ ડીમાર્ટ સામેના વિશાળ શેડમાં ગોડાઉન બનાવી જમીન પચાવી પાડવાની કોશિશના આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર મામલે કલેક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી રજૂઆત પણ તેમણે કરી હતી.

વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ગ્રીનબેલ્ટની જગ્યામાં આજે પણ દબાણ છે અને એ દબાણની અંદર ગોડાઉન, નર્સરી ,કોઈ જગ્યા ઉપર ટી સ્ટોલ બનાવી દીધા છે. અને કોઈ કહે છે યુએલસીની જગ્યા છે. યુએલસીની જગ્યામાં 25 ચોરસ મીટરના પ્લોટ હોય છે. જે પ્લોટની અંદર એ બતાવે કે કેટલા જણને પ્લોટ એલોટ થયા હતા અને કેટલા ત્યાં રહેવા ગયા. પણ એક પણ માણસ હજી સુધી રહેવા ગયું નથી. બધા જ ફ્લેટો ભેગા કરી અબકડ નામ મૂકી યુએલસીમાંથી જગ્યા ફાજલ થઈ છે.તેવું મને માલુમ પડ્યું છે.જો યુએલસીમાંથી કલેક્ટરશ્રી બધા ચોપડા મંગાવે ચેક કરે કે કઈ રીતે ખોટું થાય છે.

સરકાર ઈચ્છે છે કે ગરીબોને મકાન મળે સરકાર ઈચ્છે છે જ ગરીબો સારી રીતે રહે તેમનું જીવન સ્તર ઊંચું આવે અને કોઈ સત્તા પર બેઠેલા કોઈકને એવું લાગે છે કે અમારી સરકાર બદનામ થઈ રહી છે. સરકાર બદનામ નહીં થાય કોઈ દિવસ જો સરકાર સાચી દિશામાં કામ કરે લોકોના હિતમાં કામ કરેલ લોકો માટે કામ કરે લોકોનું જીવન સ્તર ઊંચું લાવવાનું કામ કરે તો સરકાર બદનામ નથી થતી.સરકાર હંમેશા લોકોને ન્યાય મળે એ પ્રમાણે સરકાર ચાલવી જોઈએ. પણ અહીંયા વારંવાર રજૂઆત કરવા છતાં બોલવા છતાં અધિકારીઓ શું કરે એક બાજુથી પ્રેશર, બીજી બાજુથી પ્રેશર, ત્રીજી બાજુથી પ્રેશર.

કારણ કે મોટા લોકોના હાથ સંડોવાયેલા હોય તો કઈ રીતે છટકબારી ગોઠવવી એ તમામ બાબતે મને શંકાસ્પદ લાગે છે એટલે સરકારને મારે એક જ રજૂઆત છે કે તમે સરકાર અને સરકારની નીચે લોકો માટે કામ કરતું રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે. જે સાચી દિશામાં કામ કરે લોકોને ન્યાય મળે લોકોને જગ્યાઓ મળે.જે રીતે ભ્રષ્ટાચારી લોકો સરકારથી દબાઈ અને માલેતુંજાર બનતા હોય અને આવા લોકોને નસિયત અદા કરવાની તમારી ફરજ છે એ ફરજ અદા કરો તેવી અમારી માંગ છે.

Most Popular

To Top