વડોદરા : વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી નિર્માણધીન ઓવર બ્રિજમાં અવરોધરૂપ હોવાના બહાના હેઠળ પાલિકા તંત્ર દ્વારા ઓપી રોડ પરથી રાતોરાત તંત્ર ડેરીઓ તોડી પાડી કાટમાળ હટાવી લેવામાં આવ્યો હતો.જોકે નવલખી કમ્પાઉન્ડમાં કુત્રિમ તળાવ પાસે પડેલા કાટમાળમાં જીવંત હનુમાનજી દાદાની મૂર્તિ સહિતના દેવીદેવતાઓના ચલચિત્રવાળી ટાઈલ્સ મળી આવતા હિંદુવાદીઓએ સ્થળ પર ધરણાં કરતા તંત્ર દોડતું થયું હતું.રવિવારે સવારે મેયર,મ્યુ.કમિએ પાલિકાના અધિકારીઓને સાથે રાખી સ્થળ મુલાકાત લીધી હતી. અને ધરણા પ્રદર્શન કરી રહેલા ભક્તોને સાંભળ્યા હતા.અને સન્માનપૂર્વક મૂર્તિઓને અન્યત્ર મંદિરે મુકવામાં આવી હતી.
વડોદરા શહેરમાં 300 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલ સૌથી લાંબા ઓવરબ્રિજને અવરોધરૂપ ઓલ્ડ પાદરા રોડ ઉપરથી ભાથુજી મહારાજ બળીયાદેવ મહારાજ અને હનુમાનજી દાદાની ડેરીઓ તોડયા બાદ પાલિકા દ્વારા રાતોરાત મૂર્તિઓ સહિતનો કાટમાળ હટાવી લેવામાં આવ્યો હતો. જેને પાલિકાના અધિકારીઓ દ્વારા નવલખી કમ્પાઉન્ડના કુત્રિમ તળાવ પાસે ફેંકવામાં આવ્યો હતો.જેમાં હનુમાનજી દાદાની જીવંત લાગતી પ્રતિમા સહિત ભગવાનના ચલચિત્રો વાળી ટાઈલ્સો મળી આવતા હોબાળો મચ્યો હતો.
શહેરના નામાંકિત હિન્દુવાદી નેતા એડવોકેટ નીરજ જૈન,ટીમ ટીવોલ્યુશમના સ્વેજલ વ્યાસ સહિતના હિન્દુવાદીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ત્યાં જ રાતવાસો કરી જ્યાં સુધી પાલિકા માફી નહીં માંગે ત્યાં સુધી નહીં હટવાના પ્રણ લીધા હતા.તેમજ મેયર સહિતના પદાધિકારીઓ સ્થળ પર આવે ત્યાં સુધી તમામે રામધુન બોલાવી હતી.ત્યારે મેયર કેયુર રોકડીયા, મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ,ડે.મ્યુનિસિપલ સહિતના પદાધિકારીઓ અધિકારીઓ નવલખી કમ્પાઉન્ડ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં કાટમાળ નાખવામાં આવ્યો હતો ત્યાં મેયર કેયુરભાઈ રોકડિયાએ મૂર્તિને પુષ્પમાળા અર્પણ કરી હતી.તેમજ ધરણા પર બેસેલા નિરજ જૈન સહિતના લોકોએ આ મામલે નિરાકરણ લાવવા સાથે ચર્ચા પણ કરી હતી.
ચર્ચાના અંતે મેયર કેયુર રોકડીયાએ કાટમાળમાંથી મળી આવેલી મૂર્તિઓ ઓલ્ડ પાદરા રોડ ઉપરથી તોડી પડાયેલા દબાણો પૈકીની છે કે નહીં તે તપાસ કરી ફરીથી મૂર્તિ ત્યાં જ સ્થાપિત કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી.અને ત્યાં સુધી કાટમાળમાંથી મળી આવેલી મૂર્તિને તરસાલી શનિ મંદિરની બાજુમાં મંદિરમાં મુકવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો અને મૂર્તિનુ સ્થળાંતર કરવામાં આવ્યું હતું.હનુમાનજીની મૂર્તિને ફાયર બ્રિગેડની મદદથી તરસાલી શનિ મંદિર ખાતે લઈ જવામાં આવી હતી.જેમાં આમ આદમી પાર્ટી સહિતના હિન્દુવાદીઓ જોડાયા હતા.તરસાલી ખાતે મૂર્તિને લાવ્યા બાદ દૂધાભિષેક જળાભિષેક કરી તેનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું.તેમજ પ્રસાદી પણ વહેંચવામાં આવી હતી.
મંદિરના મહંતે જ્યાં સુધી પાલિકા દ્વારા ચકાસણી કરી મૂર્તિને મૂળભૂત જગ્યા પર સ્થાપિત કરવામાં આવે નહીં આવે ત્યાં સુધી મૂર્તિની પૂજા અર્ચના કરશે.પાલિકા જો મંજૂરી આપશે તો મૂર્તિની શનિ મંદિર ખાતે જ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની તૈયારી
બતાવી હતી.