સુરત: અમેરિકા (America) જેવી મહાસત્તાનાં પ્રમુખની કામગીરીની વાત આવે ત્યારે આપણે સ્વાભાવિક રીતે માની લઈએ કે તેઓની પાસે કામગીરીનો ઢગલો હશો અને અતિ વ્યસ્ત રહેતા હશે અને નાની નાની વાતો તરફ ધ્યાન આપવાનો સમય જ નહિં હોય. પરંતુ, આવી માન્યતાને અમેરિકન પ્રેસિડેન્ટ જો બાયડને ખોટી ઠેરવીને એક અદના અને તે પણ ઉંમરમાં સાવ નાના એવા ભારતીય કૂળના અમેરિકન વિદ્યાર્થીના સાદા કાગળ પર લખવામાં આવેલા ભાવનાસભર પત્રનો (Letter) જવાબ આપીને રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાની મહાનતા, ચીવટ અને સરળતાનો પરિચય આપ્યો છે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના તત્કાલિન પ્રમુખ આશિષ ગુજરાતીના સગાભાઈ જીજ્ઞેશ ગુજરાતી કે જેઓ 1998થી અમેરિકા ખાતે જઈને વસ્યા છે તેમનો 8 વર્ષનો પુત્ર આરૂષ એ અમેરિકી પ્રમુખ જો બાઈડનને એક સાદા કાગળ પર પોતાના હસ્તાક્ષરમાં પત્ર લખીને પૂછ્યુ હતું કે, “તમે રાષ્ટ્રપતિ કેવી રીતે બન્યા હતા, હુ આપને શી રીતે મદદ કરી શકું ? કેલિફોર્નિયા સ્ટેટમાં જંગલમાં લાગતી આગ અટકાવવા વિદ્યાર્થીઓ,નાગરિકો શુ યોગદાન આપી શકે? સૌના આશ્ચર્ય વચ્ચે તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા નાનકા આરૂષનાં પત્રનો જવાબ આવ્યો ત્યારે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.
આરૂષના લાગણીસભર પત્રનો પ્રત્યુત્તર આપતાં વિશ્વની મહાસત્તાનાં રાષ્ટ્રપતિ જો બાઈડેન લખે છે કે,“ પ્રિય આરુષ, મારી સાથે તમારા વિચાર પ્રદાન બદલ આભાર. વાઇસ પ્રેસિડેન્ટ હેરિસ અને મને વિદ્યાર્થીઓ પાસેથી સાંભળવું ગમે છે. તમારી નાની ઉંમરે પણ તમારામાં ભવિષ્ય બદલવાની અને ઈતિહાસ રચવાની શક્તિ છે.આપણો દેશ ઘણા પડકારોનો સામનો કરી રહ્યો છે, અને આપણી આગળ જે કાર્ય છે તે ખરેખર અઘરું છે. મને ખાતરી છે કે જો આપણે આપણા મતભેદોને બાજુ પર રાખીએ અને એક રાષ્ટ્ર તરીકે એકસાથે આવીએ, તો આપણે સકારાત્મક પરિવર્તન લાવી શકીશું. તે એટલુ સરળ નહીં હોય, અને અહિં મને તમારી મદદની જરૂર રહેશે.હું તમને જિજ્ઞાસુ, સર્જનાત્મક અને નિર્ભય રહેવા વિનંતી કરું છું. તમારા જેવા વિદ્યાર્થીઓ આપણા મહાન રાષ્ટ્રનું ભાવિ છો, અને તે અગત્યનુ છે કે તમે સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બોલો. જ્યારે તમે તમારો અવાજ સંભળાવો છો, ત્યારે વયસ્કો સાંભળે છે. હું તમને આવનારા વર્ષો માટે શુભેચ્છાઓ પાઠવું છું અને તમારું ભવિષ્ય ક્યાં લઈ જાય છે તે ભણી જોઉં છું. ખૂબ મહેનતથી ભણો. તમારી જાતને પડકારતા રહો. અને દયાળુ બનો.
અહીં ઉલ્લેખનીય છે કે આજથી થોડાક વર્ષો પૂર્વે આજ પરિવારની દીકરી સાયોના કે જેની ઉંમર આજે 14 વર્ષની છે તેણે તત્કાલિન પ્રમુખ બરાક ઓબામાને પત્ર લખ્યો ત્યારે તેમણે પણ આવીજ રીતે લાગણીસભર પ્રત્યુત્તર પાઠવ્યો હતો. આથી જરૂર કહી શકાય કે મહાન માણસો નાની નાની વાતોની કાળજી લેતા હોય છે અને અદના નાગરિકોની વાતોની નોંધ લેતા હોય છે. એમ પણ કહી શકાય કે, નાની વાતોની કાળજી અને અદનાઓના સંપર્કમાં રહેવાની આદતના લીઘેજ તેઓ ઉચાં હોદ્દે બેસીને મહાન બનતા હોય છે.