રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થઈ છે. આજે સંસદના બંને ગૃહોને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકારે યુવાનોના શિક્ષણ અને તેમના માટે રોજગારની નવી તકો ઊભી કરવા પર વિશેષ ધ્યાન આપ્યું છે. આ સાથે સરકારે ‘વન નેશન, વન ઈલેક્શન’ અને વકફ એમેન્ડમેન્ટ બિલની દિશામાં પગલાં લીધાં છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, આયુષ્માન ભારત યોજના હેઠળ, 70 વર્ષ અને તેથી વધુ વયના છ કરોડ વરિષ્ઠ નાગરિકોને સ્વાસ્થ્ય વીમો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મારી સરકારે આદિવાસી સમુદાયના પાંચ કરોડ લોકો માટે ‘ધરતી આબા આદિજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ શરૂ કર્યું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, સરકાર મધ્યમ વર્ગના પોતાના ઘરની માલિકીના સપનાને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
સંસદની સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, બે મહિના પહેલા બંધારણને અપનાવ્યાના 75 વર્ષની ઉજવણી કરાઈ હતી અને થોડા દિવસો પહેલા અમે અમારી 75 વર્ષની સફર પૂર્ણ કરી હતી. બધા ભારતીયો વતી હું નમન કરી બાબાસાહેબ આંબેડકર અને બંધારણીય સમિતિના અન્ય તમામ સભ્યોનો આભાર માનું છું.
મહાકુંભ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો
સંસદની સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કહે છે, “ઐતિહાસિક મહાકુંભ ચાલી રહ્યો છે.” તે આપણી સાંસ્કૃતિક પરંપરાઓ અને સામાજિક જાગૃતિનો તહેવાર છે. ભારત અને વિશ્વના કરોડો ભક્તોએ પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન કર્યું છે. મૌની અમાવસ્યાના દિવસે બનેલી દુર્ઘટના પર હું સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
