ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આવતીકાલે તા.૩જી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ (President) દ્રોપદી મૂર્મુ (Draupadi Murmu) હસ્તે સુપર સ્પેશિયાલિટી (Super specialty) હોસ્પિટલ, (Hospital) ટ્રોમા સેન્ટર અને રેન બસેરાનું ખાતમુહૂર્ત થશે. જયારે દ્રોપદી મુર્મુના હસ્તે રાજપીપળા જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું ઇ-ખાતમુહૂર્ત પણ કરાશે.જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે મંજૂરી મળતા નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ટ્રોમા સેન્ટર અને રેન બસેરાના બિલ્ડિંગનું આશરે રૂ.૩૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. નવી ૬૦૦ બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ૨૫૫ બેડનાં ટ્રોમા સેન્ટરની સુવિધા રહેશે.
બીમારીઓનું નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવશે
રેન બસેરા ખાતે દર્દીઓના સગાઓ માટે ૪૪૮ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાર્ડિઓલોજી વિભાગમાં કેથલેબ કે જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં આવશે તેમજ અદ્યતન મોડ્યૂલર કાર્ડિયાક ઓપેરશન થિએટર અને આઈ.સી.યુ જેમાં હૃદયને લગતી તમામ બીમારીઓનું નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવશે. કિડની સંબંધિત બીમારી માટે નેફ્રોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલિસિસ વોર્ડ બનાવવામાં આવશે.
બીમારીઓની પણ ઘનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે
તેમાં કિડનીને લગતી તમામ પ્રકારની બીમારીઓનું નિદાન તેમજ સારવાર પૂરી પાડવામાં આવશે. તે ઉપરાંત બર્ન્સ વિભાગમાં પ્લાસ્ટિક રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી જેવી ઉચ્ચ કક્ષાની સુવિધા આપવામાં આવશે. તેમજ શ્વાસ સંબંધિત બીમારીઓની પણ ઘનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે. ટ્રોમા સેન્ટર ખાતે તમામ પ્રકારની તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવશે.દ્રોપદી મુર્મૂના હસ્તે રાજપીપળા ખાતે નવી જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજને મંજૂરી મળતા કોલેજ અને હોસ્પિટલ રૂ. ૫૩૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર છે. તેનું ઈ ખાતમુહૂર્ત હાથ ધરાશે.