પોતાની માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને આદરને વ્યક્ત કરવા માટે 21 મી ફેબ્રુઆરીને યુનેસ્કોની સામાન્ય સભામાં માતૃભાષા દિનની ઉજવણી કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ દિવસ એ ફક્ત માતૃભાષાનો મહિમા કરવાનો દિવસ જ નથી પરંતુ સાચા અર્થમાં માતૃભાષા માટે આંદોલનનો દિવસ છે. કોઈ પણ વ્યક્તિ પોતાની માતૃભાષામાં જ પોતાના વિચારો ખૂબ સારી રીતે વ્યક્ત કરી શકે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગુજરાતી ભાષાના સંવર્ધન અને સંરક્ષણ માટે ભરપૂર પ્રયત્નો થઈ રહ્યા છે. શિક્ષણજગતમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અંગ્રેજી માધ્યમ માટેની ઘેલછા સતત વધતી જાય છે.
ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ પડી રહી છે પરિણામે ગુજરાતી માતૃભાષાની સતત અવગણના થતી જાય છે. તેથી આપણી માતૃભાષા ગુજરાતીનું જતન અને સંવર્ધન કરવાની આપણી સામુહિક જવાબદારી બને છે. આપણે ગુજરાતીઓ પણ ધીમે ધીમે જાણે માતૃભાષાથી વિમુખ થઈ રહ્યાં હોઈએ એવું લાગે છે. એવું કહેવાયું છે કે જે સમાજ માતા, માતૃભૂમિ અને માતૃભાષાનું યોગ્ય રીતે જતન નથી કરતો એ સમાજ અધોગતિને પામે છે.
ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં એક લાખ જેટલાં વિદ્યાર્થીઓ નાપાસ થાય એ સમાચાર ચિંતા ઉપજાવે એવા છે. આ સંજોગોમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણયો લેવાની આવશ્યકતા છે. માતૃભાષાના સંવર્ધન માટે આપણે સૌએ સામુહિક રીતે ચિંતા અને ચિંતન કરવાં પડશે. ગુજરાતી ભાષાના સંવર્ધન માટે હું સૌને વ્યક્તિગત રીતે નમ્ર અપીલ કરું છું. આજના વિશ્વ માતૃભાષા દિવસે માતૃભાષા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું.
નવસારી – ડો. જે. એમ. નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
