SURAT

સચીન GIDCના ઉદ્યોગકારોનો વીજ સમસ્યાનો મુદ્દો સરકાર સમક્ષ ઉઠાવાશે, ધારાસભ્યને રજૂઆત

સ્માર્ટ સિટી સુરતમાં આવેલી સચીન જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમોને પૂરતો વીજપુરવઠો મળી રહ્યો નથી. અનેકોવાર આ મામલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને રજૂઆત કરવા તેનો નિકાલ ન થતાં આખરે ઉદ્યોગકારો હવે આ પ્રશ્નને ગુજરાત સરકાર સમક્ષ ઉઠાવવા માંગે છે. આ મામલે આજે ઉદ્યોગકારોએ ધારાસભ્ય સંદીપ દેસાઈને રજૂઆત કરી હતી.

સચીન જીઆઇડીસી ઔદ્યોગિક વિસ્તારમાં 105 ફીડરો કાર્યરત છે. છેલ્લા પણાં સમયથી ઝીરો પાવર તથા વીજ સપ્લાય ખોટકાવાની સમસ્યાનો અહીંના ઉદ્યોગકારો સામનો કરી રહ્યાં છે. આખી જીઆઈડીસીના દરેક સબ સ્ટેશનોમાંથી નીકળતા ફીડરોમાં વીજ સપ્લાય બંધ થઈ જાય છે. જેથી ઉદ્યોગો વારંવાર બંધ થઈ જતાં કરોડો રૂપિયાનું નુકશાન થાય છે.

આ મામલે સચીન જીઆઈડીસીના ઉદ્યોગકારો દ્વારા જેટકો અને ડીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ જોડે બે વખત રૂબરૂ મીટીંગો કરી સમસ્યાનું નિરાકરણ લાવવા રજુઆતો કરી છે. પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. હાલ એ જ પરીસ્થિતી છે. દરરોજ ઝીરો પાવર થઈ જાય છે. દરમિયાન આજે તા. 13 માર્ચના રોજ પણ જીઆઈડીસીના એ, ડી, ઈ અને બી સબ સ્ટેશનનાં અમુક ફીડરો ઝીરો પાવર થઈ જતા ઉદ્યોગકારો રોષે ભરાયા છે.

આખરે સચીન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટી દ્વારા આ બાબતે ધારાસભ્ય સંદીપ દેસાઈને રજૂઆત કરવા પહોંચી ગયા હતા. સોસાયટીના પ્રમુખ નિલેશ ગામી, સેક્રેટરી મયુર ગોળવાળા સહિતના આગેવાનોએ ધારાસભ્ય સંદીપ દેસાઈને સચીન જીઆઈડીસીની વીજ સમસ્યાનો પ્રશ્ન ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવા રજૂઆત કરી હતી. જીઆઈડીસીના ઉદ્યોગોને ક્વોલીટી પાવર મળી રહે તે અંગે કાર્યવાહી કરવા વિંનતી કરાઈ હતી.

Most Popular

To Top