Charchapatra

આપસ્તુતિ

કેટલાકને આપસ્તુતિ કરવાની ખોટી ટેવ હોય છે. અલબત્ત, બુદ્ધિશાળી હોય અને ક્યારેક બડાઈ મારે તો ચાલી પણ જાય પણ જ્યારે જુઓ ત્યારે પોતાની એટલી તારીફ કરે કે સામે હોય તેને કંટાળો આવી જાય. ઘણાં કહેવાતાં સિનિયર લોકો જુનિયર સામે એટલી બડાશ મારે અને પોતાનું ચડિયાતાપણું દર્શાવે. જુનિયર હોય તેમણે અનિચ્છાએ પણ વાત સાંભળવી પડે, વળી રસપૂર્વક વાત સાંભળવી પડે. જ્યાં જુઓ ત્યાં ખોટી ફિશિયારી! પોતે હોશિયાર છે, બુદ્ધિશાળી છે એવું જાહેરમાં વારંવાર બતાવ્યા કરે એ કેમ ચાલે? બુઝુર્ગ હોય ત્યારે વાત ધ્યાનમાં લેવી જોઈએ. માન, મોભો અને પૂજયભાવે વાત સાંભળો એમાં કશું ખોટું નથી. 

મેં એવી વ્યક્તિ જોઈ છે જે પોતાનાં પરાક્રમ ગાવા, શેખી મારવાની એકેય તક છોડતાં નથી. એવી ફુલાશ મારે કે સૌ જાણીને જે તે વ્યક્તિ તરફ દુર્લક્ષ રાખે. તે વ્યક્તિની સારી ટેવ પણ, બડાઈ મારવામાં ઝાંખી પડી જાય! દરેક જગ્યાએ મોટાઈ ન ચાલે, નમ્ર ભાવે બીજાની વાતો સાંભળીએ તો સૌને ગમે. ક્યારેક તો આપસ્તુતિ કરવામાં વ્યક્તિ સારા-નરસાનો ભેદ ભૂલીને વર્તન કરે. બીજાને ઝાંખા પાડવાની દોડમાં પોતે પાછળ રહી જાય. કેટલાંક તો બોલવાનું હોય ત્યાં પણ શાંત રહે. જ્યારે જે રજૂઆત કરવાની હોય ત્યાં સમયસર બોલવામાં શાણપણ છે.

ક્યારે બોલવાનું અને ક્યારે શાંત રહેવાનું એટલું આવડી જાય તો મોટે ભાગની સમસ્યાઓનો ઉકેલ આવી જાય. છૂટા પડીએ ત્યારે કહે કે “એ પ્રશ્નનો જવાબ મને આવડતો હતો.” ભાઈ મારા, તે સમયે બોલ્યા હોત તો તમામ પ્રશ્નોનો જવાબ મળી જાત! ટૂંકમાં આપસ્તુતિ ઓછી કરીએ, હોશિયાર હોય તે આગળ આવે તેમ કરીએ. કોઈને પ્રેરણા આપી માર્ગદર્શન મળે તેવા પ્રયાસો કરવામાં સમજદારી છે.
નવસારી – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top