નવી દિલ્હી: ઈઝરાયેલ-હમાસ (Israel-Hamas) યુદ્ધ વચ્ચે ઈઝરાયેલ અને ઈરાન (Israel-Iran) સાથે યુદ્ધનો (War) ભય પણ વધી ગયો છે. જેના કારણે અમેરિકા (America) હાઈ એલર્ટ પર છે. જો આ યુદ્ધ થશે તો ત્રીજા વિશ્વયુદ્ધનો ભય પ્રબળ બનશે. ગયા અઠવાડિયે સીરિયામાં ઈરાની એમ્બેસી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 7 ઈરાની જવાનો માર્યા ગયા હતા.
આ હુમલા બાદ ઈરાને યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી છે. ઈરાને ઈઝરાયલ વિરુદ્ધ આ હવાઈ હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. આવી સ્થિતિમાં ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની પ્રબળ સંભાવનાને ધ્યાનમાં રાખીને અમેરિકા દરેક પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ શરૂ થયા બાદ હવે ઇઝરાયેલ અને ઇરાન યુદ્ધથી અમેરિકામાં તણાવ ચરમસીમા પર છે. આ સાથે જ ઈરાન ગાઝામાં ઈઝરાયેલ હુમલાનો પણ વિરોધ કરી રહ્યું છે.
પરંતુ જો યુદ્ધ રોકવામાં નહીં આવે તો ઈરાનના સમર્થક ઉગ્રવાદીઓ અને આતંકવાદી જૂથો ઈઝરાયેલ પર હુમલો કરશે. જેમાં મિલિશિયા, હિઝબુલ્લાહ અને હુથી જેવા આતંકવાદી જૂથોનો સમાવેશ થાય છે. આતંકવાદી સંગઠન હમાસ સામે છ મહિનાથી યુદ્ધ લડી રહેલા ઈઝરાયેલને હવે વધુ એક યુદ્ધનો સામનો કરવો પડી શકે છે.
ઈરાનની યુદ્ધ માટે તૈયારી જાહેર
સીરિયામાં પોતાના દૂતાવાસ પર હુમલા બાદ ઈરાને કહ્યું છે કે તે યુદ્ધ માટે તૈયાર છે અને ઈઝરાયેલને ‘વડતો જવાબ’ આપશે. તેમજ ઈરાનની આ ટિપ્પણીઓ દમાસ્કસમાં તેમના વાણિજ્ય દૂતાવાસ પર ઇઝરાયેલી હવાઈ હુમલા પછી આવી છે. જેમાં બે જનરલ સહિત ઓછામાં ઓછા સાત ઈરાનીઓ માર્યા ગયા હતા.
અમેરિકાની સાથે ઈઝરાયેલ પણ એલર્ટ પર છે
ઈરાન તરફથી હુમલાની ધમકી મળ્યા બાદ ઈઝરાયેલ એલર્ટ પર છે. ઈઝરાયેલે તેના સૈનિકોની હોમ લીવ રદ કરી દીધી છે. તેમજ રિઝર્વ ફોર્સને પણ બોલાવવામાં આવ્યા છે અને શહેરોમાં હવાઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઇઝરાયેલી સૈન્યએ પણ GPS-નેવિગેટેડ ડ્રોન અથવા મિસાઇલોને અટકાવવા માટે ગુરુવારે તેલ અવીવ પર નેવિગેશન સિગ્નલો તોડ્યા હતા.
ઈરાનમાં નવી સરકારે ઈઝરાયેલને “નાનો શેતાન” કહેવાનું શરૂ કર્યું
દરમિયાન ઈરાનમાં નવી સરકારની રચના બાદ ઈઝરાયેલ સાથે દુશ્મનીના મૂળ વધુ ઊંડા થતા ગયા. ઈરાને ઈઝરાયેલને નાનો શેતાન અને અમેરિકાને સૌથી મોટો શેતાન કહેવાનું શરૂ કર્યું. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની અથડામણો માત્ર વિચારધારા અથવા પ્રોક્સી જૂથો સુધી મર્યાદિત નથી, પરંતુ બંને દેશો વારંવાર એકબીજા પર હુમલા કરે છે.
આ કારણે “શેડો વોર” તરીકે ઓળખાતો સંઘર્ષ આ પ્રદેશના અન્ય ઘણા દેશોમાં ફેલાયો છે. આ બે મધ્ય પૂર્વીય દેશો વચ્ચેના છાયા યુદ્ધમાં લેબનોન એક યુદ્ધભૂમિ તરીકે ભૂમિકા ભજવે છે. તેમજ હાલ હિઝબુલ્લા સમૂહ આ ક્ષેત્રમાં ઈરાનના હિત માટે પ્રોક્સી તરીકે ઉભરી રહી છે.