સુરત: ગણપતિ બાપ્પાને વિદાઈ આપી દર વર્ષની જેમ સુરત(Surat)માં નવરાત્રીની તૈયારીઓ(Navaratri preparation) શરુ થઇ ગઈ છે, જેનાથી સુરતીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ‘કેસરિયા'(Kesariya) થીમ ઉપર બનાવયેલ સરસાણા(Sarasana) ડોમની તૈયારી આકર્ષણનું કેન્દ્ર બની છે. ખાસ રાજસ્થાનથી બોલાવવામાં આવેલા કારીગરોએ ડોમને મંદિરમાં રૂપાંતરિત કરી દીધું છે.
સુરતના સરસાણા ખાતે યોજાતી નવરાત્રિ સુરતીઓ માટે પહેલી પસંદ બની ગઈ છે. અહીં ખેલૈયાઓને દસે દસ દિવસ મોજથી મન મૂકીને ગરબા રમતા જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં નવરાત્રીનો અનોખો રંગ જામવાનો છે, જેનોં ઉત્સાહ ખેલૈયાઓ અને આયોજકોમાં હમણાથીજ જોવા મળી રહ્યો છે. સરસાણાની આ વર્ષની કેસરિયા નવરાત્રિમાં આખી થીમ મંદિર આધારિત બનાવવામાં આવી છે. ખેલૈયાઓને એવું લાગશે કે જાણે તેવો મંદિરના પ્રાંગણમાં જ ગરબા રમી રહ્યા છે.
રાજસ્થાનના જયપુરથી શ્રેષ્ઠ 8 મૂર્તિકારો અને ડિઝાઈનરોને આયોજક દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સુરત બોલાવી લેવામાં આવ્યા છે. સરસાણા ખાતે જે કેસરિયા નવરાત્રિનું આયોજન કરવામાં થશે, તેમાં આ કારીગરો સેટ ઊભો કરશે. છેલ્લા ત્રણ મહિનાથી કરોડો રૂપિયાના ખર્ચે પ્લાયવુડનો ઉપયોગ કરીને સેટ તૈયાર કરાયો છે. કારીગરો દ્વારા નાની-નાની બાબતોને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એક નજરે જ્યારે તમે અંદર પ્રવેશો ત્યારે એવું લાગશે કે જાણે કોઈ વિશાળ મંદિરમાં આવી ગયા છો.

આ અંગે આયોજક કેવલ જાસોલિયાએ જણાવ્યું હતું કે, સરસાણામાં અત્યાર સુધી ઘણી વખત નવરાત્રિનું આયોજન થઈ ચૂક્યું છે. આ પ્રકારનું ભવ્ય આયોજન સુરતીઓએ પણ ક્યારેય જોયું ના હોય તે રીતે અમે આ વખતે તૈયાર કરી રહ્યાં છે. ખૂબ જ શ્રદ્ધા, ભાવપૂર્વક માતાની આરાધનાનું આ પર્વ છે, ત્યારે ખેલૈયાઓ પણ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક નવરાત્રિ મહોત્સવ ઊજવતા હોય છે. ખાસ કરીને આપણા સુરતીઓની તો વાત જ અલગ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઉત્સાહ-ઉમંગ સાથે ધાર્મિક વાતાવરણ પણ જળવાઈ રહે એ માટે અમે ખાસ મંદિરનું આકર્ષણ ઊભું કર્યું છે. પાંચ એકર જમીનનો અમે નવરાત્રિના આયોજન માટે ઉપયોગ કરી રહ્યા છે. તેમાં ખેલૈયા માટે જે સ્પેસ તૈયાર કરી છે તે મંદિરની થીમ આધારિત છે. અહીં ખેલૈયાઓને મંદિરના પરિસર જેવો જ અનુભવ થશે. રાજસ્થાનના કારીગરો અને આર્ટ ડિઝાઇનરોએ ખૂબ મહેનતથી આખો સેટ તૈયાર કરી દીધો છે.
