નડિયાદ: કપડવંજના આંત્રોલી ગામની પરિણીતાને તેના પતિ અને સાસરિયાએ પેટમાં લાતો મારી હતી. તે ગર્ભવતી હોવાની જાણ હોવા છતાં આ નરાધમોની કરતૂતોથી અરેરાટી વ્યાપી ગઇ હતી. આ અંગે પોલીસે છ સામે ગુનો નોંધ્યો હતો. અમદાવાદના ઓઢવમાં રહેતાં જયેન્દ્ર ઉર્ફે જીગ્નેશભાઈ શનાભાઈ વાળંદની પુત્રી કૃપાના લગ્ન સાત મહિના અગાઉ કપડવંજના આંત્રોલીમાં રહેતાં વિશાલ શૈલેષભાઈ શર્મા સાથે થયાં હતાં. લગ્ન બાદ ત્રણ મહિના સુધી આંત્રોલી ખાતે સંયુક્ત પરિવારમાં રહ્યાં બાદ વિશાલ અને કૃપા અમદાવાદ રહેવા ગયાં હતાં. જ્યાં વિશાલ દારૂ પીને પત્નિ કૃપા સાથે ઝઘડો કરતો હતો. તેમજ પત્નિ કૃપાને પણ દારૂ પીવા દબાણ કરતો હતો. જો કૃપા દારૂ પીવાની ના પાડે તો વિશાલ મારઝુડ કરતો હતો. કૃપા કંટાળી ગઈ હતી. જેથી તે 28મી નવેમ્બરના રોજ તેના પિયર જતી રહી હતી.
જે બાદ 15મી ડિસેમ્બરના રોજ કૃપા ગર્ભવતિ હોવાનું જણાઈ આવ્યું હતું. કૃપાના માવતરે આ અંગેની જાણ તેના પતિ અને સાસરીયાઓને કરી હતી. જોકે, તેઓએ આ વાત માની ન હતી અને તે ગર્ભવતિ હશે તો પણ અમારે છોકરૂ રાખવાનું નથી તેમ જણાવ્યું હતું. જે બાદ કૃપાના માતા-પિતા, ભાઈ, મામા, ફોઈ-ફુવા 19મી ડિસેમ્બરના રોજ કૃપાને લઈને તેની સાસરીમાં ગયાં હતાં. તે વખતે કૃપાના પતિ તેમજ સાસરીયાએ બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો. દરમિયાન વિશાલે પત્નિ કૃપાને લાફો મારી દીધો હતો.
જે બાદ નણંદ સોનલ, સાસુ સંગીતાબેન, સસરાં શૈલેષભાઈએ ભેગાં મળીને ગર્ભવતિ કૃપાને મારમારી જમીન પર પાડી દીધી હતી અને પેટના ભાગે લાતો મારી હતી. દરમિયાન કૃપાને બચાવવા માટે તેના પિયરીયાઓ ઝઘડામાં વચ્ચે પડ્યાં હતાં. તે વખતે તેઓએ કૃપાના પિયરીયાઓ સાથે પણ ઝપાઝપી કરી હતી. જ્યારે હિતેશ અને રાજુ (બંને રહે.આંત્રોલી) એ કૃપાના સાસરીયાઓને ઝઘડો કરવા માટે ઉશ્કેરણી કરી હતી. જેથી કૃપાના સાસરીયાઓએ અમારે સમાધાન કરવું નથી, તમારી છોકરીને તેડી જાવ, બાળક થશે તો અમે અમારૂ બાળક લઈ લઈશું અને કૃપાને છુટાછેડા આપી દઈશું તેવું જણાવ્યું હતું. જેથી કૃપા અને તેના પિયરીયાઓ ત્યાંથી નીકળી ગયાં હતાં.
જે બાદ ગર્ભવતિ કૃપાને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં દવાખાનામાં લઈ જઈ રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં પેટમાં વાગવાથી તેનો ગર્ભ ડેમેજ થયો હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ તબીબે ગર્ભનો નિકાલ કરવામાં નહીં આવે તો જોખમ હોવાનું તબીબે જણાવ્યું હતું. જેથી, જયેન્દ્રભાઈએ આ મામલે પુત્રીના પતિ વિશાલ શૈલેષ શર્મા, સસરાં શૈલેષ રામા શર્મા, સાસુ સંગીતા શૈલેષ શર્મા, નણંદ સોનલ નુતન શર્મા તેમજ હિતેશ અને રાજુ પટેલ સામે આતરસુંબા પોલીસમથકમાં ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.