નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 21 જુનથી 24 જુન દરમિયાન અમેરીકાના (America) પ્રવાસે જવાના છે. આ પહેલા રક્ષા મંત્રાલયે (Ministry of Defence) ગુરૂવારે અમેરીકા સાથેની પ્રિડેટર ડ્રોન (Predator drone) ડિલને મંજુરી આપી દીધી છે. હવે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી(CCS) દ્વારા તેને અંતિમ મંજૂરી આપવામાં આવશે. ઈન્ડિયન નેવી દ્વારા આ ડ્રોનની માંગ કરવામાં આવી હતી. પરંતુ મેક ઈન ઈન્ડિયા પોજેક્ટના લીધે તેના પર રોક લગાવવામાં આવ્યો હતો. આ ડ્રોન એક વાર ઉડાન ભર્યા પછી 1900 કીલોમીટરના વિસ્તારમાં નજર રાખી શકે છે.
આ પ્રિડેટર ડ્રોન અમેરીકન કંપની ‘જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ્સ’ (GA-ASI) દ્વારા બનાવવામાં આવ્યું છે. અમેરિકાએ આ ડ્રોનનો ઉપયોગ તાલિબાન તથા આઈએસઆઈએસ વિરુદ્ધ કર્યો હતો. ઈન્ડિયન નેવીના ભૂતપૂર્વ વાઇસ ચીફ વાઈસ એડમિરલ એસએન ઘોરમાડેએ જણાવ્યું હતું કે ભારતની પાસે વિશાળ દરિયાઈ સીમા છે. સાથે પશ્ચિમ અને ઉત્તરીય વિસ્તારોમાં કેટલાક દેશો સાથે પણ ભારતની સરહદો છે. જેના પર ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. જેમાં આ ડ્રોન મદદ રૂપ થઈ શકે છે. રક્ષા મંત્રાલય દ્વારા આ ડીલને મંજૂરી આપવામાં આવી તે ખુબ જ સારી વાત કહેવાય.
આ ડ્રોન 35 કલાક સુધી ઉડી શકે છે
પ્રિડેટર ડ્રોનનું પૂરું નામ MQ-9B સીગાર્ડિયન (MQ-SeaGuardian) ડ્રોન છે. આ ડ્રોન 35 કલાક સુધી ઉડી શકે છે. આ પ્રિડેટર ડ્રોન સંપુર્ણ રિમોર્ટ કંટ્રોલ આધારીત છે. એક રિપોર્ટ અનુસાર આ ડ્રોન એક કલાકમાં 482 કિલોમીટર ઉડી શકે છે. પ્રિડેટર ડ્રોનની પાખોની લંબાઈ 65 ફિટ 7 ઇંચ છે. જ્યારે તેની ઉંચાઈ 12 ફુટ 6 ઇંચ છે. આ ડ્રોન એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે જમીન અને સમુદ્ર બંને પર ઉડી શકે છે અને સાથે તે આર્મીના મીશનમાં પણ મદદ રુપ થઈ શકે છે.
ઈન્ડિયન નેવીને 2020માં અમેરીકા પાસેથી એક વર્ષ માટે લીઝ પર બે ‘MQ-9B’ સી ગાર્ડિયન ડ્રોન મળ્યા હતા. આ ડ્રોનનો ઉપયોગ ગુપ્ત માહિતી ભેગી કરવા અને દુશ્મનના લક્ષ્યોને નષ્ટ કરવા જેવી બાબતો માટે કરી શકાય છે. હાલ આ ડ્રોન ત્રણેય સેનાઓ માટે ખરીદવામાં આવી રહ્યા છે. MQ-9B ડ્રોન MQ-9 ‘રીપર’નું બીજું વર્ઝન છે. ભારત જે વર્ઝન ખરીદવા જઈ રહ્યું છે તે વિશ્વનું સૌથી અદ્યતન ડ્રોન હોવાનું કહેવાય છે.