હાલમાં પ્રિવેડિંગ ફોટો શૂટની પ્રથા ખૂબ જોરમાં ચાલી રહી છે. આ સમાજ માટે દૂષણરૂપ છે. હદ તો ત્યારે થાય છે જયારે મા-બાપ પોતે જ પ્રિવેડીંગ માટે દીકરીને લગ્ન પહેલાં જ છોકરા સાથે દિવસ-રાત મોકલે છે. આવી રીતે ખુલ્લેઆમ ઉઘાડા અંગ અને એકબીજા સાથે અડીને અભદ્ર એટલે કે જોતાં પણ શરમ આવે એવા ફોટો વિડિયો બનવી શેર કરવાની વૃત્તિને ઘેલું લાગ્યું છે એનાથી માવતરની આબરૂ વધશે કે ઘટશે? દરેક પુરુષે પોતાની થનાર પત્નીની ઇજ્જત ઢાંકવાની હોય કે એને સરેઆમ ઉછાળવાની? જે સમાજ આ રીત અપનાવીને પોતાની સંસ્કૃતિની મર્યાદાને ભૂલે છે એ સમાજનું અધ:પતન નિશ્ચિત જ છે એમ લાગે છે. મનમાં વિચાર આવે છે કે સમાજ આવા અવનવા વાહિયાત પ્રયોગો અપનાવીને લોકોને શું બતાવવા માંગે છે એ જ સમજાતું નથી. નવાઇ ત્યારે લાગે છે આપણે કયારે આવાં દૂષણોમાંથી મુકત થઇશું?
સુરત – શીલા એસ. ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અણીના સમયે સાચવે તે તમારાં સગાં
અત્યંત કપરા સમયમાં સ્વજને કે સગાને, (શુભપ્રસંગ પણ આવરી લેવાય), અંગત લોહીની સગાઈવાળાને સુધ્ધાં ઘણી વાર વાંકું પડે, પડખે ઊભા રહેવાની વાત તો બાજુ પર રહે, એંટમાં જાય અને આંગળી ઝાલનારની ટીકા પણ થાય.સંજોગોનો ભોગ બનેલા તો તણખલાંનો પણ સહારો શોધે. અને જે પહેલો સામે મળે તેને તારણહાર માને. ભલે ને લોહીની સગાઈવાળા કહે આંગળીથી નખ વેગળા. અરે ભાઈ, આવા સમયે તાળી પાડવા, તમાશો જોવા ઘણાં આવે, પણ મુશ્કેલીની, મૂંઝવણની, ક્ષણોમાં સહારો, ટેકો, આશ્વાસન આપનાર, આંગળી ઝાલનાર જૂજ મળે. ઋણ અદા કરનાર પણ કેટલાં? વિદેશોમાં પડોશમાં મરણ થાય તો પણ ખબર ન પડે. ભારતીય સામાજિક અવરજવર વ્યવહાર ત્યાં નહિ અલ્પ. સદરહુ સંજોગમાં વર્ષોના પડોશી ઘરમાં કામ કરતી કામવાળી, નિયમિત મંદિરને આંગણે બેસતો ભિખારી પણ હવે કેમ છે? એટલું પૂછતાં આત્મીયજન લાગે. વાત, વર્તનમાં હૂંફ આપે એ જ સાચો સગો, ગુરુ, મિત્ર તથા સગો. ઈંતેજારભર્યાં આસુભીનાં લોચનિયાં એ જ પુરાવો.
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.