SURAT

સુરતમાં પ્રી મોન્સુન કામગીરી શરૂ, કોઝવે પર બંને બાજુ વાંસની આડશ કરાઈ

સુરત: સુરત શહેરમાં ચોમાસું શરૂ થવાના સંકેત મળવા લાગ્યા છે. છેલ્લાં ત્રણ દિવસ દરમિયાન મોડી રાત્રે વરસાદી ઝાપટા વરસ્યા છે. હજુ ધોધમાર વરસાદ ચાલુ થયો નથી. ચોમાસું વિધિવત બેસે તે પહેલાં તંત્ર દ્વારા સુરત શહેરમાં પ્રી મોન્સુન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે. સુરત જિલ્લામાં પણ મેઘરાજાની ધીમ ધારે પધરામણી થઈ ચૂકી છે. ત્યારે ભારે વરસાદ પડે તે અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા દરવર્ષની જેમ પ્રી-મોન્સૂન કામગીરીનો ધમધમાટ છેલ્લા ઘણા સમયથી આદરી દેવામાં આવ્યો છે. રાંદેર અને કતારગામને જોડતા કોઝ વે પર લોખંડની ગ્રીલ કાઢીને વાંસની આડશ બાંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

કોઝ વે પર બન્ને બાજુ દર વર્ષે ચોમાસું શરૂ થાય તે અગાઉ લોખંડની ગ્રીડ કાઢી નાખવામાં આવે છે. વરસાદી પાણીમાં કોઝ વેની સપાટી 6 મીટરથી ઉપર જતી રહે ત્યારે ધસમસતા પાણીમાં આ ગ્રીલ તણાઈ ન જાય તે માટે વાંસની આડશ લગાવવામાં આવતી હોય છે. જો કે ભારે પાણીના પ્રવાહમાં કંઈક મોટી વસ્તુ તણાઈ આવે ત્યારે વાંસની આડશ પણ ટક્કર ઝીલતી નથી.

વાંસની આડશ બાંધવાનું સવારથી શરૂ કરી દેવાાં આવ્યું હતું. શ્રમિકો દ્વારા વાંસની આડશને કાથીની દોરીથી બાંધી દેવામાં આવી છે. જો કે, આ વર્ષે પણ સારું ચોમાસું હોવાની અટકળો વહેતી થઈ હોવાથી કોઝ વે આ વખતે પણ ઘણા દિવસો બંધ રહેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top