તા.૧૪ ઓગષ્ટ ના ‘ગુજરાતમિત્ર’માં ‘ જો પુનર્જન્મ હોય તો ‘ એ શીર્ષક હેઠળનું શ્રી એન. વી. ચાવડાનું ચર્ચાપત્ર વાંચ્યું. તેમની વાત તદ્દન સાચી છે કે અન્ય ધર્મો પુનર્જન્મમાં માનતા નથી અને પુનર્જન્મનો ખ્યાલ માત્ર વર્ણવ્યવસ્થાને સાચી ઠેરવવા ઉપજાવી કાઢવામાં આવ્યો છે. હકીકતમાં પૂર્વ જન્મ, પુનર્જન્મ, સ્વર્ગ – નરક આ બધું કલ્પનાથી વિશેષ કંઈ જ નથી. આપણા પોતાનાં સ્વજનો, જેઓ આ દુનિયા છોડી ગયા છે તેઓ અત્યારે ક્યાં છે તે કોઇ કહી શકતું નથી અને તે જ રીતે આપણે આગલા જન્મમાં ક્યાં હતા તે પણ કોઇ કહી શકતું નથી. તેનો અર્થ જ એવો થાય કે પૂર્વ જન્મ અને પુનર્જન્મ જેવું કશું છે જ નહીં. આ બધી ભ્રામક માન્યતાઓ છે.
તે જ રીતે સ્વર્ગ – નરક જેવું કશું હોતું નથી. સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે જે ખરાબ કામો કરતા હોય તે બધા નરકમાં જાય અને સારાં કામો કર્યાં હોય તે બધા સ્વર્ગમાં જાય. પણ તમે વર્તમાનપત્રોમાં અવસાન નોંધ વાંચશો તો કોઈ પણ અવસાન નોંધમાં સ્વર્ગસ્થ એવું જ લખેલું જોવા મળશે. મતલબ નરકમાં કોઇ જતું જ નથી. એનો અર્થ એવો થાય કે આ દુનિયામાં સ્વર્ગ અને નરકમાં જેઓ માને છે તેમની દૃષ્ટિએ મરનાર દરેક વ્યકિત સારાં કામો જ કરતી હતી. ખરેખર એવું હોય છે ખરું? ના. સ્વર્ગ અને નરક એ પણ એક કલ્પના જ છે. સ્વર્ગ અને નરક બેમાંથી કોઈ પણ, કોઈએ જોયું નથી અને જોઈ શકવાના નથી કારણકે હકીકતમાં તેવું કશું હોતું જ નથી. આવી ભ્રામક માન્યતાઓ સમાજમાંથી દૂર થવી જોઈએ. સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.