પાંચ વર્ષનો શિવાન દાદી સાથે રોજ મંદિરે જાય, દાદી તેને ભગવાનની વાર્તાઓ કહે. તેને સમજ પડે તેવી રીતે સમજાવે કે ભગવાન બધે જ છે. ભગવાન સર્વ શક્તિમાન છે તે આપણી પ્રાર્થના સાંભળે છે. એક દિવસ શિવાને પૂછ્યું, ‘દાદી, આપણે રોજ મંદિરે શું કામ આવીએ છીએ?’ દાદીએ કહ્યું, ‘ભગવાનના દર્શન કરવા અને તેને પ્રાર્થના કરવા માટે.’ શિવાને કહ્યું, ‘દાદી રોજ પ્રાર્થના શું કામ કરવી જોઈએ.’ દાદીએ કહ્યું, ‘મારા દીકરા, રોજ ભગવાનને યાદ કરીને જે પ્રાર્થના કરીએ અને જે માંગીએ તે ભગવાન આપણને આપે તે માટે પ્રાર્થના રોજ કરવી જોઈએ.’ શિવાન આંખ મીંચીને, હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો. પ્રાર્થના કરીને તેણે દાદીને ફરી પૂછ્યું, ‘દાદી ભગવાન મારી પ્રાર્થના સાંભળશે ને?’ દાદી હસતા હસતા બોલ્યા, ‘હા દીકરા, ચોક્કસ સાંભળશે અને જો તું તારા માટે નહીં પણ બીજા માટે પ્રાર્થના કરીશ તો તેઓ જલ્દી સાંભળશે તે યાદ રાખજે.’
એક દિવસ શિવાન અને તેના દાદી મંદિરે જઈને આવ્યા અને પછી શિવાન મમ્મી અને પપ્પા સાથે બહાર ડીનર માટે ગયો. રસ્તામાં તેને ગાડીમાંથી બે નાનકડા ગરીબ ભાઈ-બહેન જોયા. લગભગ પાંચ વર્ષની બહેન અને આઠ-નવ વર્ષનો મોટો ભાઈ હશે. વરસતો વરસાદ હતો અને બિચારો મોટો ભાઈ નાનકડી બહેનને તેડીને પ્લાસ્ટિક ઓઢાડીને ભીખ માંગી રહ્યો હતો. શિવાને તેની મમ્મીને કહ્યું, ‘મમ્મી, આ લોકો કેમ અહીં ભીના થાય છે. શું તેમની પાસે રેઇનકોટ નથી?’ શિવાનની મમ્મીને મૂંઝવણ થઈ કે નાનકડા શિવાનને શું જવાબ આપે. મમ્મીએ શિવાનને સમજાવ્યું કે તેઓ પાસે કઈ નથી એટલે હેલ્પ માંગે છે.
શિવાન તરત આંખ બંધ કરીને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો. તેને પાંચ મિનીટ સુધી પ્રાર્થના કરી ત્યાં સુધી મમ્મી તેને જોતી રહી. પછી ધીમેથી મમ્મીએ પૂછ્યું, ‘શિવાન આ તું શું કરે છે?’ શિવાને કહ્યું, ‘મમ્મી હું ભગવાનને પ્રાર્થના કરું છું.’ તેને પપ્પાએ કહ્યું, ‘બેટા તું દાદી સાથે મંદિરે ગયો હતો ત્યારે પ્રાર્થના કરી હશે પછી અત્યારે પાછો કેમ પ્રાર્થના કરે છે? અને આ રસ્તો છે તું ગાડીમાં બેઠો છે અહીં થોડું મંદિર છે?’
શિવાન બોલ્યો, ‘પપ્પા, દાદીએ મને સમજાવ્યું છે કે ભગવાન બધે જ છે અને આપણે જ્યારે બીજા કોઈ માટે પ્રાર્થના કરીએ ત્યારે ભગવાન જલ્દી સાંભળે છે એટલે મેં હમણાં પેલા બે ભાઈ-બહેન માટે ભગવાનને પ્રાર્થના કરી કે તેમને જલ્દીથી હેલ્પ કરે અને વરસાદમાં ભીના થતાં અટકાવે.’ મમ્મી શિવાનની વાત સાંભળી તેને ભેટી પડી. મમ્મી અને પપ્પા બંને પોતાના પાંચ વર્ષના દીકરાના પવિત્ર મન અને મનની સારી ભાવના જોઇને રાજી થયા. વિચારવા જેવું છે કે કાશ દુનિયામાં આ પવિત્ર બાળમાનસ સદા જીવંત રહે અને બધા જ ભગવાનને એકબીજા માટે પ્રાર્થના કરે તો દુનિયા સ્વર્ગ બની જાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.