Columns

પ્રયાગરાજનો મહા કુંભ મેળો પરંપરા અને ટેક્નોલોજીના પવિત્ર સંગમ જેવો હશે

હિંદુ પરંપરામાં મહાકુંભ મેળાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. આ મેળો બાર વર્ષમાં એક વાર ભરાય છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે, જે ૧૩મી જાન્યુઆરીથી શરૂ થશે અને ૨૬મી ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.અગાઉ ૨૦૧૩માં પ્રયાગરાજમાં આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૨૦૧૯માં પ્રયાગરાજમાં અર્ધ કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.કુંભ મેળાનું આયોજન પ્રયાગરાજ, ઉજ્જૈન, હરિદ્વાર અને નાસિકમાં કરવામાં આવે છે.

આ મેળાના આયોજનમાં સૂર્ય અને ગુરુની ભૂમિકા સૌથી મહત્ત્વની છે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગુરુ વૃષભ રાશિમાં હોય છે અને સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળો ભરાય છે.૨૦૨૫ના જાન્યુઆરીમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ રહી છે, તેથી પ્રયાગરાજમાં મહા કુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે.જ્યારે ગુરુ કુંભ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.જ્યારે સૂર્ય અને ગુરુ બંને સિંહ રાશિમાં હોય છે, ત્યારે નાસિકમાં કુંભ મેળો યોજાય છે અને જ્યારે ગુરુ સિંહ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં હોય ત્યારે ઉજ્જૈનમાં કુંભ મેળો ભરાય છે.

પ્રયાગરાજમાં આગામી મહા કુંભ મેળાની ઉત્તેજના અને તૈયારીઓ ચરમસીમાએ છે. આ વખતે મહા કુંભ મેળામાં ૪૦ કરોડથી વધુ લોકો હાજરી આપે તેવી સંભાવના છે.જો કે પ્રયાગરાજમાં દર વર્ષે માઘ મેળાનું આયોજન કરવામાં આવે છે , પરંતુ અર્ધ કુંભ અને મહા કુંભ મેળાનું ધાર્મિક મહત્ત્વ વિશેષ છે.કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૨૫ થી શરૂ થતા મહા કુંભ મેળા માટે રૂ. ૨,૧૦૦ કરોડની વિશેષ અનુદાન રકમ મંજૂર કરી છે અને તેમાંથી રૂ. ૧,૦૫૦ કરોડનો પ્રથમ હપ્તો મંગળવારે બહાર પાડવામાં આવ્યો હતો.

યોગી આદિત્યનાથની સરકાર પહેલાંથી જ મહાકુંભના આયોજન માટે ૪૨૧ પ્રોજેક્ટ પાછળ ૫,૪૩૫ કરોડ રૂપિયા ખર્ચી રહી છે. આ અંતર્ગત પ્રયાગરાજમાં પાયાની સુવિધાઓ જેવી કે રસ્તાઓ પહોળા કરવા, રિવર ફ્રન્ટનું નિર્માણ કરવું, વિવિધ જંક્શનોનું બ્યુટીફિકેશન કરવું વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે પ્રયાગરાજ મહા કુંભમાં માત્ર પુરુષ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને જ ઈ-રિક્ષા અને ઈ-ઓટોની સુવિધા મળશે તેવું નથી, પરંતુ માત્ર મહિલા ભક્તો અને પ્રવાસીઓ માટે પિંક વ્હીકલની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

પિંક ઈ-રિક્ષા અને ઈ-ઓટોમાં માત્ર મહિલાઓ જ ડ્રાઈવર હશે. આ સુવિધાનો લાભ મહિલા ભક્તોને મળશે.આ માટે ઓલા અને ઉબેરની તર્જ પર એપ દ્વારા બુકિંગ કરી શકાય છે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને મહાકુંભ સ્થળને પ્રદૂષણમુક્ત રાખવા માટે મોટી સંખ્યામાં ઈ-ઓટો અને ઈ-રિક્ષા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ઈ-રિક્ષા અને ઈ-ઓટોના ચાલકો લોકો સાથે સારો વ્યવહાર કરી શકે અને મહાકુંભ વિશે પણ જાણકારી મેળવી શકે તે માટે તેમના ડ્રાઈવરોને તાલીમ આપવામાં આવી રહી છે.

પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમની રેતી પર તૈયાર થઈ રહેલી કુંભ નગરીમાં ભક્તોને સંગમમાં સ્નાન કરવાનું પુણ્ય તો મળશે જ, સાથે તેઓ ગીત-સંગીતનો પણ આનંદ માણી શકશે. સમગ્ર મહાકુંભ દરમિયાન મેળાના વિસ્તારમાં બનાવવામાં આવી રહેલા ગંગા પંડાલમાં ગાયક અને સંગીતકાર શંકર મહાદેવન, કૈલાશ ખેર, સોનુ નિગમ, વિશાલ ભારદ્વાજ, રિચા શર્મા, જુબિન નૌટિયાલ અને શ્રેયા ઘોષાલ જેવા સ્ટાર્સ પરફોર્મ કરશે. ગંગા પંડાલમાં ૧૦,૦૦૦ લોકો બેસી શકે છે અને કાર્યક્રમનો સમય સાંજે ૪ વાગ્યાથી ૮ વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.

મહા કુંભમાં આવનારાં શ્રદ્ધાળુઓની આંખોના સ્વાસ્થ્ય માટે નેત્ર કુંભનું આયોજન કરવામાં આવશે. નવ એકરમાં આયોજિત થઈ રહેલા આ નેત્ર કુંભમાં પ્રથમ વાર પાંચ લાખથી વધુ લોકોની આંખોની તપાસ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્રણ લાખ ચશ્માંનું વિતરણ કરવામાં આવશે. પ્રયાગરાજમાં ૨૦૧૯ના કુંભ મેળા દરમિયાન ૧.૫ લાખ લોકોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્રણ લાખ લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી.

આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર મહા કુંભને સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. મહાકુંભને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે વિવિધ બાજ, પડિયા વિક્રેતાઓને દુકાનો ફાળવવામાં આવી રહી છે. મહા કુંભમાં આવનારાં શ્રદ્ધાળુઓને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત વાતાવરણ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.૪૦૦ શાળાઓના આચાર્યો સાથે સ્વચ્છતા અંગે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને સ્વચ્છતાના સંદેશવાહક બનાવી પ્લાસ્ટિકમુક્ત મહાકુંભની જાગૃતિ વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે. ૧,૫૦૦ થી વધુ ગંગા સેવાદૂત તૈનાત કરવામાં આવી રહ્યા છે, જેઓ સ્વચ્છતા અભિયાન ચલાવશે અને ભક્તોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે પ્રેરિત કરશે.

પ્રયાગરાજ મહાકુંભ ૨૦૨૫ માટે આવનારાં કરોડો ભક્તોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને, મેળા વિસ્તારના સેક્ટર-૨૦ માં બે હજારથી વધુ સ્વિસ કોટેજ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા તંબુઓમાં સુપર ડીલક્સ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.આ ટેન્ટમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ હશે, જે સુપર ડીલક્સ ટેન્ટ વિલા, મહારાજા, સ્વિસ કોટેજ અને ડોરમેટરી ફોર્મેટમાં ઉપલબ્ધ હશે.તેમનું દૈનિક ભાડું રૂ. ૧,૫૦૦ થી રૂ. ૩૫,૦૦૦ની વચ્ચે હશે.

મહા કુંભ મેળામાં દેશ અને દુનિયાનાં ભક્તો અને પ્રવાસીઓના આગમનને ધ્યાનમાં રાખીને ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે. ટેન્ટ સિટી ૧ જાન્યુઆરી, ૨૦૨૫ થી ૫ માર્ચ, ૨૦૨૫ સુધી કાર્યરત રહેશે. તેમાં બુકિંગ કોર્પોરેશનની વેબસાઈટ અને મહાકુંભ એપ દ્વારા કરી શકાશે. આ એકમોમાં રોકાયેલા મહેમાનો યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણશે. આ ઉપરાંત તેમને પ્રયાગરાજ સંબંધિત અન્ય મુખ્ય સ્થળો વિશે પણ માહિતી આપવામાં આવશે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ મહા કુંભ માટે રેલવેની તૈયારીઓની સમીક્ષા કરવા વારાણસીથી રેલવે દ્વારા પ્રયાગરાજ પહોંચ્યા હતા.

શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે ૩,૦૦૦ વિશેષ અને ૧૦,૦૦૦ નિયમિત ટ્રેનો સહિત લગભગ ૧૩,૦૦૦ ટ્રેનો દોડાવશે અને લગભગ ૧.૫ થી ૨ કરોડ મુસાફરોને ટ્રેન મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવશે. ગંગા નદી પર બનેલા નવા પુલનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ટૂંક સમયમાં કરશે. પ્રયાગરાજમાં ૧૦૦ વર્ષ બાદ ગંગા નદી પર નવો પુલ બનાવવામાં આવ્યો છે. પ્રયાગરાજના મહા કુંભને દિવ્ય અને ભવ્ય બનાવવાના ઉદ્દેશ્ય સાથેઉત્તર પ્રદેશ સરકારે યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપતાં ઘણાં મહત્ત્વપૂર્ણ પગલાં લીધાં છે.

તેમાં શ્રીમંતો ઉપરાંત ગરીબ અને મધ્યમ વર્ગનાં યાત્રાળુઓનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેમના માટે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તાજેતરમાં પ્રયાગરાજ મેળા વિસ્તારમાં ૨૫,૦૦૦ પથારીની ક્ષમતાવાળા ૧૦૦ જાહેર આશ્રયસ્થાનોનું ઉદ્ઘાટન કર્યું છે.પરંપરાગત રીતે કુંભ મેળાનાં યાત્રાળુઓ ખુલ્લી જગ્યાઓ પર રોકાય છે, જેના કારણે તેમને ઠંડાં વાતાવરણમાં અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ જાહેર આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરી છે.  દરેક આશ્રયસ્થાનમાં ૨૫૦ પથારીની જોગવાઈ છે, જેમાં ગાદલાં, ગોદડાં અને સ્વચ્છ ચાદર ઉપલબ્ધ હશે. તેમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ શૌચાલય અને બાથરૂમ બનાવવામાં આવ્યાં છે. નિયમિત સફાઈ, સ્વચ્છ પીવાનું પાણી અને ૨૪ કલાક સુરક્ષા જેવી સુવિધાઓનો લાભ પણ ભક્તો નજીવી ફી ભરીને લઈ શકશે.

Most Popular

To Top