SURAT

પ્રવિણ ભાલાળાએ સરથાણાના વેપારીને પણ હનીટ્રેપમાં ફસાવ્યો હતો, જૂના કાંડ બહાર આવ્યા

સુરત: સોશિયલ મિડીયા ઉપર સક્રીય ૨હીને પોતાને સમાજ સેવક ગણાવતા પ્રવિણ ભાલાળાની કાળી કરતૂતો છાપરે ચઢીને પોકારી રહી હોય તેમ બહાર આવવા લાગી છે. જેમાં ઓરિસ્સામાં સોનાનાં વેપારીના વૃદ્ધ પિતાને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવાનું કહી રૂ.6 કરોડની છેતરપિંડીના કેસમાં ફરાર પ્રવિણ ભાલાળા વિરૂધ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં રૂ.૧૪ લાખ પડાવી લેવાયાનો વધુ એક ગુનો નોંધાયો છે. જેમાં પ્રવિણ ભાલાળાએ એક યુવતી સાથે મળી હની ટ્રેપ ગોઠવી સરથાણાના વેપારી પાસેથી બળજબરી લાખો રૂપિયા કઢાવી લીધા હતા.

  • 10 વર્ષ પૂર્વે વેપારીને હનીટ્રેપમાં ફસાવી 14 લાખ પડાવ્યા હતા
  • દિવ્યા ઉર્ફે દક્ષા અને ટોળકી સાથે મળી વેપારીને બીભત્સ વિડીયો ક્લિપ મોકલ્યા બાદ હોટલમાં બોલાવ્યો હતો
  • રેપ કેસ અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હતી
  • ઓરિસ્સાના વૃદ્ધ સાથે 6.16 કરોડની ઠગાઈના કેસમાં પણ પ્રવિણ ભાલાળા સામે ગુનો નોંધાયો

સરથાણા જકાતાનાકા યોગી હાઇટ્સમાં રહેતા વેપારી હિતેશ વિનુભાઇ બોરડે વરાછા પોલીસ સ્ટેશનમાં પોતાને સમાજ સેવક ગણાવતા પ્રવિણ વિઠ્ઠલભાઈ ભાલાળા (રહે. મેરી ગોલ્ડ રેસીડેન્સી, સરથાણા જકાતનાકા), દિવ્યા ઉર્ફે દક્ષા તેમજ તેમના મળતીયાઓ વિરુદ્ધ હનીટ્રેપની ફરિયાદ નોંધાવી છે.

જેમાં વેપારીએ જણાવ્યું હતું કે ૨૦૧૫ના ઓગષ્ટ મહિનામાં હિતેશ બોરડ પર દિવ્યા ઉર્ફે દક્ષાએ લોનના બહાને ફોન કરાવ્યો હતો. ત્યારબાદ પ્રવિણ ભાલાળાના કહેવા પર દિવ્યા ઉર્ફે દક્ષાએ હિતેશ બોરડને બિભત્સ વિડીયો ક્લીપ મોકલી હતી.

હિતેશને ઉત્તેજીત કર્યા બાદ આ યુવતીએ હનીટ્રેપ ગોઠવીને પ્રવિણ ભાલાળા સહિતની ટોળકી સાથે મળી હિતેશ બોરડને એક હોટલમાં બોલાવ્યો હતો અને રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સમાજમાં બદનામીનો ડર બતાવીને વેપારી પાસેથી રૂ.૧૪ લાખ પડાવી લીધા હતા.

૧૦ વર્ષ પહેલા બનેલી આ હનીટ્રેપની ઘટના અંગે હવે પ્રવિણ ભાલાળાની કરતૂતો બહાર આવવા લાગી હોવાથી હિતેશ બોરડે પણ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રવિણ ભાલાળા અને દિવ્યા ઉર્ફે દક્ષા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રવિણ ભાલાળાએ ફેસબુક પર બે વિડીયો અપલોડ કર્યા, પોતાને નિર્દોષ ગણાવ્યો
રૂ. ૬.૧૬ કરોડની છેતરપિંડીના કેસમાં ફરાર પ્રવિણ ભાલાળાએ ગત રાત્રે ફેસબુક પર પોતાના બે વિડિયો અપલોડ કરી જણાવ્યું હતું કે તેમણે ક્યારેય પણ રાષ્ટ્રનું ખોટું કર્યું નથી અને છેલ્લા ૩૦ વર્ષથી સુરતમાં રહે છે. તેમની ઘર અને ગાડી પર હજુ પણ લોન ચાલુ છે.

તેણે છેલ્લા ૨૦ વર્ષથી એક જ મોબાઈલ નંબર રાખ્યો છે અને ૩૦ વર્ષમાં માત્ર બે જ ઘરમાં રહ્યો છે. ઓરિસ્સાના કેસમાં તેનું નામ ખોટી રીતે ઉછાળવામાં આવતું હોવાનું અને ઓરિસ્સાના ફ્રોડમાં તેનું નામ સામે આવતા કંઈ સમજ ન પડતા નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top