શાળાના પાઠ્યપુસ્તકોમાં પ્રથમ પાને પ્રતિજ્ઞાપત્ર હોય છે. જેમાં દેશને લાયક બનવાના, સૌ સાથે આદર, સભ્યતાથી વર્તવાના અને દેશ તથા દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પણ કરું છે, એમ જણાવેલ છે.જ્યાં પ્રતિજ્ઞા હોય ત્યાં પાલન આવે જ. ડૉક્ટર જેવાં કેટલાક વ્યવસાયમાં અને રાજકારણમાં, નોકરીમાં હોદ્દો સાંભળતાં પહેલાં, “ ઈશ્વરની સાક્ષીએ…હું ગંભીરતાપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે: હું નિષ્ઠાપૂર્વક કામ કરીશ, જીવનમાં શુદ્ધતા-સાત્વિકતા જાળવીશ.”વગેરે..પ્રતિજ્ઞા હોય છે. નોકરી- વ્યવસાય, પદ મળી ગયા પછી પ્રતિજ્ઞાનું પાલન થાય છે કે નહીં? મસમોટો પ્રશ્ન છે. નિષ્ઠા એટલે જાત સાથેની વફાદારી. વ્યક્તિ, સમાજ અને દેશ પ્રત્યેની ફરજ. બીજા પ્રશ્ન છે કે, હોદ્દા-નોકરીમાં મળતાં પગારના પ્રમાણમાં કામ કરીએ છીએ કે નહીં? નીતિ-નિયમો અને કાયદાનું પાલન કરીએ છીએ કે નહીં? મૂળ તો આત્માને વફાદાર રહેવું જોઈએ. જો આમ ન હોય તો ઈશ્વરની સાક્ષીએ પ્રતિજ્ઞા કરેલ હોય ઈશ્વરને પણ છેતરો છો, એમ કહી શકાય. કર્તવ્ય પાલન શિસ્ત, સમયસૂચકતા-નિયમિતતા સાથે કરવું જોઈએ. ટૂંકમાં પોતાની ફરજ પ્રામાણિકતા સાથે નિષ્ઠાપૂર્વક બજાવો તો જ પ્રતિજ્ઞાનું પાલન કર્યું કહેવાય. બાકી છેતનારની ભરમાર છે જ.
નવસારી – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પેરેલિસિસ અને અંધ વ્યકિતઓ માટે આશાનું કિરણ
ઇલોન મસ્કની ટેસ્લાલ સ્પેસ એકસ, ટિવટર અને ફેમોંટ બાદ હવે ‘ન્યુરોલિન્ક’ નામની નવી કંપની બની છે. આ કંપની મગજમાં સિકકાના કદની કમ્પ્યુટર ચીપ ઇમ્પ્લાન્ટ કરશે, જેનાથી પેરેલિસિસ અને મગજની અન્ય ગંભીર બીમારીથી પીડાતાં દર્દીઓને રાહત મળશે. એ જ રીતે આંખમાં રેટીનામા ડીજનરેશન થવાથી દૃષ્ટિ ગુમાવી બેઠેલાં દર્દીઓની આંખમાં પણ માઇક્રોચીપ મુકાશે જે પ્રકાશનાં કિરણોને બ્રેઇનમાં પહોંચાડશે જેથી અંધ વ્યકિત પોતાની દૃષ્ટિ પાછી પ્રાપ્ત કરી શકશે. મગજમાં જે વિચારો ચાલતા હશે એ વિચારો પણ આ કમ્પ્યુટર ચીપથી રેકર્ડ થઇ શકશે. એટલું જ નહિ, પણ તમે માત્ર વિચારીને ટાઇપ કરવા માંગતા હશો તો ટાઇપ પણ થઇ શકશે. આ ન્યુરોલીન્ક કંપની ૨૦૧૬ થી બ્રેઇનચીપ બનાવવાના પ્રયોગો કરી રહી છે. આ પ્રયોગોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચીપ તૈયાર કરીને મગજમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. પ્રયોગોમાં સફળતા પ્રાપ્ત થતાં ન્યુરોલિન્ક કંપનીએ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ને તમામ ડોકયુમેન્ટસ મોકલી આપ્યા છે. વિજ્ઞાન મનુષ્યના રોગોના નિવારણ માટે કુદરત સામે લડી રહ્યું છે. લાગે છે કે મેડિકલ સાયન્સ ઘણા ગંભીર રોગો ઉપર પણ સારવારની નવી નવી ટેકનિકો દ્વારા વિજય મેળવી શકશે.
સુરત – ડો. કિરીટ એન. ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.