શહેરા: શહેરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર અને તેમની ટીમ દ્વારા બે વેપારીઓને ત્યાંથી ૫૨૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલાનો જથ્થો ઝડપી પાડયો હતો.પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા પાલિકા એ વેપારીઓ સામે દંડ સહિતની કાર્યવાહી હાથધરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણને થઈ રહેલા નુકસાનને રોકવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે શહેરા નગરના બજારોમાં આવેલી દુકાનોમા સેનેટરી ઈન્સપેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, નગરના સિંધી બજારમાં આવેલ વીર પ્લાસ્ટિક નામની દુકાન અને રોહિત વાસ વિસ્તારના એક રહેણાંક મકાન પાલિકા ની ટીમે તપાસ કરતા સિંગલ યુઝ તેમજ હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિક ના ઝબલા મળી આવ્યા હતા.
નગરપાલિકાની ટીમ એ વીર પ્લાસ્ટિક નામની દુકાન પરથી ૨૨૫ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જ્યારે અલ્પેશ પરમારના મકાનમાંથી ૩૦૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડતા કુલ ૫૨૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા નો જથ્થો ઝડપી પાડીને દંડની કાર્યવાહી હાથધરી હતી.જોકે થોડા દિવસ અગાઉ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝબલા નો વેપાર કરતા વેપારીઓને નોટીસ પણ અપાઈ હોવાનું સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હોય તેમ છતાં વેપારીઓ પોતાની મનમાની કરીને વધુ કમાણી કરવાની ઈચ્છા ધરાવતા હોવાથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા વેચાણ કરતા પાલિકા દ્વારા લાલ આંખ કરીને કાર્યવાહી હાથ ધરતા જેને લઇને વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.