મંગળવારે ચૂંટણી પંચે જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરને બે મતદાર ઓળખપત્રો અંગે નોટિસ ફટકારી અને ત્રણ દિવસમાં જવાબ માંગ્યો. પીકેનું નામ બિહાર તેમજ પશ્ચિમ બંગાળના વોટર લિસ્ટમાં મળી આવ્યું છે.
બે વિધાનસભા મતવિસ્તારો (બિહારમાં કારાઘર અને પશ્ચિમ બંગાળમાં) ની મતદાર યાદીઓમાં જન સૂરજ પાર્ટીના પ્રશાંત કિશોરનું નામ દેખાયા અંગે કારાઘર વિધાનસભા મતવિસ્તારના રિટર્નિંગ ઓફિસરે એક નોટિસ ફટકારી છે જેમાં તેમને ત્રણ દિવસમાં પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે.
તેમનું નામ બિહાર તેમજ પશ્ચિમ બંગાળમાં પણ છે
જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર બિહાર તેમજ પશ્ચિમ બંગાળમાં મતદાર તરીકે નોંધાયેલા છે. સત્તાવાર રેકોર્ડ અનુસાર કિશોર પશ્ચિમ બંગાળમાં ૧૨૧, કાલીઘાટ રોડ પર મતદાર તરીકે નોંધાયેલા છે, જે કોલકાતાના ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મુખ્યાલયનું સરનામું છે. જે મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીનો મતવિસ્તાર છે. કિશોરે 2021 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ટીએમસી માટે રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું હતું. ચૂંટણી પંચે આ મામલે પ્રશાંત કિશોરને નોટિસ ફટકારી છે જેમાં ત્રણ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે નોટિસમાં શું કહ્યું?
ચૂંટણી પંચે નોટિસમાં જણાવ્યું હતું કે તમારું નામ બિહાર રાજ્યની મતદાર યાદી અને પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાં નોંધાયેલું છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 17 મુજબ કોઈપણ વ્યક્તિ એક કરતાં વધુ મતવિસ્તારમાં નોંધણી કરાવી શકશે નહીં. ઉલ્લંઘનના કિસ્સામાં જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 31 હેઠળ એક વર્ષની જેલ અથવા દંડ અથવા બંનેની જોગવાઈ છે. તેથી ખાતરી કરો કે તમે એક કરતાં વધુ મતવિસ્તારમાં તમારા નામાંકન અંગે ત્રણ દિવસની અંદર તમારા મંતવ્યો સબમિટ કરશો.
જણાવી દઈએ કે પ્રશાંત કિશોર બિહાર વિધાનસભા ચૂંટણીમાં હાલ સૌથી વધુ ચર્ચામાં છે. જ્યારે મુખ્ય સ્પર્ધા NDA અને મહાગઠબંધન વચ્ચે છે ત્યારે જનસુરાજ પાર્ટીની રેલીઓમાં ભીડ પણ તેમને સ્પર્ધામાં ખેંચી ગઈ છે. જનતા જનસુરાજ પાર્ટીને કેટલો આશીર્વાદ આપશે તે જોવાનું રહ્યું.