સુરત(Surat): અયોધ્યા (Ayodhya) ધામ ખાતે નિજ મંદિરમાં શ્રીરામ (ShirRam) ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી દેશભરમાં ઉત્સાહનો માહોલ છે અને હજી પણ વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત ખાતે આગામી 1 અને 2 માર્ચના રોજ ટ્રાયોમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવને યાદગાર બનાવવા માટે લાડુની સૌથી લાંબી લાઇન બનાવી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવશે. આ સાથે જ સુરતમાં પહેલીવાર અયોધ્યાના રામ મંદિરમાં વહેંચાતી પ્રસાદી વહેંચવામાં આવશે.
- સુરત ખાતે 1 અને 2 માર્ચે ઉજવાશે રામ ઉત્સવની ઉજવણી કરાશે
- આ પ્રસંગે લાડુની સૌથી લાંબી લાઇન રચીને સ્થપાશે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ
- રામ ઉત્સવ દરમિયાન ગીત, રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ સાથે પ્રસાદીનું કરાશે વિતરણ
આ અંગે માહિતી આપતા સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટના પિયુષ ભાઈ, પૂજા બેન અને ટ્રાયોમ રિયલ્ટીના સુરેશ ગોંડલિયાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે જ નિજ મંદિરમાં શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતાં દરેક સનાતનીનું 500 વર્ષનું સપનું સાકાર થયું છે. જેને અનેરી ખુશી દરેકના હૃદયમાં છે. ત્યારે સુરત ખાતે પણ 1 અને 2 માર્ચના રોજ રામ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
1 માર્ચના રોજ રામ ઉત્સવ અંતર્ગત વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રાંગણમાં વિદ્યાર્થીઓ દ્વારા લાડુની સૌથી લાંબી લાઈન ગોઠવવામાં આવશે અને ટ્રાયોમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવશે. જ્યારે 2જી માર્ચના રોજ ટ્રાયોમ રિયલ્ટી અને સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા રામા ફેસ્ટની ઉજવણી કરવામાં આવશે.
સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ઉજવણી દરમિયાન શ્રીરામ ભગવાન પર આધારિત ગીત, નૃત્ય રજુ કરવામાં આવશે, સાથે જ રામધૂન અને હનુમાન ચાલીસા પાઠ કરાશે. આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહેશે. આ તમામ ને અયોધ્યા પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ ઉજવણી પાછળનો ઉદ્દેશ્ય સુરતના લોકોને સુરત ખાતે જ અયોધ્યા ધામનો પ્રસાદ ઉપલબ્ધ કરાવવાનો છે. સનાતન સેવા ન્યાસ દ્વારા સ્મૃતિ ચિન્હ સાથે અયોધ્યાનો પ્રસાદ, તામ્રપત્ર , શાલિગ્રામજીનું સ્વરૂપ , શ્રીરામજીના જન્મ સ્થળની વિશેષ માટી , રામજીના ધનુષ બાણનો અને વિશેષ પ્રસાદ પણ આપવા માં આવશે.
અયોધ્યાના રામ મંદિરથી 15 કિલો પ્રસાદી આવશે, મિક્સ કરી લાડુ બનાવાશે
આયોજકોએ જણાવ્યું કે, દરેક વ્યક્તિની ઈચ્છા અયોધ્યામાં રામ મંદિર જઈ પ્રભુ શ્રી રામના દર્શન કરવાની છે, પરંતુ તે ઈચ્છા હર કોઈ વ્યક્તિ પૂરી કરી શકતું નથી, તેથી અમે અયોધ્યાના રામ મંદિરમાં પ્રભુને જે પ્રસાદ ધરાવવામાં આવે છે તે બુંદીના લાડુ મંગાવ્યા છે. અંદાજે 15 કિલો બુંદી સુરત આવશે. આ બુંદી મિક્સ કરી રામ મંદિર ટ્રસ્ટની ગાઈડલાઈન અનુસાર અહીં મોટી માત્રામાં અંદાજે 3 હજાર જેટલાં લાડુ બનાવાશે. આ લાડુની પ્રસાદી ભક્તોમાં વિતરીત કરાશે.